Gujarat Weather:ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું જોર સતત વધી રહ્યું છે. પશ્ચિમી પવનોના કારણે ભેજ વધતાં લોકોને વાસ્તવિક તાપમાન કરતાં વધુ અસર અનુભવાઈ રહી અને હિટવેવની (Heatwave) અસર દેખાઈ રહી છે. હવામાન વિભાગ અનુસાર આજે અનેક વિસ્તારોમાં તાપમાન 40થી 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે.

ગુજરાતમાં હિટવેવ
ગુજરાતમાં ઉનાળાની ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. અમદાવાદમાં સૌથી વધુ 43.7°C સેલ્સિયસ તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં 43.2°C તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગર અને અમરેલીમાં 43.1°C તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ (Heatwave) સ્પષ્ટ થયો હતો.વડોદરા અને કંડલામાં 42.0°C, ડીસામાં 41.6°C તાપમાન નોંધાયું હતું. બીજી તરફ ભાવનગરમાં 38.5°C અને કેશોદમાં 37.3°C તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ઊંચું રહેવાની શક્યતા છે, તેથી લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને લૂથી બચવા જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ તાપમાન સામાન્ય કરતાં 4થી 7 ડિગ્રી વધુ નોંધાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.હવામાન અનુસાર આગામી 2-3 દિવસમાં મહત્તમ તાપમાનમાં બહુ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આગામી દિવસોમાં પણ અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં 41થી 44 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.કેટલાક જિલ્લાઓમાં હીટવેવ (Heatwave) અને સેવિયર હીટવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
