ઠાકોર સેનાના નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગુરુવારે એક દિવસના સદભાવના ઉપવાસ કરવાના છે. પરપ્રાંતીયો દ્વારા 14 માસની બાળકી પર કરવામાં આવેલા દુષ્કર્મ બાદ, રાજ્યમાં પરપ્રાંતીયો પર હુમલાઓ થયા હતા. જેનો આરોપ ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોર પર લાગ્યો હતો.
જણાવી દઈએ કે, આ ઉપવાસ ગુજરાતીઓ અને પરપ્રાંતીયો વચ્ચે ભાઈચારો વધે એ માટે અલ્પેશ ઠાકોરનો એક પ્રયાસ છે. આ પહેલા અલ્પેશ ગાંધી આશ્રમ પરથી 8 ઓક્ટોબરે સદભાવના ઉપવાસ કરવાના હતા. પરંતુ રાજ્યમાં સ્થિતિ બેકાબુ બનતા કોઈને જાણ કર્યા વગર આ ઉપવાસ કેન્સલ કર્યા હતા.
અલ્પેશ ઠાકોરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને એક પત્ર પણ લખ્યો છે. રાધનપુરના ધારાસભ્યે લખ્યું છે કે, તેઓ ફક્ત પીડિત બાળકી માટે ન્યાય માંગી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો એને રાજકીય રંગ આપી રહ્યા છે. ઉપરાંત બંને રાજ્યના મુખ્યમંત્રીઓને ઉપવાસમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પણ આપ્યું છે.