@અમિત રૂપાપરા
પોલીસનું નામ પડે એટલે લોકો ડરવા લાગતા હોય છે પરંતુ આજ પોલીસ મુશ્કેલીના સમયમાં લોકોને મદદરૂપ થતી હોય છે. જ્યારે આવા કિસ્સા સામે આવતા હોય છે ત્યારે લોકો પણ સામેથી પોલીસ કર્મચારીઓને સલામ કરતા હોય છે.
તેમાં પણ સુરત શહેર પોલીસની વાત કરવામાં આવે તો અવારનવાર સુરત શહેર પોલીસ દ્વારા લોકોને મદદરૂપ થવાના અનેક પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે ફરી એક વખત સુરતમાં પોલીસ કર્મચારીનો ઉદાર ચહેરો સામે આવ્યો છે.
એક બાળકે પિતાની છત્રછાયા ગુમાવી અને બાળક નિરાધાર બન્યો. પરંતુ બાળકની વ્હારે પોલીસ આવી અને પોલીસે માનવતા દાખવી બાળકના પિતાની અંતિમવિધિ પણ કરાવી હતી.
સુરતના ભટાર વિસ્તારમાં આઠ વર્ષનો બાળક પિતા રબિન્દ્ર રોયની સાથે રહેતો હતો. રબિન્દ્ર રોય મૂળ પશ્ચિમ બંગાળના વતની હતા અને તેમને કિડનીની બીમારી હોવાના કારણે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જોકે રબિન્દ્ર રોહિની પત્ની અગાઉ અન્ય સંતાનોને લઈને ક્યાંક ચાલી ગઈ હોવાના કારણે 8 વર્ષના માસુમ બાળકની જવાબદારી રબિન્દ્ર પર હતી પરંતુ જે પિતા બાળકનું ભરણપોષણ કરતા હતા એ પિતા હોસ્પિટલમાં દાખલ હોવાના કારણે પિતાની સેવાની જવાબદારી 8 વર્ષના માસુમ બાળક પર આવી ગઈ.
હોસ્પિટલમાં એક 8 વર્ષનું બાળક તેના પિતાની સેવાચાકરી કરી રહ્યું હોવાની જાણ મહિલા આર્થિક ગુના નિવારણ શાખાને થતા જ તાત્કાલિક પોલીસની એક ટીમ અને સામાજિક સંસ્થાના કોર્ડીનેટર હોસ્પિટલ પહોંચ્યા અને બાળકના વાલી વારસાને શોધવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે, આ બાળકના દાદા મલિંગચંદ્ર પશ્ચિમ બંગાળના જલપાઈ ગુડ્ડીમાં રહે છે.
તેથી પોલીસ દ્વારા બાળકના દાદાનો સંપર્ક કરવામાં આવ્યો અને બાળકના દાદા સુરત આવવા માટે સક્ષમ ન હતા તેથી પોલીસ દ્વારા ફલાઇટ સુધીની સુવિધા આપવાની તૈયારી બતાવવામાં આવી હતી પરંતુ દાદાએ સુરત આવવાનો ઇનકાર કર્યો.
બાળકના દાદાએ સુરત આવવાનો ઇનકાર કર્યો હોવાના કારણે પોલીસે પોતાની સામાજિક જવાબદારી નિભાવી બાળકને સુરતના કતારગામ ખાતે આવેલ બાળકમાં મૂકવામાં આવ્યો. તો બીજી તરફ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકના પિતાની તબિયત વધુ ખરાબ થતા રબિન્દ્રનું સારવાર દરમિયાન અવસાન થયું.
તેથી પોલીસ કર્મચારીઓએ આ બાળકને સાથે રાખી ઉમરા સ્મશાન ભૂમિમાં બાળકના પિતાની અંતિમવિધિ કરાવી હતી. પોલીસ કર્મચારીઓએ બાળકના પિતાની ચિતા પર લાકડા મૂક્યા અને નાના બાળકની મદદ કરતી પોલીસને જોઈ લોકોની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા હતા કારણ કે, હજી તો પિતાની આંગળી પકડી જે બાળક ચાલી રહ્યો હતો.
તે બાળક એ પિતાની છત્ર છાયા ગુમાવી અને ઉમરા સ્મશાન ભૂમિમાં સુરત પોલીસની મહિલા આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારી શ્વેતા ડેનિયલ્સની ટીમ દ્વારા હિન્દુ શાસ્ત્રોક વિધિ અનુસાર બાળક પાસે પિતાની અંતિમક્રિયા કરાવડાવી હતી.
મહત્વની વાત છે કે આઠ વર્ષનો બાળક ગુજરાતી કે હિન્દી ભાષા જાણતો ન હતો તે પશ્ચિમ બંગાળનો હોવાથી તેને ત્યાંની સ્થાનિક ભાષા જ આવડતી હતી. તેથી પોલીસે ટ્રાન્સલેટરની મદદથી તમામ કાગળની કાર્યવાહી પૂર્ણ કરી અને બાળકના પિતાની અંતિમવિધિ માટેની પ્રક્રિયા હાથ ધરી હતી અને પિતાની અંતિમવિધિ સમય પોલીસે બાળકને પરિવારની હુંફ પૂરી પાડી.
હાલ બાળકને કતારગામ ખાતે આવેલા બાળ આશ્રમ ખાતે મોકલી બાળકના માતા તેમજ અન્ય વાલી વારસાને સુરત લાવવાના પ્રયત્નો સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે અને બાળકના ભવિષ્યને લઈને પણ પોલીસ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:સુરતમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ સાથે બનાવ્યો ભારતનો નકશો; જુઓ આ અદ્ભુત દૃશ્ય
આ પણ વાંચો:સુરતમાં ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા માથું ધડથી અલગ
આ પણ વાંચો:GMSCLના ગોડાઉનમાં કૌંભાડની આશંકા, ગેરકાયદ સ્ટિકર લગાવી સગેવગે
આ પણ વાંચો:હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!