FBI Director Kash Patel Hacked: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે સાયબર વર્લ્ડમાં પણ દેખાઈ રહી છે. અમેરિકાની સૌથી શક્તિશાળી તપાસ એજન્સી FBIના ડાયરેક્ટર કાશ પટેલનું પર્સનલ જીમેઈલ એકાઉન્ટ હેક થતા અમેરિકી એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. પ્રો-પેલેસ્ટાઈન ગણાતા ઇરાની હેકર ગ્રુપ ‘Handala Hack’ એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને કાશ પટેલના અત્યંત અંગત ફોટા તથા મહત્વના દસ્તાવેજો જાહેર જનતા માટે ઓનલાઇન મૂકી દીધા છે.
ગુજરાત કનેક્શન અને બેંકિંગ ડેટા લીક
આ હેકિંગમાં સૌથી ચોંકાવનારો વળાંક એ આવ્યો છે કે કાશ પટેલના ગુજરાતમાં આવેલી એક ખાનગી બેંક (HDFC) માં રહેલા NRE (Non-Resident External) એકાઉન્ટના સ્ટેટમેન્ટ્સ પણ હેકર્સે મેળવી લીધા છે. લીક થયેલા ડેટાના વિશ્લેષણમાં તેમના ટેક્સ રિટર્ન, રોકાણો અને નાણાકીય વ્યવહારોની વિગતો બહાર આવી છે. જોકે, બેંકના સૂત્રોનું કહેવું છે કે બેંકની સિસ્ટમ હેક થઈ નથી, પરંતુ કાશ પટેલના પર્સનલ ઈમેઈલ પર આવતા બેંક સ્ટેટમેન્ટ્સ દ્વારા આ ડેટા ચોરાયો છે.
શું શું લીક થયું છે?
હેકર્સ દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઇટ ‘X’ અને ટેલિગ્રામ પર જે વિગતો શેર કરવામાં આવી છે તેમાં:
અંગત ફોટા: કાશ પટેલ એક એન્ટિક સ્પોર્ટ્સ કાર પાસે ઉભેલા હોય અને મોઢામાં સિગાર હોય તેવી તસવીરો.
દસ્તાવેજો: 2010 થી 2019 સુધીની અંગત અને વ્યાવસાયિક ઈમેઈલ્સ, જેમાં તેમની મુસાફરી અને બિઝનેસની વાતો છે.
નાણાકીય વિગતો: ભારત અને અમેરિકાના બેંકિંગ ટ્રાન્ઝેક્શન અને રોકાણોની વિગતો.
અમેરિકી ન્યાય વિભાગની પુષ્ટિ અને 1 કરોડ ડોલરનું ઇનામ
અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) એ સ્વીકાર્યું છે કે ઓનલાઇન લીક થયેલો ડેટા અસલી જણાય છે. FBI એ આ ઘટનાને ગંભીર ગણાવી છે, પરંતુ સ્પષ્ટ કર્યું છે કે તેમાં સરકારની કોઈ ‘ટોપ સિક્રેટ’ કે ગુપ્ત માહિતી સામેલ નથી. આ હેકિંગ પાછળ રહેલા ‘Handala Hack’ ગ્રુપના સભ્યોની ઓળખ આપનારને અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે 1 કરોડ ડોલર (અંદાજે 84 કરોડ રૂપિયા) ના ઇનામની જાહેરાત કરી છે.
FBI ડાયરેક્ટરની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ
વિશ્વની સૌથી સુરક્ષિત ગણાતી એજન્સીના વડાનું પર્સનલ એકાઉન્ટ હેક થવું એ સાયબર સુરક્ષાની નબળાઈ દર્શાવે છે. હેકર્સે પોતાની વેબસાઈટ પર દાવો કર્યો છે કે તેમણે અમેરિકાની સુરક્ષા વ્યવસ્થાના “અભેદ્ય તંત્રને થોડા જ કલાકોમાં ઘૂંટણિયે લાવી દીધું છે.” હાલમાં ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ આ મામલે નજર રાખી રહી છે, કારણ કે તેમાં હાઈ-પ્રોફાઈલ વ્યક્તિના PAN કાર્ડ અને બેંકિંગ ડેટાની વિગતો સામેલ છે.
આ પણ વાંચો : અબુ ધાબીમાં મિસાઇલનો કાટમાળ પડતા આગ, 5 ભારતીયો ઇજાગ્રસ્ત, એર ડિફેન્સ સિસ્ટમ હાઇ એલર્ટ પર
આ પણ વાંચો : ઇઝરાયેલ પર યમનનો પ્રથમ મિસાઇલ હુમલો, શું હવે મહાયુદ્ધ ફાટી નીકળશે?
આ પણ વાંચો :અમેરિકામાં ટ્રેન અને વૅન વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારની બે દીકરીઓ સહિત 5 ના મોત


