New Delhi News: દિલ્હીના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendar Jain)ની એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.દિલ્હી જલ બોર્ડ (DJB)ના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ના ટેન્ડરમાં કથિત ગેરરીતિ, ટેકનિકલ શરતોમાં હેરફેર અને લાંચના કેસમાં દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ મોટી કાર્યવાહી કરી છે. ACBએ મંગળવારે આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સહિત કુલ છ લોકોની ધરપકડ કરી છે.
Satyendar Jain સહિત કુલ છ લોકોની ધરપકડ
ACBના જણાવ્યા અનુસાર, દિલ્હી જલ બોર્ડના STPના અપગ્રેડેશન અને ક્ષમતા વધારવા માટેની ટેન્ડર પ્રક્રિયામાં એવી ટેકનિકલ શરતો સામેલ કરવામાં આવી હતી, જેનાથી એક ચોક્કસ ટેક્નોલોજી પ્રોવાઇડર કંપનીને ફાયદો થાય અને અન્ય કંપનીઓ વચ્ચેની સ્પર્ધા મર્યાદિત થાય. તપાસ એજન્સીનો આરોપ છે કે પ્રસ્તાવિત પાઇલટ સ્ટડી પણ કરાવવામાં આવી નહોતી. આ ઉપરાંત ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી અને મીડિયા અંગે પ્રતિબંધિત શરતો ઉમેરવામાં આવી હતી. ટ્રીટમેન્ટ બાદ પાણી માટે જરૂરી ધોરણોને પણ ટેકનિકલ શરતોમાંથી બહાર રાખવામાં આવ્યા હોવાનો ACBનો દાવો છે.
ખાનગી વ્યક્તિઓ અને અધિકારીઓ વચ્ચે વાતચીતના પુરાવા મળ્યાનો દાવો
ACBએ જણાવ્યું છે કે ઇલેક્ટ્રોનિક પુરાવાઓના વિશ્લેષણ દરમિયાન ખાનગી વ્યક્તિઓ અને કેટલાક સરકારી અધિકારીઓ વચ્ચે ટેન્ડરની શરતો, સુધારા અને અન્ય દસ્તાવેજોને લઈને થયેલી વાતચીત સામે આવી હતી. તપાસ એજન્સીનો દાવો છે કે આ દસ્તાવેજોમાં કરવામાં આવેલા કેટલાક ફેરફારો બાદમાં STPના ટેન્ડરમાં સામેલ કરવામાં આવ્યા હતા.
1.52 કરોડના કથિત ટ્રાન્ઝેક્શનની પણ તપાસ
ACBએ નાણાકીય વ્યવહારોની તપાસ દરમિયાન લાંચ અને કમિશનની રકમના કથિત ટ્રાન્સફર અંગે પણ માહિતી મળી હોવાનો દાવો કર્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર, યુરોટેક સાથે જોડાયેલી સંસ્થાઓમાંથી AN એન્ટરપ્રાઇઝિસને રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને ત્યારબાદ આ નાણાં સરકારી અધિકારીઓ તથા તેમના સંબંધીઓ સુધી પહોંચ્યા હોવાનો આરોપ છે.
તપાસમાં તત્કાલીન DJB CEO ઉદિત પ્રકાશ રાય અને તેમના સંબંધીઓના બેંક ખાતામાં આશરે 1.52 કરોડ પહોંચ્યા હોવાનો ACBનો દાવો છે. એજન્સીના જણાવ્યા અનુસાર, આ રકમનો કથિત રીતે અચલ સંપત્તિ ખરીદવામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
11 મે 2024ના રોજ નોંધાઈ હતી FIR
ACBના જણાવ્યા અનુસાર, આ મામલે FIR નંબર 10/2024 નોંધવામાં આવી હતી. દિલ્હી સરકારના વિજિલન્સ ડિરેક્ટોરેટની ફરિયાદના આધારે 11 મે, 2024ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો ઉપરાંત ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
છ આરોપીઓની ધરપકડ
ACBએ જણાવ્યું છે કે તપાસ દરમિયાન સામે આવેલા તથ્યો અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ ACB દ્વારા સમગ્ર નાણાકીય વ્યવહાર, કથિત લાંચની રકમ અને આ કેસમાંથી કથિત રીતે મેળવેલી સંપત્તિ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:સરકારી કચેરીમાં ક્યાં અને કેટલી લાંચ? ભારતીય વિદ્યાર્થીની Bribes.fyi વેબસાઇટ ખોલશે ભ્રષ્ટાચારની પોલ
આ પણ વાંચો:1 કરોડની લાંચના આરોપમાં ઘેરાયેલા IPS રાહુલ બંસલ ફરી ચર્ચામાં આવ્યા
આ પણ વાંચો:રાપરમાં ₹1,000ની લાંચ લેતા તલાટી ઝડપાયો
