Nadiad News/ નડિયાદ કોર્પોરેશન કચેરીમાં ડે.કમિશનરની ચેમ્બર બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી

નડિયાદ ટાઉન પોલીસ અને DySp વી.આર.બાજપાઈને સ્થળ પર દોડી જવું પડ્યું હતું

Gujarat Others

Nadiad News : આજે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે નડિયાદ કોર્પોરેશન કચેરીમાં ડેપ્યુટી કમિશનરની ચેમ્બર બહાર  ઉગ્ર બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો. બાદમાં છુટ્ટા હાથે મારામારી થઈ હતી. જેના કારણે નડિયાદ ટાઉન પોલીસ અને DySp વી.આર.બાજપાઈને સ્થળ પર દોડી જવું પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, નડિયાદ કોર્પોરેશન કચેરીમાં આજે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવા માટે આવ્યાં હતા. તે દરમિયાન કોઈ વાતે બન્ને પક્ષોના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ ડેપ્યુટી કમિશનરની ચેમ્બર બહાર એક બીજાને માર માર્યો હતો. વિવાદ વધતાં પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી અને બન્નેને શાંત પાડ્યા હતા. જોકે, બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર આક્ષેપ કર્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવવા તૈયારી બતાવી છે.

અમે અમારા સાથી મિત્ર સાથે વોર્ડની સમસ્યાને લઇને આજે કોર્પોરેશન કચેરીએ કમિશનરને રજૂઆત કરવા ગયા હતા. કોંગ્રેસના ઘણા લોકો‌ ત્યાં રજૂઆત કરવા આવ્યા હશે અને તે લોકોએ ખોટી કોમેન્ટ પાસ કરી હતી, એમ ભાજપના કાર્યકર અને એડવોકેટ રવિ પરમારે જણાવ્યું હતું. આટલેથી ન અટકતા જાતી વાચક શબ્દો બોલ્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.

વધુમાં રવિએ જણાવ્યું કે, લોકશાહીમાં આ શબ્દોનો ઉપયોગ કરવો એ ખોટો છે. આ દરમિયાન અમારી વચ્ચે ઝપાઝપી થઈ હતી. જે બાદ અમે હાલ નડિયાદ ટાઉન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોધાવવા આવ્યા છીએ.સામાપક્ષે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે જણાવ્યું કે, અગાઉ 28 સપ્ટેમ્બરના રોજ અમે તત્કાલિન પાલિકા અને હાલની મહાનગરપાલિકાના કર્મચારીઓના PF અને લઘુત્તમ વેતનમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરી હતી.

જે સંદર્ભે કેવા પ્રકારના પગલા લેવાયા છે તે બાબતે રજૂઆત કરવા આજે કોર્પોરેશન કચેરીમાં ગયા હતા. જ્યાં અમે ડેપ્યુટી કમિશનર દેસાઈની ચેમ્બરમાં રજૂઆત કરતા હતા ત્યારે ભાજપના પૂર્વ કાઉન્સિલરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા અમારા કાર્યકરને અપશબ્દો બોલ્યા હતા. તેમજ પગ તોડી નાખીશું, હાથ તોડી નાખીશું તેવી ધમકીઓ ઓફીસમાં આપી હતી.આ ઉપરાંત વધુમાં જણાવ્યું કે, સામાવાળા પક્ષે કહ્યું કે, અમે જાતી વાચક શબ્દો બોલ્યા છે પરંતુ અમારી પાસે આ બાબતે પુરાવા છે જે પોલીસને આપીશું ન્યાયિક પોલીસ ફરિયાદ માટે અમારી પણ તૈયારી છે.

નડિયાદ નગરપાલિકામાં થયેલી મારામારીની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. શહેર કોંગ્રેસના પ્રમુખ હાર્દિક ભટ્ટે આ મામલે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, મનપાના કૌભાંડો બહાર ન આવે તે માટે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોંગ્રેસના માલધારી સેલના આગેવાન રાજુ રબારીને માર મારવામાં આવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે, નગરપાલિકામાં ધારાસભ્યના મળતિયાઓને મોટા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.

હાર્દિક ભટ્ટે સ્પષ્ટતા કરી છે કે, કોંગ્રેસ કોઈનો ડર રાખ્યા વિના આ તમામ કૌભાંડોને લોકો સમક્ષ ઉજાગર કરશે. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસના આ આરોપોએ નડિયાદના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં શિક્ષણ કૌભાંડ: DEOની ચૂપ્પી, હાઈકમાન્ડ નિષ્ક્રિય

આ પણ વાંચો: Mantavya Exclusive/મંતવ્ય ન્યૂઝને અમદાવાદ ગાયત્રી સ્કૂલે આપી ધમકી

આ પણ વાંચો: Mantavya Exclusive/મંતવ્ય ન્યૂઝના પર્દાફાશના કારણે આકાશ ઇન્સ્ટિટ્યુટના સંચાલકો ફરાર