આજે દેશભરમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં આજનો દિવસ આનંદ-ઉલ્લાસપૂર્વક માનવામાં આવશે. આવામાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને હોળીની શુભેચ્છાઓ પાઠવી છે. તેઓએ ટ્વીટ કરી લખ્યું કે ” હોળીના પાવન પર્વની દેશવાસીઓને શુભેચ્છાઓ, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર અમરી એકતા એન સદભાવનાના રંગને વધુ મજબૂત કરશે.
આજના દિવસે વિશિષ્ટ ઉજવણી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં કરવામાં આવશે. ધુળેટીના દિવસે દિવસે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, સારંગપુર તીર્થ પર બપોરે 4.44 વાગ્યાથી મંદિર પરિસર પાસે આવેલા વિશાળ ફૂલદોલ ગ્રાઉન્ડમાં પુષ્પદોલોત્સવનો અનેરો લાભ મળશે.
આ વર્ષે ફૂલદોલ ઉત્સવની મુખ્ય વિશેષતા તો એ છે કે આ ઉત્સવ પાણીના ઉપયોગ વગર ઉજવાશે. આ વર્ષે વરસાદની ખેંચને લઈ પાણીની અછત જણાતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે મહોત્સવના આયોજકોને લોકહિતાર્થે પાણીની બચત કરવા જણાવ્યું હતું. એટલે તેના વિકલ્પરૂપે ‘ફૂલો કી હોલી’ એટલે કે ભગવાનના પ્રસાદીભૂત ફૂલોના છંટકાવ ઉપર તેઓએ મંજૂરીની મહોર મારી હતી. માટે આ વર્ષે પધારનાર સંતો-ભક્તોને પાણીથી નહીં, પણ પ્રસાદીભૂત પુષ્પ-પાંખડીઓથી ભક્તિભીના થવાનો લાભ મળશે.
મહોત્સવના મુખ્ય આકર્ષરૂપ એવો 100 ફૂટ લાંબો, 40 ફૂટ પહોળો ભવ્ય અને કલાત્મક સભામંચ રચવામાં આવ્યો છે. 10 લાખ ચોરસ ફૂટ મેદાનમાં સભાવ્યવસ્થા અને 17 લાખ ચોરસ ફૂટ મેદાનમાં વાહનોના પાર્કિંગનું માઈક્રો પ્લાનિંગ કરાયું છે. સાથે જ 10,000સ્વયંસેવકો જોડાયા છે.
ભગવાન સ્વામિનારાયણે આજથી સવા બસો વર્ષ પૂર્વે શરૂ કરેલા આ પુષ્પદોલોત્સવને આજે પણ તેઓના અખંડ ધારક ગુણાતીત સત્પુરુષ દ્વારા સારંગપુરમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે સારંગપુરના આંગણે પુષ્પદોલોત્સવ ઉજવાઈ રહ્યો છે. વિશ્વના પાંચેય ખંડોથી હરિભક્તોનો પ્રવાહ, સારંગપુર ભણી વળી રહ્યો છે.