Ajab gajab News : દુનિયાભરમાં અવનવી રમતો અને અનોખી સ્પર્ધાઓ વિશે તમે સાંભળ્યું હશે. ક્યાંક દોડવાની સ્પર્ધા હોય છે, તો ક્યાંક ડાન્સ કે ગાયકીની.પરંતુ યુરોપના ફ્રાન્સ (France Festival)દેશના એક નાના ગામડામાં દર વર્ષે એવી અનોખી ચેમ્પિયનશિપ યોજાય છે જેને જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય. અહીં જીત મેળવવા માટે સ્પર્ધકોએ પોતાના ગળામાંથી ભૂંડ (Pig) જેવો આબેહૂબ અવાજ નીકાળવો પડે છે. જો સામે બેઠેલા જજને અવાજ અસલી લાગે તો જ સ્પર્ધકને વિજેતા જાહેર કરવામાં આવે છે. આ અનોખા અવાજનો જાદુ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો અહીં એકઠા થાય છે.
France Festival : 43 મા વાર્ષિક મહોત્સવમાં જામ્યો માહોલ
આ અનોખી સ્પર્ધા ફ્રાન્સના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલા ‘ટ્રિએ-સુર-બાઈસ’ (Trie-sur-Baïse) નામના નાનકડા ગામમાં યોજાય છે. અહીં દર વર્ષે ‘પિગ-સ્ક્વીલિંગ ચેમ્પિયનશિપ’ (Pig-Squealing Championship) નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ મહોત્સવની 43 મી આવૃત્તિ યોજાઈ હતી, જેમાં આશરે 4000 થી વધુ દર્શકો પહોંચ્યા હતા. આ સંખ્યા ગામની મૂળ વસતી કરતાં પણ ઘણી વધારે છે. સ્પર્ધકો માઈક હાથમાં લઈને ભૂંડના ઘુરકાટથી લઈને તેની તીવ્ર ચીસ સુધીના અલગ-અલગ સાઉન્ડ નીકાળીને જજને અચરજમાં મૂકી દે છે.
9 વાર ચેમ્પિયન બનેલા નોએલ જામેનો દબદબો
આ સ્પર્ધા માત્ર ફ્રાન્સ પૂરતી સીમિત નથી, પરંતુ અન્ય દેશોમાંથી આવતા સ્પર્ધકો પણ તેમાં પોતાનું નસીબ અજમાવે છે. આ વખતે મેક્સિકોના એક એન્જિનિયરિંગ વિદ્યાર્થીએ પણ આ અનોખી ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાના ઈતિહાસમાં નોએલ જામે (Noël Jamet) નામના વ્યક્તિનો ભારે દબદબો રહ્યો છે. નોએલ અત્યાર સુધીમાં 9 વખત આ અનોખી ચેમ્પિયનશિપ જીતીને ઓલ ટાઈમ રેકોર્ડ હોલ્ડર બની ચૂક્યા છે. તેમના સાઉન્ડ ટાઈમિંગ અને પિચ એટલા પરફેક્ટ હોય છે કે તેમને હરાવવા નવોદિતો માટે ખૂબ મુશ્કેલ બની જાય છે.
ગ્રામીણ સંસ્કૃતિની ઓળખ બની આ સ્પર્ધા
શરૂઆતમાં આ વિસ્તારના ખેતીવાડી અને પશુપાલનના માહોલને મનોરંજક આકાર આપવા માટે આ ઈવેન્ટ શરૂ કરવામાં આવી હતી, જે સમય જતાં વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થઈ ગઈ. હાલમાં સોશિયલ મીડિયા પર માઈક પકડીને અલગ-અલગ અવાજો નીકાળતા લોકોના વિડિયો ભારે વાયરલ થઈ રહ્યા છે. નેટીઝન્સ આ વિડિયો જોઈને હસી રહ્યા છે અને અલગ-અલગ રમુજી કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક નાનકડા ગામ માટે આ ઈવેન્ટ હવે તેની વૈશ્વિક ઓળખ અને પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બની ચૂકી છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
