Gujarat/ CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર લમ્પીનો વિનાશ કરવા ખડેપગે: રાઘવજી પટેલ

રાઘવજી પટેલે જણાવ્યું કે CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે આ રોગચાળાને દૂર કરવા માટે ત્વરિત કામગીરી શરૂ કરીને તેના ફેલાવાને રોકવા માટે જરૂરી પગલાં લીધા…

Top Stories Gujarat
Lampi Virus Fight

Lampi Virus Fight: ઓમિક્રોન વેવ શરૂ થયાના અમુક મહિનાઓમાં જ ગુજરાતમાં વધુ એક મહામારી ફાટી નિકળી છે. હાલમાં રાજ્ય પશુધન લમ્પી સ્કિન ડિસીઝ (LSD) વાયરસથી પ્રભાવિત થયું છે. પશુ ચિકિત્સા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વાયરસ આફ્રિકામાં ઉદભવ્યો હતો અને પાકિસ્તાન થઈને ભારતમાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ દરમિયાન અહીં તે ફેલાયો છે. આવા હવામાન દરમિયાન, પ્રાણીઓ વાયરલ રોગો માટે સંવેદનશીલ રહે છે.

​જો કે, LSD રોગ સાધ્ય છે અને જો ચેપના પ્રારંભિક તબક્કામાં સારવાર આપવામાં આવે તો પશુ ઝડપથી સાજા થાય છે. LSD થયા પછી બીજા કે ત્રીજા દિવસે પશુઓમાં લક્ષણો દેખાવા લાગે છે અને જો તાત્કાલિક સારવાર આપવામાં આવે તો પશુ એક અઠવાડિયામાં સ્વસ્થ થઈ શકે છે.

2 5 CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર લમ્પીનો વિનાશ કરવા ખડેપગે: રાઘવજી પટેલ

​કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે આ રોગચાળાને દૂર કરવા માટે ત્વરિત કામગીરી શરૂ કરીને તેના ફેલાવાને રોકવા માટે જરૂરી પગલાં લીધા છે. અસરગ્રસ્ત ગામોની 5 કિમીના વિસ્તારમાં પ્રભાવિત થયેલાં પશુઓનું વિનામૂલ્યે વ્યાપક રસીકરણ કરવા CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સઘન સર્વેક્ષણ, સારવાર અને રસીકરણ માટે 222 વેટરનરી ઓફિસર અને 713 પશુધન નિરીક્ષકોની નિમણૂક કરી છે. રાજ્યની વેટરનરી કોલેજના સ્નાતકો, અનુસ્નાતકો અને શિક્ષકો સહિત કુલ 107 સભ્યો જામનગર, દેવભૂમિ-દ્વારકા અને બનાસકાંઠામાં અત્યારે કામગીરી માટે ઉપસ્થિત છે. કચ્છમાં રસીકરણમાં મદદ માટે કામધેનુ યુનિવર્સિટીના 175 લોકોને પણ મોકલવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે પશુપાલકોને વ્યાપક પ્રમાણમાં અસર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે હેલ્થ વિભાગ અત્યારે ખડેપગે કામગીરી કરી રહ્યો છે. મુખ્યમંત્રીની દેખરેખ હેઠળ વિભાગે યુદ્ધના ધોરણે પ્રાણીઓનું સમયસર રસીકરણ સુનિશ્ચિત કર્યું છે. અત્યાર સુધીમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં 10 લાખ 6 હજારથી વધુ પશુઓને રસી આપવામાં આવી છે. રસીકરણ માટે 6 લાખથી વધુ રસીના ડોઝ પણ ઉપલબ્ધ છે. આ વાયરસ અત્યારે 20 જિલ્લામાં ફેલાયો છે અને કચ્છ તેનું કેન્દ્ર છે.

રાજ્ય સરકાર 1746 ગામોમાં 50,000 થી વધુ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં સફળ રહી છે. વાયરસના ફેલાવાને અંકુશમાં લેવાના પ્રયાસમાં પશુઓની અવરજવરને રોકવા માટે રાજ્યવ્યાપી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તાજેતરમાં જ CM ભૂપેન્દ્ર પટેલે કચ્છના આઇસોલેશન કેન્દ્રોની મુલાકાત લઇને જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

કચ્છમાં જ 37,840 પશુઓને વાયરસની અસર થઈ છે. અહીં અસરગ્રસ્ત પશુઓને અલગ કરવા માટે જિલ્લાના 10 તાલુકાઓમાં 26 આઇસોલેશન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. જિલ્લામાં 58 વેટરનરી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 269 વધારાના મોબાઈલ વેટરનરી ક્લિનિક અને કરુણા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાકીના 3.30 લાખ પશુઓને આવરી લેવા માટે જિલ્લા વહીવટીતંત્ર દૈનિક 20 હજાર જેટલા પશુઓનું રસીકરણ કરે છે. પશુપાલકોને જરૂરી માર્ગદર્શન આપવા માટે 24 કલાક 1962 કોલ સેન્ટર કાર્યરત છે.

રાજ્ય સરકાર જાગરૂકતા ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહી છે જેથી કરીને મોટા પ્રમાણમાં લોકો અને ખાસ કરીને પશુપાલકો આ બાબતે લેવાતા પગલાંઓ અંગે જાગૃત થાય.

રાઘવજી પટેલે ખેડૂતો પશુપાલકોને જાગ્રત રહેવા અપીલ કરી છે અને વિનંતિ છે કે દરેક લોકો સરકારના પ્રયાસોમાં પૂરતો સહયોગ આપે. તેમણે કહ્યું કે, આપણે સાથે મળીને આ બીમારીને દૂર કરવામાં સફળ રહીશું.

આ પણ વાંચો: Bharuch / પરેશાન સિનિયર સિટીઝનની 15મી ઓગસ્ટના સરકારી કાર્યક્રમાં આત્મવિલોપનની ચીમકી