Gandhinagar GMC Update: રાજધાનીમાં હાલ સ્થિતિ નાજુક છે. ટાઈફોઈડના વધતા કેસો અને પાણીના લીકેજની સમસ્યાએ તંત્રની ઊંઘ હરામ કરી છે. તેની સાથે જ આગામી 11-12જાન્યુઆરીએ PM મોદીના પ્રવાસની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આરોગ્ય અને પ્રોટોકોલ એમ બંને મોરચે કામગીરી સંભાળવા માટે GMC દ્વારા તમામ કચેરીઓ શનિ-રવિ ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
GMCના કર્મચારીઓની રજા રદ
મનપા દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ, આજે 10 જાન્યુઆરી (શનિવાર) અને આવતીકાલે 11 જાન્યુઆરી (રવિવાર) ના જાહેર રજાના દિવસો હોવા છતાં મનપાની તમામ કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. વડાપ્રધાનના પ્રવાસની આનુષંગિક કામગીરીમાં કોઈ કચાસ ન રહી જાય અને શહેરની કથળતી આરોગ્ય સ્થિતિને તાકીદે નિયંત્રણમાં લાવી શકાય તે માટે GMC દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હાજર રહેવા કડક સૂચના અપાઈ છે.

રોગચાળો અને પાણીની સમસ્યા મુખ્ય પડકાર
ગાંધીનગરના અનેક વિસ્તારોમાં દૂષિત પાણી અને પાઈપલાઈન લીકેજના કારણે ટાઈફોઈડના કેસો વકર્યા છે. નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને મનપાનું આરોગ્ય તંત્ર અને એન્જિનિયરિંગ વિભાગ રજાના દિવસે પણ ફિલ્ડમાં રહીને કામગીરી કરશે. પાઈપલાઈન રિપેરિંગ અને ક્લોરિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
PM મોદીના પ્રવાસની તડામાર તૈયારીઓ
11 અને 12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદી ગાંધીનગરની મુલાકાતે આવવાના છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસ દરમિયાન શહેરની વ્યવસ્થા, સફાઈ અને સુરક્ષા સુચારૂ જળવાઈ રહે તે માટે મનપા પ્રશાસન કોઈ જોખમ લેવા માંગતું નથી. મનપાની વિવિધ શાખાઓ વચ્ચે સંકલન સાધવા માટે રજાના દિવસોમાં પણ કચેરીઓ ધમધમતી રહેશે.
