Ahmedabad News/ AMCની કાર્યવાહી; એનાલોગ પનીર વેચતા 3 એકમો સીલ, દાણીલીમડામાં 5700 કિલો મેંદો જપ્ત કરી નાશ કરાયો

AMC (Food Safety)ની કાર્યવાહી. એનાલોગ પનીર મળતાં HL ફ્રેન્કી સહિત ત્રણ એકમો સીલ કરાયા. દાણીલીમડાની બેકરીમાંથી 5700 કિલો મેંદો અને અન્ય અખાદ્ય જથ્થો નાશ કરાયો.

Gujarat Ahmedabad Breaking News
food safety

Ahmedabad News: અમદાવાદમાં (Food Safety)ને લઈને AMCના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. શહેરમાં લેવાયેલા પનીરના સેમ્પલના લેબોરેટરી રિપોર્ટમાં એનાલોગ પનીર હોવાનું સામે આવતા HL ફ્રેન્કી સહિત ત્રણ ખાણી-પીણીના એકમોને સીલ કરવામાં આવ્યા છે. બીજી તરફ દાણીલીમડાની એશિયન બેકરીમાં તપાસ દરમિયાન 5700 કિલો મેંદો અને ખાંડ સહિતનો અખાદ્ય જથ્થો નાશ કરાયો છે. આ કાર્યવાહી બાદ શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ફરી સવાલો ઊભા થયા છે.

AMC Food Safety ટીમે 3 એકમો સામે કરી કાર્યવાહી

એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીના એકમોમાંથી પનીર અને ચીઝ સહિતના ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.

 નવરંગપુરાના સી.જી. રોડ/એચ.એલ. કોલેજ રોડ પર આવેલા ‘HL ફ્રેન્કી (HL Frankie)’, ‘દિલ્હી પરાઠા’ અને ગીતામંદિર બસ સ્ટેન્ડ નજીક આવેલા ‘જય સોમનાથ ટી સ્ટોલ’માં ઉપયોગમાં લેવાતા પનીરમાં ગંભીર ગેરરીતિ સામે આવી હતી. લેબ રિપોર્ટમાં પનીર શુદ્ધ દૂધમાંથી બનાવેલું ન હોવાનું અને તેમાં કેમિકલ તથા વેજિટેબલ ફેટનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું હતું.

રિપોર્ટ મળ્યા બાદ AMCની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય એકમોને સીલ કરી દીધા હતા.

પ્રતિબંધીત એનાલોગ પનીરનો મળી આવ્યું

એએમસી દ્વારા લેવાયેલા સેમ્પલના પરીક્ષણ બાદ ત્રણેય એકમોમાં પીરસવામાં આવતું એનાલોગ પનીર (Analog paneer)હોવાનું સામે આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી શહેરના ખાણી-પીણીના વ્યવસાયમાં ઉપયોગમાં લેવાતા પનીર અને અન્ય ડેરી ઉત્પાદનોની ગુણવત્તા અંગે ચર્ચા શરૂ થઈ છે.

દાણીલીમડાની બેકરીમાં 5700 કિલો જથ્થો નાશ

બીજી તરફ એએમસીના ફૂડ અધિકારીઓએ દાણીલીમડા વિસ્તારમાં આવેલી એશિયન બેકરી (Asian Bakery)માં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન બેકરી ફૂડ સેફ્ટી લાયસન્સ વિના ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. બેકરીમાં સ્વચ્છતાની સ્થિતિ પણ સંતોષકારક ન હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. અધિકારીઓએ સ્થળ પર તપાસ કરતાં બ્રેડ અને અન્ય બેકરી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની ગુણવત્તા અંગે પણ ગંભીર ખામીઓ મળી હતી.

એએમસીની ટીમે કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી આશરે 5700 કિલોગ્રામ મેંદો અને ખાંડનો જથ્થો જપ્ત કર્યો હતો.

કાળો પડી ગયેલો કણક પણ મળી આવ્યો

બેકરીમાંથી અગાઉથી તૈયાર કરવામાં આવેલો અને કાળો પડી ગયેલો અંદાજે 200 કિલોગ્રામ કણક પણ મળી આવ્યો હતો. આ સામગ્રીનો ઉપયોગ બેકરી પ્રોડક્ટ્સ બનાવવા માટે થતો હોવાની માહિતી સામે આવી હતી. આ અખાદ્ય અને ગુણવત્તાવિહીન જથ્થો સ્થળ પર જ નાશ કરાવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી એક્ટના નિયમોના ઉલ્લંઘન બદલ એશિયન બેકરીને પણ સીલ કરી દેવામાં આવી છે.

એએમસીની આ કાર્યવાહીએ શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે મહત્વનો મુદ્દો સામે લાવ્યો છે. ખાસ કરીને પનીર, બેકરી પ્રોડક્ટ્સ અને અન્ય તૈયાર ખાદ્ય ચીજોની ખરીદી કરતી વખતે ગ્રાહકોએ ગુણવત્તા અને વિશ્વસનીયતા અંગે સાવચેત રહેવાની જરૂરિયાત છે.


આ પણ વાચો: FSSAIનું નવું ‘Food Safety Connect’ એપ લોન્ચ, હવે ભેળસેળ અને ગંદા ખોરાકની સીધી કરી શકશો ફરિયાદ

આ પણ વાચો: ગાંધીનગરમાં ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, ખાણીપીણીની લારીઓમાંથી 36 નમૂના તપાસ માટે મોકલાયા

આ પણ વાચો: રાજકોટમાં ભેળસેળખોરો સામે મનપાની તવાઈ: 11 ફૂડ પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ