દુનિયામાં એવી ઘણી અજીબોગરીબ ઘટનાઓ બનતી રહે છે, જેનાથી તમે સાવ અજાણ હોવ છો. કેટલીક વસ્તુ જાણ્યા બાદ તમે વિશ્વાસ કરી શકતા નથી કે આખરે આ કેમ સંભવ થઈ શકે છે. આજે આવી એક ઘટના વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ. દુનિયામાં એક એવુ ગામ છે, જ્યાં છેલ્લા 10 વર્ષમાં કોઈ છોકરાનો જન્મ થયો નથી. ચોંકી ગયાને તમે…
ધ ન્યૂયોર્ક ટાઇમ્સ પ્રમાણે પોલેન્ડના મિજેસ્કે ઓદ્રજેનસ્કી ગામમાં છેલ્લા એક દાયકાથી કોઈ છોકરાનો જન્મ થયો નથી. જેથી અહીંના મેયરે જાહેરાત કરી છે કે જો કોઈ ઘરમાં પુત્ર જન્મ થશે તો તેને ઈનામ આપવામાં આવશે. આ ગામ વિશે જાણવા માટે વૈજ્ઞાનિકો પણ તપાસ કરવા ઈચ્છે છે. એટલું જ નહીં જર્નાલિસ્ટ અને ટેલિવિઝનના લોકો આ પોલિશ ગામની અજીબોગરીબ વસ્તી વિશે જવાબ શોધી રહ્યાં છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ગામમાં આશરે 300 લોકોની વસ્તી છે. પોલિસ મીડિયામાં આ ગામનો મામલો ત્યારે ચર્ચામાં આવ્યો, જ્યારે અગ્નિશામકોના યૂથ વોલેન્ટિયરો માટે એક પ્રાદેશિક સ્પર્ધા દરમિયાન આખી ટીમ યુવતીઓની પહોંચી ગઈ.
ત્યારબાદ મેયર ક્રિસ્ટીના જિડજિયાકે કહ્યુ, મિજેસ્કે ઓદ્રેજેનસ્કી) ગામની સ્થિતિ થોડી અજીબ છે અને હાથમાંથી નિકળી ગઈ છે. સીસેક કમ્યુનિટીના મેયર રાજમુંદ ફ્રિસ્કો એ જણાવ્યું કે, કેટલાક વૈજ્ઞાનિકોએ તપાસ કરવામાં રસ દાખવ્યો છે કે અહીં માત્ર છોકરીઓનો જન્મ કેમ થઈ રહ્યો છે? વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. વિશ્વના નિષ્ણાંત ડોક્ટરોને બોલાવવામાં આવી રહ્યાં છે કે આ ગામમાં છોકરાના જન્મ માટે શું કરવું જોઈએ. આ મામલામાં સંશોધન ચાલી રહ્યું છે.