Gandhinagar Fake Journalist Arrest: ગાંધીનગર જિલ્લામાં પત્રકારત્વના ઓઠા હેઠળ ખંડણી માંગતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સાંતેજ પોલીસે એક મહિલા બુટલેગર પાસેથી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવનાર ત્રણ કથિત પત્રકારો સામે ગુનો નોંધી એક શખ્સની ધરપકડ કરી છે. આ બોગસ પત્રકારોએ “તમે દેશી દારૂનો ધંધો કરો છો” તેમ કહી વીડિયો બનાવી બ્લેકમેલિંગનો ખેલ શરૂ કર્યો હતો.
વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પડાવ્યા ₹1.05 લાખ
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં એક મહિલા બુટલેગરનો વીડિયો બનાવીને ત્રણ કથિત પત્રકારોએ તેને ધમકાવવાનું શરૂ કર્યું હતું. આ શખ્સોએ મહિલાને ધમકી આપી હતી કે જો તે પૈસા નહીં આપે તો તેનો દારૂ વેચવાનો વીડિયો સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં વાયરલ કરી દેશે. આ ધમકીથી ડરી ગયેલી મહિલા પાસેથી આ ટોળકીએ કુલ 1 લાખ 5 હજાર રૂપિયા પડાવી લીધા હતા.

અંકિત વ્યાસ નામનો Fake Journalist જેલભેગો
આ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા સાંતેજ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આ ખંડણીખોર ટોળકીના એક સાગરીત અંકિત વ્યાસ નામના બોગસ પત્રકારને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ શખ્સો પત્રકારના નામે રોફ જમાવીને લોકોને બ્લેકમેલ કરવાનું નેટવર્ક ચલાવતા હતા.
બે ફરાર આરોપીઓની શોધખોળ તેજ
આ મામલે પોલીસે કુલ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી છે. પકડાયેલા અંકિત વ્યાસ સિવાય અન્ય બે કથિત પત્રકારો મીતાંશુ દરજી અને સંજય પાંડે હાલ ફરાર છે. સાંતેજ પોલીસે આ બંને આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.
