અમદાવાદ: Gujarat માં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા તળાવમાં બે બાળકોના તેમજ પાવાગઢ નજીકના એક તળાવમાં એક વૃદ્ધ સહીત ત્રણ વ્યક્તિ નાહવા પડ્યા હતા ત્યારે તેમના ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાની વિગતો સાંપડી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં બે બાળકો તળાવમાં નાહવા પડ્યા હતા અને તે બાદ તેઓ લાંબા સમય સુધી ન દેખાતા તેમની શોધખોળ હાથ ધરાઇ હતી જે બાદ બંને બાળકોનાં મૃતદેહ મળી આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ આ બાળકોની ઉંમર સાત અને પાંચ વર્ષની છે. જેમાં એક બાળકનું નામ ફિલદા અને બીજાનું શિવ છે. હાલમાં ઓઢવ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. હાલમાં બંને બાળકોનાં મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
હાલમાં બંને બાળકોની મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પણ મૃતદેહ મેળવનારા ફાયર બ્રિગેડની ટીમનું કહેવું છે કે બાળકોનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ અમદાવાદ શહેરમાં લાંભા વિસ્તાર નજીક તળાવમાં ડુબી જવાથી ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યા હોવાની ઘટના બની હતી. જેમાં એક બાળક એક મહિલા અને પુરૂષના મોત નીપજ્યા હતા. જ્યારે વર્ષ 2018માં અત્યાર સુધીમાં આખા રાજ્યમાં અત્યાર સુધીમાં 13 બાળકો ડૂબી જવાની ઘટના બની છે.
જયારે બીજી તરફ પંચમહાલ જિલ્લાના પાવાગઢ નજીક આવેલા વડા તળાવમાં નાહવા પડેલા ત્રણ વ્યક્તિના ડૂબી જવાના કારણે મોત નીપજ્યા હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડના સ્ટાફે ત્રણ વ્યક્તિના મૃતદેહને બહાર કાઢ્યા હતા.
આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ નજીકના વડા તળાવ ખાતે એક વૃદ્ધ અને બે યુવક મળીને ત્રણ લોકો વડોદરાથી ફરવા આવ્યા હતા. આ ત્રણેય જણા આ તળાવમાં નાહવા માટે પડ્યા હતા. આ દરમિયાનમાં આ ત્રણેય તળાવમાં ડૂબી ગયા હતા.
આ ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ ત્રણેય વ્યક્તિના મૃતદેહને શોધીને તળાવની બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ આ ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.