information/ EVM કેવી રીતે કરે છે કામ, કેવી રીતે થઇ શકે છે હેક, મતની ગણતરીથી લઇને જાણો ચૂંટણી સાથે જોડાયેલી માહિતી 

આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, અને આ લોકશાહીની સૌથી મોટી સુંદરતા આપણા દેશમાં યોજાતી ચૂંટણી છે, વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ હોવા છતાં આપણા દેશમાં ચૂંટણીની પ્રક્રિયા ખૂબ જ સરળ અને પારદર્શક છે ભારતમાં ચૂંટણીઓનું આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે

Top Stories Trending
EVM EVM કેવી રીતે કરે છે કામ, કેવી રીતે થઇ શકે છે હેક, મતની ગણતરીથી લઇને જાણો ચૂંટણી સાથે જોડાયેલી માહિતી 

આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. અને આ લોકશાહીની સૌથી મોટી સુંદરતા આપણા દેશમાં યોજાતી ચૂંટણી છે. વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ હોવા છતાં આપણા દેશમાં ચૂંટણીની પ્રક્રિયા ખૂબ જ સરળ અને પારદર્શક છે. ભારતમાં ચૂંટણીઓનું આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. ચૂંટણીની જાહેરાતથી લઈને ચૂંટણીના પરિણામો જાહેર કરવા સુધીના ચૂંટણી પંચના કામમાં કોઈપણ અદાલત હસ્તક્ષેપ કરતી નથી.

આજે આપણે ચૂંટણી સાથે જોડાયેલા આવા જ કેટલાક સવાલોના જવાબ જાણીશું.  જે અવારનવાર લોકોના મનમાં ઉદભવે છે. ઉદાહરણ તરીકે – EVM શું છે? તે કેવી રીતે કામ કરે છે? શું EVM હેક થઈ શકે? vvpat શું છે? તે કેવી રીતે કામ કરે છે? કેવી રીતે થાય છે મત ગણતરી વગેરે..વગેરે વીશે.

EVM શું છે, કેવી રીતે કરે છે કામ

EVM નું પુરૂ નામ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે. ઈવીએમમાં ​​કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને 5 મીટર કેબલ હોય છે. આ સિવાય મશીન ચલાવવા માટે બેટરી પણ છે. ઈવીએમનું કંટ્રોલ યુનિટ વોટિંગ ઓફિસર પાસે છે. જ્યારે પણ મતદાર મતદાન કરવા આવે છે, ત્યારે તે ઓફિસર કંટ્રોલ યુનિટનું બટન દબાવે છે. ચૂંટણી અધિકારી કંટ્રોલ યુનિટમાંથી બટન દબાવતાની સાથે જ કંટ્રોલ યુનિટમાં લાલ લાઇટ અને બેલેટ યુનિટમાં લીલી લાઇટ થાય છે. જે દર્શાવે છે કે EVM તેમના મત આપવા માટે તૈયાર છે. જ્યારે મતદાર પોતાનો મત આપે છે, ત્યારે બીપ સંભળાય છે. જેના પરથી ખ્યાલ આવે છે કે મતદાન થયું છે.

એકવાર મતદાન થઈ જાય, પછી ગમે એટલી વાર EVM બટન દબાવવામાં આવે કંઈ થતું નથી. પછીથી જ્યારે આગામી મતદાર આવે  ત્યારે મતદાન અધિકારી કંટ્રોલ યુનિટનું બટન ફરી દબાવે છે. જ્યાં સુધી વોટિંગ ઓફિસર કંટ્રોલ યુનિટનું બટન દબાવશે નહીં ત્યાં સુધી ઈવીએમમાં ​​વોટિંગ થઈ શકશે નહીં. એટલે કે દરેક વોટ આપતા પહેલા વોટિંગ ઓફિસરે કંટ્રોલ યુનિટનું બટન દબાવવું પડે છે. ઈવીએમ મશીનની અંદર એક મિનિટમાં વધુમાં વધુ 5 વોટ નાંખી શકાય છે.

બેલેટ યુનિટની વાત કરીએ તો તેના પર મહત્તમ 16 બટનો છે. બેલેટ યુનિટ પર 16મું બટન NOTAનું છે. જો કોઈ પણ સીટ પર 15 થી વધુ ઉમેદવારો હોય, તો અન્ય બેલેટ યુનિટ ઉમેરવામાં આવે છે. આ રીતે વધુમાં વધુ 4 બેલેટ યુનિટને એક કંટ્રોલ યુનિટ સાથે જોડી શકાય છે. ઈવીએમમાં ​​વધુમાં વધુ 3,840 વોટ નોંધી શકાય છે. આ જ કારણ છે કે મતદાન મથક એવી રીતે બનાવવામાં આવે છે કે જે તે વિસ્તારમાં મતદારોની સંખ્યા ઓછી હોય.

EVMને  હેક કરી શકાય ?

કોઈપણ મશીનને બે રીતે હેક કરી શકાય છે. પહેલો રસ્તો વાયર્ડ છે અને બીજો રસ્તો વાયરલેસ છે. ઇવીએમને વાયર્ડ રીતે હેક કરવા માટે, ઇવીએમના કંટ્રોલ યુનિટ સાથે છેડછાડ કરવી પડશે. EVM એવી રીતે બનાવવામાં આવે છે કે તેની સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કરીને અથવા તેમાં કોઈ બાહ્ય ઉપકરણ લગાવવાથી તે કામ કરવાનું બંધ કરી દે છે. માટે ઈવીએમને વાયર્ડ રીતે હેક કરી શકાતા નથી.

જયારે વાયરલેસ હેકિંગની વાત કરીએ તો જણાવી દઈએ કે ઈવીએમ મશીનમાં કોઈપણ પ્રકારનું રેડિયો રીસીવર હોતું નથી. આ જ કારણ છે કે તેને ઈન્ટરનેટ, બ્લૂટૂથ કે અન્ય કોઈ વસ્તુથી કનેક્ટ કરી શકાતું નથી. આ જ કારણ છે કે ઈવીએમ વાયરલેસ રીતે હેક થવાની શક્યતાઓ નહિવત્ છે.

EVM હેકિંગની શક્યતાઓ

ઈવીએમ મશીનને માત્ર એક જ રીતે હેક કરી શકાય છે અને તે છે ઈવીએમ બનાવતી વખતે તેને ખોટી રીતે પ્રોગ્રામ કરવામાં આવે. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઈવીએમ મશીન બનાવવાનું કામ કરે છે. આ બંને કંપનીઓ સરકારી છે તેને બનાવતી વખતે, નિષ્ણાતોની સંપૂર્ણ દેખરેખ હેઠળ સોફ્ટવેરની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત જો તેને ખોટી રીતે પ્રોગ્રામ કરવામાં આવે તો પણ તેનો કોઈ ફાયદો થતો નથી. તેનું કારણ એ છે કે કયું મશીન કયા વિસ્તારમાં મોકલવામાં આવશે, તે મશીન બનાવતી વખતે નક્કી થતું નથી. જે તે વિસ્તારમાં કયા ઉમેદવારનો નંબર ક્યા ક્રમમાં રહેશે તે પણ ચૂંટણી પહેલા જ નક્કી થઈ જાય છે. આ સાથે, મતદાન પહેલાં તમામ ઉમેદવારો અથવા તેમના એજન્ટોની સામે EVM મશીનો પણ તપાસવામાં આવે છે. અને હવે  VVPAT ને EVM સાથે જોડ્યા પછી  મતદારને સ્લિપ દ્વારા પણ ખબર પડે છે કે તેમનો મત યોગ્ય જગ્યાએ ગયો છે કે નહીં.

VVPAT શું છે અને તે કેવી રીતે કરે છે કામ

હકીકતમાં તો EVM એકદમ સુરક્ષિત છે, પરંતુ તેમ છતાં તેની વિશ્વસનીયતા અંગે વારંવાર પ્રશ્નો ઉભા થાય છે. આવી સ્થિતિમાં ચૂંટણીમાં પારદર્શિતા લાવવા માટે વર્ષ 2013માં VVPAT ઉમેરવામાં આવ્યું હતું. VVPAT ની રજૂઆત સાથે  EVM માં કોઈપણ ગેરરીતિની શક્યતા સમાપ્ત થઈ ગઈ છે.

વાસ્તવમાં VVPAT એટલે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ છે. તે કાચની તકતીઓથી ઢંકાયેલું મશીન છે. તેને મતદાન મથકો પર ઈવીએમ મશીન સાથે જોડવામાં આવે છે. જ્યારે પણ કોઈ મતદાર પોતાનો મત આપે છે  ત્યારે VVPATમાંથી એક સ્લિપ બહાર આવે છે.  જેના પર ઉમેદવારનું નામ અને પક્ષનું ચૂંટણી ચિન્હ છપાયેલ હોય છે. આ સ્લિપ મતદારને 7 સેકન્ડ માટે દેખાય છે. જેના દ્વારા મતદારને ખાતરી થાય છે કે તેણે જે ઉમેદવારને મત આપ્યો છે તેને જ ગયો છે કે નહીં. 7 સેકન્ડ પછી આ સ્લિપ બોક્સમાં પડે છે. આ કાપલી માત્ર મતદાર જ જોઈ શકે છે, જેને સ્પર્શી શકાતી નથી.નહીં. કોઈપણ વિવાદના કિસ્સામાં  સ્લિપને ઈવીએમમાં ​​પડેલા મત સાથે મેચ કરવામાં આવે છે.

મત ગણતરી કેવી રીતે થાય છે

આપણા દેશમાં મત ગણતરીને લઈને કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે મત ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થાય છે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવે છે. 30 મિનિટ પછી ઈવીએમની ગણતરી કરવામાં આવે છે. ઈવીએમમાંથી મતોની ગણતરી માટે, મતગણતરી સ્થળ પર 14 ટેબલ લગાવવામાં આવ્યા છે. દરેક ટેબલ પર એક ઈવીએમના મતની ગણતરી કરવામાં આવે છે. એટલે કે દરેક રાઉન્ડમાં કુલ 14 ઈવીએમ વોટની ગણતરી થાય છે.

મતોની ગણતરી માટે  દરેક ટેબલ પર બેઠેલા અધિકારી EVM મશીનમાં હાજર પરિણામ બટન દબાવે છે. જે દર્શાવશે કે ઉમેદવારને કેટલા વોટ મળ્યા છે. આ મતો ડિસ્પ્લે બોર્ડ પર ફ્લેશ કરવામાં આવે છે. આ રીતે તમામ 14 ટેબલો પર તૈનાત કાઉન્ટિંગ કર્મચારીઓ દરેક રાઉન્ડમાં ફોર્મ 17-C ભરે છે અને એજન્ટ પાસેથી સહી કર્યા પછી આરઓને આપે છે.  RO તમામ 14 ટેબલો પર ઉમેદવારોને મળેલા મતોની ગણતરી કરે છે અને બ્લેક બોર્ડ પર લખે છે. તેમજ લાઉડસ્પીકર દ્વારા તેની જાહેરાત કરવામાં આવે છે. આ રીતે એક રાઉન્ડ પૂર્ણ થાય છે અને બીજો રાઉન્ડ શરૂ થાય છે. આ જ પ્રક્રિયાને આગલા રાઉન્ડમાં ફરીથી પુનરાવર્તિત કરવામાં આવે છે.

મત ગણતરીની સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવે છે. મતગણતરી કેન્દ્રની અંદર મોબાઈલ પર પ્રતિબંધ છે. જો કે મતગણતરી કેન્દ્ર પર ઉમેદવારો અથવા તેમના એજન્ટો હાજર રહે છે. મતગણતરીના દરેક રાઉન્ડ પછી રિટર્નિંગ ઓફિસર 2 મિનિટ રાહ જુએ છે. આ દરમિયાન  જો કોઈ વિક્ષેપની સંભાવના હોય તો કોઈપણ ઉમેદવાર પોતાનો વાંધો નોંધાવી શકે છે. ત્યારબાદ રિટર્નિંગ ઓફિસર ઉમેદવારને ખાતરી આપે છે કે તેમાં કોઈ ગેરરીતિ નથી અથવા જો તે ઇચ્છે તો ફરીથી મતોની ગણતરી કરાવી શકે છે. મતગણતરીનાં તમામ રાઉન્ડ પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવે છે.