જૂનાગઢ/ કેશોદમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની કરાઈ શાનદાર ઉજવણી, રાજ્ય સરકારની 25 લાખની ભેટ

પરિવહન અને પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આન,બાન અને શાન સાથે તિરંગાને સલામી અપાઈ

Gujarat Others
કેશોદમાં

કેશોદમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની પરિવહન અને પ્રવાસન રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. મંત્રીએ રાષ્ટ્રધ્વજને આન, બાન અને શાન સાથે  સલામી આપી, નાગરિકોને 76માં રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવી હતી. તેમજ મંત્રીએ ખુલ્લી જીપમાં સુરક્ષા દળોની સલામી ઝીલી પરેડ નિરીક્ષણ કરવાની સાથે લોકોનું અભિવાદન કર્યું હતું.આ પ્રસંગે મંત્રી કેશોદ તાલુકાના વિકાસ કાર્યો માટે કલેકટર રચિત રાજને રૂ.25 લાખનો ચેક અર્પણ કર્યો હતો.

કેશોદ ખાતેની આદર્શ નિવાસી શાળાના પરિસરમાં જિલ્લા કક્ષાની આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થતા મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું કે, દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આપણે આઝાદીના અમૃત મહોત્સવની ગૌરવ સાથે ઉજવણી કરી રહ્યા છીએ. હર ઘર તિરંગાના રાષ્ટ્રમંત્ર સાથે દેશભક્તિના રંગે રંગાયો છે. તેમ જણાવતા મંત્રીએ કહ્યું કે, અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરવા દાયકાઓ સુધી આપણા સ્વાતંત્ર્ય વીરોએ લડત ચલાવી હતી. મંગલ પાંડેથી માંડીને શહીદ ભગતસિંહ, વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અનેક નામી અનામી એવા રાષ્ટ્રના સપૂતોએ દેશને આઝાદી અપાવી હતી. આ સપુતોને શ્રદ્ધાસુમન અર્પણ કરતા મંત્રીએ જણાવ્યું કે, દેશની આઝાદી માટે શહીદી વહોરનાર સપૂતોએ ભાવિ પેઢી સ્વતંત્ર રહી તેમના જીવનનો અને સમાજનો વિકાસ કરે તેવા ઉન્નત ભારતનું સ્વપ્ન જોયું હતું. આ સપનાને સાકાર કરવા આજે ગુજરાતના સપૂત અને વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીએ દેશની જનતાને ભારતના નવનિર્માણમાં સાથે રાખીને અભિયાન આદર્યું છે. આજે દેશનું નામ દુનિયામાં ગૌરવંતું થયું છે. ભારત વિશ્વ ગુરુ તરીકે પ્રસ્થાપિત થાય તે દિશામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશ આગળ વધી રહ્યો છે. સવાસો કરોડ ભારતીયો ઉચ્ચું માથું રાખીને દેશ માટે પોતાનું મહત્તમ યોગદાન આપવા કટિબદ્ધ થયા છે. સાથે જ રાજ્ય અને દેશના યુવાનો આ વિકાસ યાત્રામાં સહભાગી થયા છે.

A 21 1 કેશોદમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની કરાઈ શાનદાર ઉજવણી, રાજ્ય સરકારની 25 લાખની ભેટ

સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સૂત્રને સાર્થક કરવા ગુજરાતે ઈ-ગવર્નન્સ દ્વારા પારદર્શક વહીવટ, સ્વચ્છતા અભિયાનમાં જનભાગીદારી, તંદુરસ્ત ગુજરાતના નિર્માણ માટે કુપોષણ સામે જંગ, મહિલાઓનું સશક્તિકરણ, સેવાસેતુ થકી વંચિતોનો વિકાસ સહિત સર્વગ્રાહી પગલા ભરી સુશાસન એટલે સર્વાંગી વિકાસની પરિકલ્પના ચરિતાર્થ કરી છે.

જૂનાગઢ જિલ્લો ભારતીય સંસ્કૃતિનું આધ્યાત્મિક અને ઐતિહાસિક વિરાસતનું કેન્દ્ર છે. સોરઠને આધ્યાત્મિક અને શિક્ષણને ઉંચાઈ પર લઈ જવામાં અનેક વિભૂતિઓનો મહામૂલો ફાળો છે, આઝાદીની ચળવળ વખતે જૂનાગઢના નવાબે આ પ્રદેશને પાકિસ્તાનમાં જોડવાની જાહેરાત કરી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીએ ગુજરાતની ચિંતા કરી શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણી અને પુષ્પાબેન મહેતા જેવા આ ભૂમિના કર્મવીરોને જવાબદારી સોંપી અને તેઓએ પણ પ્રજાને જાગૃત કરવાનું એક અભિયાન ઉપાડ્યું અને ત્રણ મહિનાની આરઝી હકૂમતની લડાઈ બાદ આપણું આ જુનાગઢ ભારત સંઘમાં જોડાયું હતું. ઈતિહાસની એરણ ઉપર ચળકતા તારલા જેવા જૂનાગઢ જિલ્લાને પ્રગતિની વિકાસની નવીનતમ ઊંચાઈ પર લઈ જવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમ અંતે મંત્રીએ રાષ્ટ્ર માટે ફના થનાર શહીદોને વંદન કરતા ઉમેર્યું હતું.આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સમારોહના અંતે શાળા પરિસરમાં મંત્રી અરવિંદભાઈ રૈયાણી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

A 21 કેશોદમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની કરાઈ શાનદાર ઉજવણી, રાજ્ય સરકારની 25 લાખની ભેટ

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારિયા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ લાભુબેન પીપળીયા, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ વ્યાસ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, માધાભાઈ બોરીચા, હમીરભાઈ ધુડા, વંદનાબેન મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ  કિરીટભાઈ પટેલ, કલેકટર રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી, નાયબ વન સંરક્ષક  સુનિલ બેરવાલ, નિવાસી અધિક કલેકટર શ્રી એલ.પી. બાંભણિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  આર.જે. જાડેજા, પ્રાંત અધિકારી ગલચર, નગરસેવકઓ, અગ્રણી પ્રવીણભાઈ ભાલારા સહિત પદાધિકારીઓ-અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ફરી મળી ધમકી, 3 કલાકમાં મોટી ઘટના ઘટવાનો દાવો

આ પણ વાંચો :ઈન્દોરમાં બોમ્બ બ્લાસ્ટ, 2 લોકોના મોત અને 14 ઘાયલ, વિસ્તારમાં ફેલાયો ભયનો માહોલ

આ પણ વાંચો :કિસાન મહાપંચાયતમાં રાકેશ ટિકૈતે ગર્જ્યા – મોદી સરકાર કરી રહી છે મનમાની, ખેડૂતો આંદોલન માટે ટ્રેક્ટર તૈયાર કરો