Gold And Silver: દેશવાસીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ની અપીલ કરી હતી કે, એક વર્ષ સુધી સોના (Gold) ની ખરીદી ટાળો. તેમજ હવે સરકારનો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, સોનું-ચાંદી સહિત કિંમતી ધાતુઓ પર આયાતમાં વધારો કરવામાં આવ્યો છે. જે આજ રાતથી વધેલા દર અમલમાં આવશે. સરકારના આ નિર્ણય બાદ દેશમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થવાની શક્યતા છે. જેની સીધી અસર બજાર અને ગ્રાહકો બંને પર પડશે.
સોના (Gold) પર કુલ ડ્યુટી હવે 15%
કેન્દ્ર સરકારે બુધવારે (13 મે, 2026) સોનું અને ચાંદી પરની આયાત જકાતમાં મોટો વધારો કરતા તેને 6 ટકાથી વધારીને 15 ટકા કરી છે. બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (BCD) 5% થી વધારીને 10% કરવામાં આવી છે, જ્યારે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) 1% થી વધારીને 5% કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય પાછળ કિંમતી ધાતુઓની વિદેશી ખરીદી ઘટાડવાનો અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર વધતા દબાણને ઓછું કરવાનો હેતુ દર્શાવવામાં આવ્યો છે.
વધુમાં, હવે UAE થી નિશ્ચિત ક્વોટા હેઠળ આયાત કરાયેલા સોના પર વધુ ડ્યુટી ચૂકવવાપાત્ર રહેશે, જે અગાઉ રાહત દરે મળતો હતો.
સોનું-ચાંદી મોંઘું થતા મધ્યમવર્ગ પર શું અસર થશે?
આ નિર્ણયનો સૌથી વધુ અસર જ્વેલરી ખરીદનારા લોકો પર પડી શકે છે. આયાત વધવાથી સોનાના વેપારીઓનો ખર્ચમાં વધારો થશે, જેના કારણે તેનો સીધો બોજ ગ્રાહકો પર આવશે. પરિણામે લગ્ન, પ્રસંગો અથવા રોકાણ માટે સોનું ખરીદવું હવે પહેલા કરતાં વધુ મોંઘું થઈ શકે છે.

આ ઉપરાંત માત્ર જ્વેલરી ક્ષેત્ર જ નહીં, પરંતુ અન્ય ઉદ્યોગો પણ અસરગ્રસ્ત થશે જ્યાં કિંમતી ધાતુઓનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને રિસાયક્લિંગમાં થાય છે. ઉત્પાદન ખર્ચ વધવાથી ઘણા ઉત્પાદનોના ભાવ પણ વધી શકે છે.
ભારત સોનાની આયાત પર ભારે નિર્ભર: 90% જરૂરિયાત વિદેશથી પૂરી
ભારત દુનિયાના બીજા ક્રમના સૌથી મોટા સોનાં ખરીદનાર દેશોમાનો એક છે. ભારત દેશમાં દર વર્ષે અંદાજે 700 થી 800 ટન સોનાનો વપરાશ થાય છે, જ્યારે સ્થાનિક ઉત્પાદન માત્ર 1 થી 2 ટન જેટલું જ હોય છે. આ કારણે દેશ પોતાની સોનાની જરૂરિયાતનો લગભગ 90 ટકા ભાગ આયાત દ્વારા પૂર્ણ કરે છે.
સોનાની ખરીદી અને ચુકવણી મુખ્યત્વે અમેરિકન ડોલરમાં કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારતની સોનાની આયાત અંદાજે 72 અબજ ડોલર સુધી પહોંચી છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2025ના 58 અબજ ડોલરની તુલનામાં લગભગ 24 ટકા વધુ છે.
એક વર્ષ સોનાની ખરીદી રોકાય તો આયાત બિલમાં મોટો ઘટાડો શક્ય
જો ભારતીય લોકો એક વર્ષ માટે સોનાની ખરીદીમાં ઘટાડો કરે, તો સોનાની આયાત 30થી 40 ટકા સુધી ઘટી શકે છે. આ સ્થિતિમાં પીએમ મોદીની અપીલને અનુસરવાથી દેશને અંદાજે 20થી 25 અબજ ડોલરની બચત થઈ શકે છે.
જો સોનાની આયાતમાં 50 ટકાનો ઘટાડો થાય, તો બચતનો આંકડો લગભગ 36 અબજ ડોલર સુધી પહોંચી શકે છે, જે ભારતની ચાલુ ખાતાની ખાધનો લગભગ અડધો ભાગ બને છે.
સરળ ભાષામાં કહીએ તો, એક વર્ષ માટે સોનાની ખરીદીમાં ઘટાડો કરવાથી દેશમાંથી બહાર જતા ડોલરના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને અર્થતંત્રને મોટો ફાયદો મળી શકે છે.
