સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીનો આરોપીને માર મારવાના મામલે પીઆઇ, પીએસઆઇ સહિત સાત પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો છે.ખટોદરા પોલીસ સ્ટેશનમાં ત્રણ દિવસ પહેલા ચોરીના આરોપસર આ આરોપીને પૂછપરછ માટે લવાયા બાદ બેભાન થઇ જતાં તેને હોસ્પિટલ લઇ જવાયો હતો.હાલ આ આરોપીની હાલત ગંભીર છે.
મળતી વિગતો પ્રમાણે સુરતના ખટોદરા પોલીસ મથકે ઓમ પ્રકાશ પાંડે નામના શખ્સને ચોરીના કેસમાં પકડીને લાવવામાં આવ્યો હતો.પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી હતી. જે દરમિયાન ઓમપ્રકાશ અચાનક બેભાન થઇ ગયો હતો. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.
ઓમપ્રકાશની હાલત ગંભીર થઈ ગઈ હતી અને સિવિલમાં વેન્ટિલેટરની સુવિધા ન હોવાના કારણે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હવે આ મામલે પીઆઇ સહિત સાત પોલિસ કર્મીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ પીઆરઓ ચૌધરી એ જણાવ્યું હતું કે, કસ્ટડીમાં આરોપી સાથે મારઝૂડ કરવાના કેસમાં પીઆઇ પીએસઆઇ અને ડી- સ્ટાફના 5 પોલીસ કર્મી સામે ગુનો નોંધાયો છે.જો કે આ લખાય છે ત્યાં સુધી પોલીસ કર્મીઓને કસ્ટડીમાં લેવામાં નથી આવી.