નવસારી,
નવસારીના વિજલપોર નગરપાલિકામાં ભાજપના જ કેટલાક સભ્યોએ બળવો કરી ભાજપના પાલિકા પ્રમુખ જગદીશ મોદી વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.
તો ભાજપના બળવાખોર સભ્યોએ ભાજપ માંથી રાજીનામુ આપ્યા બાદ વિજલપોર વિકાસ મંચ નામનો અલગ મોરચો રચ્યો હતો. અગાઉ યોજાયેલી સામાન્ય સભામાં હોબાળો થતા તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા સભાને મુલતવી રાખવામાં આવી હતી.
તો બે દિવસ પહેલા પણ પાલિકા પ્રમુખ અને કોર્પોરેટર વચ્ચે મારામારીની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. વિજલપોર પાલિકાની એક ખાસ સામાન્ય સભા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
ત્યારે આ સામાન્ય સભામાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં પાલિકા પર ખડકી દેવાયો હતો.
જેમાં અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં ૧૩ મત જયારે અવિશ્વાસ પ્રસ્તાવની વિરૂદ્ધમાં ૧૮ મતો મળ્યા હતા. તો પાલિકાના ૫ સભ્યો ગેરહાજર રહ્યા હતા. જેથી આખરે પ્રમુખ જગદીશ મોદીએ વિશ્વાસ મત હાંસલ કરી ફરી પોતાની ધૂરા સંભાળી હતી.