Gujarat Board Exam Dates : ગુજરાતનો સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર એટલે નવરાત્રિ. જ્યારે આખું ગુજરાત ગરબે ઘૂમતું હોય, ત્યારે વિદ્યાર્થીઓ માટે પુસ્તકો પકડવા કેટલા અઘરા હોય છે તે વાલીઓ અને શિક્ષકો સારી રીતે સમજી શકે છે. પરંતુ આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા શૈક્ષણિક કેલેન્ડરે વિદ્યાર્થીઓની ઊંઘ હરામ કરી દીધી છે. નવરાત્રિ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં જ પરીક્ષા શરૂ થતી હોવાથી હવે “ગરબા રમવા કે વાંચવા બેસવું?” તેવી અસમંજસ ઊભી થઈ છે.
શું છે વિવાદનું મુખ્ય કારણ?
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નવા કેલેન્ડર મુજબ, આ વર્ષે ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા 22 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન યોજાનાર છે, પરંતુ જો નવરાત્રિના કેલેન્ડર પર નજર કરીએ તો 11 ઓક્ટોબરે નવરાત્રિનો પ્રારંભ થશે અને 19 ઓક્ટોબરે તેની પૂર્ણાહુતિ થશે. નવરાત્રિ પૂર્ણ થયાના માત્ર 2 દિવસ બાદ જ પરીક્ષા શરૂ થતી હોવાથી વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. વાલીઓનો આક્ષેપ છે કે નવરાત્રિ એ મોડી રાત સુધી ઉજવાતો તહેવાર છે અને આવા માહોલમાં વાંચનનું યોગ્ય વાતાવરણ જળવાતું નથી, તેથી નવરાત્રિના થાક અને ઉજાગરા વચ્ચે વિદ્યાર્થીઓ માત્ર બે દિવસમાં પરીક્ષાની પૂરતી તૈયારી કેવી રીતે કરી શકશે તે એક મોટો પ્રશ્ન છે.
Exam પાછળ ઠેલવાની માંગ
આ મામલે ગુરુવારે અનેક શિક્ષકો અને વાલીઓએ સ્વર્ણિમ સંકુલ ખાતે શિક્ષણ મંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી છે, જેમાં તેમની મુખ્ય માંગણી એ છે કે પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવે અને પરીક્ષા કાં તો નવરાત્રિના 10 દિવસ પહેલા લેવામાં આવે અથવા તો નવરાત્રિ પૂરી થયા પછી ઓછામાં ઓછો 10 દિવસનો વિરામ આપવામાં આવે. આ ઉપરાંત, વાર્ષિક પરીક્ષામાં પણ ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે, જેમાં ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓ એપ્રિલને બદલે માર્ચ મહિનામાં યોજવામાં આવે જેથી વિદ્યાર્થીઓ એપ્રિલથી જ ધોરણ 10 અને 12ના નવા સત્રની તૈયારીઓ સમયસર શરૂ કરી શકે.
ગયા વર્ષે અલગ સ્થિતિ હતી
વાલીઓએ યાદ અપાવ્યું હતું કે ગત શૈક્ષણિક વર્ષ (2025-26) માં પ્રથમ પરીક્ષા નવરાત્રિ પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ તહેવારનો આનંદ માણી શક્યા હતા. પરંતુ આ વર્ષે અચાનક થયેલા ફેરફારથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામ પર માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.
હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓના હિતમાં આ શૈક્ષણિક કેલેન્ડરમાં કોઈ ફેરફાર કરે છે કે કેમ?
આ પણ વાંચો: અમદાવાદમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે નવું શૈક્ષણિક વર્ષ 26 જુનથી શરૂ થશે
આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ બોર્ડનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, વર્ષમાં કુલ 80 દિવસની મળશે રજાઓ
આ પણ વાંચો: ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘના પ્રમુખ ભીખા પટેલ 19 વર્ષથી મફતનો પગાર લેતા હોવાનો આરોપ
