BJP Local Body Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકોટ, વડોદરા અને સુરત જેવા મહાનગરોમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જોકે, આ વખતની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારીના નિયમોમાં ધરખમ ફેરફારો કર્યા છે. હવે માત્ર નેતાગીરી નહીં, પરંતુ ઉમેદવારનું સોશિયલ મીડિયા પર વર્ચસ્વ કેટલું છે, તે જોઈને ટિકિટ નક્કી કરવામાં આવશે.
યુવા મતદારો (Gen Z) ને આકર્ષવા નવો માસ્ટરસ્ટ્રોક
ભાજપે આ વખતે ‘Gen Z’ એટલે કે આજના યુવા મતદારો સુધી પહોંચવા માટે ડિજિટલ રસ્તો અપનાવ્યો છે. ચૂંટણી લડવા ઇચ્છતા દાવેદારોએ ફોર્મમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને તેના ‘ફોલોઅર્સની સંખ્યા’ ફરજિયાત દર્શાવવી પડશે. ઉમેદવાર સોશિયલ મીડિયા પર કેટલો એક્ટિવ છે, તેના આધારે જ ટિકિટનો નિર્ણય લેવાશે.
આ સાથે જ, સામાજિક શિસ્તના ભાગરૂપે ઉમેદવારના ઘરે શૌચાલય હોવું પણ અનિવાર્ય શરત રાખવામાં આવી છે.
હવે ડિજિટલ તાકાત જ ખરી તાકાત
અગાઉ સેન્સ પ્રક્રિયામાં નેતાઓ પોતાના સમર્થકોના ટોળા લઈને શક્તિ પ્રદર્શન કરવા પહોંચી જતા હતા. પરંતુ, આ વખતે ભાજપે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ‘ટોળાશાહી’ ચલાવી લેવામાં નહીં આવે. સમર્થકોની ભીડના બદલે હવે ઉમેદવારની ડિજિટલ પહોંચ અને ફોલોઅર્સને જ તેનું સાચું સમર્થન માનવામાં આવશે.
BJP : જૂની પેઢીના નેતાઓના કપાશે પત્તા?
નવા ડિજિટલ નિયમોના કારણે પૂર્વ કોર્પોરેટરો અને જૂની પેઢીના નેતાઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે, કારણ કે આ નેતાઓ સોશિયલ મીડિયા પર એટલા સક્રિય નથી. તાજેતરમાં રાજકોટ શહેર ભાજપના પ્રભારી અનિરુદ્ધ દવેએ 68 કોર્પોરેટરોને છેલ્લા 5 વર્ષમાં કરેલા વિકાસના કાર્યોની ‘રીલ્સ’ (Reels) બનાવીને અપલોડ કરવાની સૂચના આપી હતી. જોકે, મોટાભાગના પૂર્વ કોર્પોરેટરો આ ડિજિટલ ટાસ્કમાં ફેલ રહ્યા છે. આ સ્થિતિમાં, જે યુવા કાર્યકરો ડિજિટલ પ્લેટફોર્મ પર એક્ટિવ છે અને યુવા મતદારો સાથે જોડાયેલા છે, તેમને હવે ટિકિટ મળવાની શક્યતાઓ વધી ગઈ છે.
નમો અને સરલ એપ ફરજિયાત
ચૂંટણી લડવા ઇચ્છતા તમામ દાવેદારોના મોબાઈલમાં ‘સરલ એપ’ (Saral App) અને ‘નમો એપ’ (NaMo App) ડાઉનલોડ હોવી ફરજિયાત છે. પ્રદેશ ભાજપ આ એપ્સના ડેટાના આધારે ઉમેદવારોનું ડિજિટલ સ્ક્રિનિંગ કરશે. આ નવા પ્રયોગને કારણે આ વખતે યુવા દાવેદારોમાં ફોર્મ ભરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: રાજકોટમાં ભાજપની કચેરીએ ત્રણ તાલુકા માટે આજે સેન્સ લેવાની પ્રક્રિયા વેગવંતી બની
આ પણ વાંચો: સુરત મનપાની ચૂંટણીને લઈને ભાજપમાં જબરદસ્ત ધમધમાટ
આ પણ વાંચો: અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં શરૂ થઈ સેન્સ મેળવવાની પ્રક્રિયા
