Gujarat High Court Daughter Farmer Status Property Rights: ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Court) જમીન અને ખેડૂતના કાયદાકીય દરજ્જાને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂત પરિવારમાં જન્મેલી પુત્રીનું માત્ર લગ્ન થઈ જવાથી તેનું ખેડૂત તરીકેનું કાયદાકીય સ્થાન સમાપ્ત થતું નથી. એટલું જ નહીં, જો મહેસૂલી રેકોર્ડમાંથી તેનું નામ છેતરપિંડીથી દૂર કરવામાં આવ્યું હોય, તો માત્ર આ કારણસર પણ તેનો ખેડૂતનો દરજ્જો ખતમ કરી શકાય નહીં. આ મામલો જસુમતીબેન નવલદાસ દસાણી અને અન્ય સાથે સંબંધિત છે. કેસમાં ગુજરાત હાઈકોર્ટે પોરબંદર કલેક્ટરનો 19 ઓગસ્ટ 2016નો આદેશ રદ કર્યો છે. સાથે જ 1990માં થયેલી જમીન ખરીદી સંબંધિત ત્રણ મહેસૂલી એન્ટ્રીઓને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભાઈએ રેકોર્ડમાંથી બહેનનું નામ દૂર કરાવ્યું
કેસની હકીકતો(Gujarat High Court) મુજબ અરજદારના પિતા નાથાલાલનું 1967માં અવસાન થયું હતું. ત્યારબાદ પરિવારની જમીનના રેકોર્ડમાં ફેરફાર થયો અને અરજદાર બહેનનું નામ દૂર કરવામાં આવ્યું હતું. બાદમાં અરજદારે પોતાના ખેડૂત દરજ્જાના પ્રમાણપત્રના(Certificate) આધારે 1990માં ખેતીની જમીન ખરીદી હતી. જોકે, ત્રીજા પક્ષકારોએ વાંધો ઉઠાવીને દાવો કર્યો કે મૂળ જમીનના રેકોર્ડમાં અરજદારનું નામ ન હોવાથી તે ખેડૂત ગણાય નહીં. આ મુદ્દે મહેસૂલી સત્તાધિકારીઓએ કાર્યવાહી કરી હતી.

જન્મથી ખેડૂત હોવાનો અધિકાર
હાઈકોર્ટે(Gujarat High Court) નોંધ્યું કે અરજદારના દાદા ખેડૂત હતા અને તેમની ખેતીની જમીન ત્રણ પુત્રોમાં વહેંચાઈ હતી, જેમાં અરજદારના (Applicant) પિતાનો પણ સમાવેશ થતો હતો. તેથી અરજદાર ખેડૂત પરિવારમાં જન્મેલી પુત્રી હોવાથી તેના ખેડૂત દરજ્જાને માત્ર મહેસૂલી નોંધમાં થયેલા ફેરફારથી નકારી શકાય નહીં. કોર્ટે એ પણ નોંધ્યું કે અરજદારને સત્તાવાર તપાસ બાદ ખેડૂતનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેથી તેણે ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂતનો દરજ્જો મેળવ્યો હોવાનું માનવા માટે પૂરતો આધાર નહોતો.
19 વર્ષ બાદ કાર્યવાહી પર પણ સવાલ
કોર્ટ (Gujarat High Court)સમક્ષ એ મુદ્દો પણ આવ્યો કે 1990ની એન્ટ્રીઓ સામે લાંબા સમય બાદ સુઓમોટો કાર્યવાહી કરવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું કે કોઈ ચોક્કસ સમયમર્યાદા ન હોય તો પણ રિવિઝનલ સત્તાનો(Revisional jurisdiction) ઉપયોગ વાજબી સમયગાળામાં થવો જોઈએ. ઉપરાંત, કાયદામાં ફેરફાર બાદ તેના આધારે નિર્ણય લેતા પહેલાં સંબંધિત પક્ષકારોને પોતાનો પક્ષ રજૂ કરવાની યોગ્ય તક આપવી જરૂરી છે. આ ચુકાદા બાદ મહેસૂલી રેકોર્ડમાં નામ, વારસાગત ખેડૂત દરજ્જો અને મહિલાઓના સંપત્તિ સંબંધિત અધિકારો અંગેની ચર્ચાને પણ મહત્વ મળ્યું છે.
આ પણ વાંચો:સ્પા અને કૂટણખાનામાંથી પકડાયેલા ગ્રાહક સામે કેસ ન થઈ શકે; ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો
આ પણ વાંચો:ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: સાંભળ્યા વિના વીજલાઇન નાંખવાની મંજૂરી રદ
આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટમાં ચર્ચાસ્પદ કેસ,પ્રેમલગ્ન કરનાર દંપતીના બાળક મુદ્દે કાનૂની લડત
