Political/ ભાજપની સેન્સ પ્રક્રિયા બની મુરતિયા પસંદગી પ્રક્રિયા

ભાજપની સેન્સ પ્રક્રિયા બની મુરતિયા પસંદગી પ્રક્રિયા

Top Stories Gujarat
congress 6 ભાજપની સેન્સ પ્રક્રિયા બની મુરતિયા પસંદગી પ્રક્રિયા

– વોર્ડના મોટા ભાગના હોદ્દેદારોએ દાવેદારી કરતા સેન્સ કોની લેવી ?

– રામ મંદિર નિર્માણ નિધી ફંડ ભરવા દાવેદારો દોડ્યા

@સોનલ અનડકટ, અમદાવાદ

પ્રદેશ ભાજપના ઉપક્રમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. છ મહાનગરપાલિકા વિસ્તારમાં સેન્સ પ્રક્રિયા માટે 34 નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે જે રવિવાર તા. 24 જાન્યુઆરીથી મહાનગરપાલિકાઓના વિસ્તારમાં જઈ સેન્સ લઈ રહી છે. તમામ મહાનગરપાલિકાઓ માટે ત્રણ-ત્રણ નિરીક્ષકોની ટીમ તૈયાર કરાઈ છે. આવી 12 ટીમ અમાદવાદ મહાનગરપાલિકા માટે નિયુક્ત કરાઈ છે, જે અંતર્ગત રવિવારથી અમદાવાદમાં સેન્સ પ્રક્રિયા શરુ કરાઈ છે. અમદાદવામાં પ્રત્યેક વોર્ડમાંથી ઓછામાં ઓછા 40 જેટલા ઉમેદવારોએ દાવેદારી કરી છે. મંગળવારે સાંજ સુધીમાં તમામ છ મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર અને રાજકોટની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે. અમદાવાદ મહાનગરપાલિકામાં સોમવારે સાંજ સુધીમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે.

રામ નિર્માણ નિધી ફંડ ભરવા દાવેદારોની દોટ

અમદાવાદમાં પ્રત્યેક સેન્સ પ્રક્રિયા સ્થળ બહાર બાયોડેટા સાથે આવેલા દાવેદારોની ભીડ જાેવા મળી હતી. દાવેદારોની પસંદગી પ્રક્રિયામાં જે મુખ્ય મુદ્દા ધ્યાન પર લેવાઈ રહ્યા છે તેમાં દાવેદારે રામ મંદિર નિર્માણ નિધીમાં કેટલુ અનુદાન આપ્યુ તે પ્રશ્ન પર વધુ ભાર મુકાતો હતો તેવી ચર્ચા દાવેદારોમાં ચાલી હતી. રામ મંદિર નિર્માણ માટે સંઘ, વીએચપી અને ભાજપે વર્ષો સુધી મહેનત કરી અને તેના ફળસ્વરુપે હવે જ્યારે રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યુ છે તો તેમાં ભાજપના કાર્યકર્તાઓ અને  ખાસ કરીને ટિકીટ વાંછુકો પણ યોગદાન આપે તે હેતુસર આ મુદ્દાને પ્રાથમિકતા આપવામાં આવી હોવાની ચર્ચા દાવેદારોમા ચાલી છે.

જાેકે રામ નિર્માણ નિધી પર ભાર મુકાવાનો હોવાનું ધ્યાન પર આવતા જ ટિકીટ વાંછુક દાવેદારોએ સેન્સ પ્રક્રિયા પહેલા નિધીમાં પૈસા ભરવા અને પહોંચ મેળવવા દોટ મુકતા વોર્ડ દીઠ 15થી વધુ ચેક નિધીમાં અર્પણ કરાયા હોવાનું સામે આવ્યુ છે. નિધી ફંડ ઉપરાંત ભાજપના આજીવન સભ્ય બનાવવા માટે કાર્યકર્તાએ કરેલા પ્રયાસોને પણ ધ્યાને લેવાઈ રહ્યા છેે. કોરોના મહામારીમાં કરેલી કામગીરી અને પેજ સમિતિ વિશે પણ સવાલ કરાયા હતા. જે ચાલુ કોર્પોરેટર હોય અથવા અગાઉ ચૂંટાઈ આવેલા દાવેદારને તેમના સમયગાળા દરમિયાન કરાયેલી કામગીરી મુદ્દે પણ સવાલ કરાયા હતા.

વોર્ડના હોદ્દેદારો જ બન્યા દાવેદાર

સેન્સ પ્રક્રિયામાં દાવેદારોની પહેલા વોર્ડના હોદ્દેદારો, શહેર ભાજપના કારોબારી સભ્યો, ચાર વર્તમાન કોર્પોરેટરો, વોર્ડના મોરચા પ્રમુખો અને મહામંત્રી, પ્રદેશ સાથે કામ કરતા ધારાસભ્ય સહિત 40થી વધુ હોદ્દેદારો પાસેથી સેન્સ લેવાની હતી,પરંતુ મોટા ભાગના કિસ્સામાં સૌ હોદ્દેદારોએ પોતાના માટે જ ટિકીટ માગી લેતા તેમની ગણતરી સેન્સ આપનારના બદલે ટિકીટ વાંછુક તરીકે કરવાની ફરજ પડી હતી. અમદાવાદમાં મોટા ભાગના વોર્ડના પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રી સહિતના હોદ્દેદારોએ ટિકીટ માટે પોતાના નામની જ રજૂઆત કરી દીધી હતી. જેના પરિણામે સેન્સ પ્રક્રિયા મુરતિયા પસંદગી પ્રક્રિયા બનીને રહી ગઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…