અમદાવાદ,
રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાનાં અગ્રણી એવા અલ્પેશ ઠાકોરની સામે પોતાની જ ‘ઠાકોર સેના’ રોષે ભરાઇ છે એવા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લોકસભાની ચૂંટણી પહેલા ઠાકોર સેનામાં ભંગાણ થાય તેવી શક્યતાઓ નજરે પડી રહી છે. રમેશજી ઠાકોરે અલ્પેશ પર વિવિધ આક્ષેપો લગાવીને બળવો કર્યો છે.
આ અંતર્ગત ગાંધીનગરના ચિલોડા પાસે એસ.પી. રિસોર્ટમાં ઠાકોર સેનાના આગેવાનોની એક બેઠક મળશે.
ઠાકોર સેનાના ઉપ-પ્રમુખ રમેશજી ઠાકોરનું કહેવું છે કે, “અલ્પેશ ઠાકોર ગત વિધાનસભાની ચૂંટણી પહેલા ઠાકોર સમાજ અને ઠાકોર સેનાનું મંતવ્ય જાણ્યા વગર જ કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો. આ મામલે હવે રમેશજી ઠાકોરે ગાંધીનગર ખાતે એસ.પી. રિસોર્ટ ખાતે એક બેઠક બોલાવી છે.
આ બેઠક દરમિયાન રમેશજી ઠાકોર ઠાકોર સેનાના વર્તમાન હોદેદારો સાથે ચર્ચા વિચારણા કરશે. અલ્પેશ ઠાકોર સિવાયના આગેવાનો આ બેઠકમાં હાજર રહી પોતાનો રાજકીય એજન્ડા નક્કી કરી શકે છે.
બીજી બાજુ કોંગ્રેસથી નારાજ ચાલી રહેલ અલ્પેશ ઠાકોર ઠાકોર સેનાનું નવું માળખું જાહેર કરશે તેવા એંધાણ છે. જેમાં જિલ્લા પ્રમુખ તેમજ પ્રદેશ મંત્રીઓની વરણી કરવામાં આવશે.