અમદાવાદ: ગુજરાતમાં ધરતીપુત્રો છેલ્લા એક અઠવાડિયાથી જેની રાહ જોઇ રહ્યા હતા તે મેઘરાજાએ ધીમી ગતિએ રાજ્યમાં આગમન પધરામણી કરી રહ્યાં છે, રાજ્યના સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. જેમાં કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ હવામાન વિભાગનું એવું કહેવું છે કે સોમવારે રાજ્યમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે.
રાજ્યના સાબરકાંઠા જિલ્લાના પોશીના, ખેડબ્રહ્મા, ઇડર અને વડાલી પંથકમાં મેઘરાજાએ આજે શુક્રવારે પધરામણી કરી હતી. જેના અંતર્ગત પોશીનામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેના કારણે અહીં આવેલી સેઇ નદી બે કાંઠે વહેતી થઇ હતી.
વરસાદ પડવાના કારણે છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોએ રાહત અનુભવી હતી. ગરમીમાંથી રાહત મળવાના કારણે લોકોએ રસ્તા પર આવી મન મૂકીને વરસાદમાં નહાઈને મેઘરાજાનું સ્વાગત કર્યું હતું.
આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ હવામાનમાં પલટો આવ્યો હતો. આવી જ રીતે રાજ્યમાં બપોર પછી હવામાનમાં પલટો આવ્યો હતો જેના કારણે અમદાવાદ જિલ્લાના સાણંદ પંથકમાં પણ વરસાદ પડ્યો હતો.
જો કે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું. જેના કારણે અમદાવાદવાસીઓ વરસાદ આવે તો તેનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ ગયા હતા પરંતુ તેમની આશા ઠગારી નીવડતા લોકો નિરાશ થયા હતા.
જયારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે સોમવારથી રાજ્યના દક્ષિણ ગુજરાત, દમણ અને દાદારા-નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતના અમુક વિસ્તારો, સૌરાષ્ટ્ર અને દીવમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે આગામી ત્રણ-ચાર દિવસ સુધી અમદાવાદમાં વાદળછાયું વાતવરણ રહેશે.