અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલનાં ઉપવાસનો આજે નવમો દિવસ છે અને આજે તેને બિહારનાં પૂર્વ CM જિતનરામ માંઝી અમદાવાદ મળવા આવી ચૂક્યા છે. બંનેએ સાથે બેસીને વાતચીત પણ કરી છે. જયારે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ આજે હાર્દિકને મળવા પહોંચશે.
રાજ્યમાં પાટીદાર સમાજને અનામત આપવા અંગે તેમજ ખેડૂતોને દેવાં માફી આપવાના મુદ્દા સાથે પાસ કન્વીનર હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ ઉપર છે. આજે તેના ઉપવાસનો નવમો દિવસ છે. આજે તેને મળવા માટે બિહારના પૂર્વ મુખ્યમંત્રી (CM) જિતનરામ માંઝી અમદાવાદ આવ્યા હતા. તેઓ સીધા હાર્દિક પટેલના નિવાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે હાર્દિક પટેલ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
સરકાર સામે યુવાને ઉપવાસ કરવા પડે તે શરમજનક: જિતનરામ માંઝી
હાર્દિક સાથેની મુલાકાત બાદ બિહારના પૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઈ પણ સરકાર હોય પણ સરકારની સામે યુવાને ઉપવાસ કરવા પડે તે ખૂબ જ શરમજનક બાબત કહેવાય. આ સમાજ મૂળ નિવાસી લોકોનો છે. આ લોકો સમાજના વિકાસ માટે કામ કરી રહ્યા છે. જન સંખ્યાના આધારે આરક્ષણ છે શેક્ષણિક રીતે પછાત લોકો માટે છે તો 49 ટકા મુજબ આપી શકાય તે લિમીટ યોગ્ય નથી. અન્ય રાજ્યોમાં 70 ટકા આરક્ષણ આપવામાં આવે છે.
સરકાર પાપ કરી રહી છે: માંઝી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં 55 લાખ ખેડૂતો આત્મહત્યા કરે છે. સરકાર ખેડૂતોના દેવાં માફ નહિ કરીને પાપ કરી રહી છે તેનું ફળ તેણે ભોગવવું પડશે.
હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરાયું
હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ આજે કરવામાં આવ્યું છે. ડોક્ટર સોલંકીનાં જણાવ્યાં મુજબ હાર્દિક પટેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે તેને આખો દિવસ ચક્કર અને ઉબકાં આવે છે. આ બાદ ડોક્ટરે તેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે, પરંતુ હાર્દિક પટેલ હોસ્પિટલમાં દાખલ થવા માટેની ના પાડે છે.
ડોક્ટરનું કહેવું છે કે, અમે તેને બ્લડ અને યુરિન ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપી છે, પરંતુ તે ના પાડે છે આજે તેમનું વજન 600 ગ્રામ વજન ઘટ્યુ છે. હાલમાં તેમનું વજન 71.4 કીલો છે. તેમનો યુરિન ટેસ્ટનો ગઇકાલનો રિપોર્ટ નોર્મલ છે.