Ahmedabad News: અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પરિવારના પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર સામૂહિક આત્મહત્યા કરી લીધી. આ ઘટના બગોદરા ગામના બસ સ્ટેશન નજીક આવેલા એક ભાડાના મકાનમાં બની, જ્યાં ધોળકાના વતની આ પરિવાર રહેતો હતો.
આ પરિવાર રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત તેમની બે દીકરીઓ અને એક દીકરો સામેલ હતા. શનિવારે રાત્રે આ પરિવારે ઝેરી દવા ગટગટાવી લેતાં તમામનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ સેવા અને ગ્રામ્ય SP, LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) તેમજ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ)ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે ઘટનાસ્થળની તપાસ હાથ ધરી છે અને પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે, પરંતુ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં શોકની લાગણી ફેલાવી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, ખંડણીને લઇને 15થી વધુ લોકોએ વેપારીને માર્યો માર
આ પણ વાંચો:અમદાવાદના જુહાપુરામાં અસામાજિક તત્વોનો આતંક
