કહેવાય છે ને કે, ‘જાકો રાખે સાંઈયા માર શકે ન કોઈ’ આવો જ બનાવ તાજેતરમાં ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના ગટરના નાળામાંથી મળેલી તાજી જન્મેલી બાળકી સાથે બન્યું હતું. ધ્રાંગધ્રા તાલુકામાં મમતાને લજવતા કિસ્સાઓમાંથી ગત અઠવાડિયે બનેલ આ કિસ્સામાં ચારેકોરથી માતા ઉપર ફીટકાર વરસી હતી. ગામ લોકોએ બાળકીને જોતા એના જીવવાની કોઈ આશા દેખાતી નહોતી પણ ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ અને ત્યારબાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. મોત સામેનો જંગ જીતીને દીકરી સ્વસ્થ બનતા વહીવટીતંત્ર અને લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. તેનું નામ સુજલ રાખવામાં આવ્યું હતું. સુજલ ને હજારો માતાપિતા તરફથી પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યા છે.
બનાવાની વિગત અનુસાર ગત સપ્તાહમાં ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના ગટરના નાળામાંથી એક તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. તેના માતાપીતાની ખૂબ તપાસ કરવામાં આવી હતી પરંતુ બાળકીના માતા પિતાની કોઈ ભાડ ન મળતા આખરે હિન્દૂ રીત રિવાજ મુજબ છઠીની વિધિમાં બાળકીનું નામકરણ કરવામાં આવ્યું હતું. સાધુ સંતો, ધ્રાંગધ્રા હળવદનાં ધારાસભ્ય, જિલ્લા પોલીસ વડા,સામાજિક સંસ્થાનાં આગેવાનો, સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનો અને લોકોની બહોળી હાજરીમાં નામકરણ કરવામાં આવ્યું હતું. જેમાં જળ કોઈ પણ સ્વરૂપમાં પવિત્ર છે અને દીકરી જળમાંથી મળી હોવાથી એનું નામ સુજલ રાખવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પોલીસ વડા દુધાતે ભાવુક બનીને દીકરીને આશીર્વાદ આપ્યા સાથે નસીબવાન ગણાવી હતી. કારણકે દુનિયાભરમાં બાળકોના માત્ર એક માતા પિતા હોય છે જયારે અહીં અનેક માતા પિતા અને તેમની લાગણી, પ્રેમ આશીર્વાદ આ દીકરી સાથે છે એમ જણાવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ સુજલના કપડાં, શિક્ષણ અને કેળવણી માટે ખર્ચની તૈયારી બતાવી હતી પણ વહીવટી નિયમ મુજબ સુજલને હવે ચિલ્ડ્રન હોમ મોકલવામાં આવશે. આ સમગ્ર કિસ્સામાં તાલુકા પીએસઆઈ જે બી મીઠાપરા, તેમનો સ્ટાફ અને આરોગ્ય તંત્ર સાથે ખાનગી ડો.રમેશભાઈ બજાણીયાએ સુજલનાં નવજીવન માટે રીતસરની દોડધામ કરી હતી.
આ પણ વાંચો : દાઉદ ઈબ્રાહિમના ભત્રીજાને ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી