Ahmedabad News: ગુજરાતમાં ચોમાસું ધીમું પડ્યું હોવા છતાં આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી (Gujarat Rain Forecast) માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જોકે, આ સમયગાળા દરમિયાન રાજ્યના કોઈપણ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી.
24 કલાકમાં 24 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 24 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિવિધ વિસ્તારોમાં 1થી 10 મિમી સુધીનો વરસાદ નોંધાયો હતો. નવસારી અને વલસાડ જિલ્લામાં અન્ય વિસ્તારોની સરખામણીએ વરસાદનું પ્રમાણ વધુ રહ્યું હતું.
Gujarat Rain Forecast: અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા
અમદાવાદ શહેરમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની (Ahmedabad Weather) સાથે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં પણ અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
સિઝનનો વરસાદ સામાન્ય કરતાં 14% ઓછો
ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 514.1 મિમી વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 600.9 મિમી વરસાદ થવો જોઈએ, એટલે હાલનો વરસાદ સામાન્ય કરતાં આશરે 14% ઓછો છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં અત્યાર સુધી 595.3 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદની સરખામણીએ આશરે 3% ઓછો છે.
સપ્ટેમ્બરમાં પણ વરસાદ ઓછો રહેવાની શક્યતા
હવામાન વિભાગના સપ્ટેમ્બર મહિનાના આઉટલુક પ્રમાણે રાજ્યમાં આ મહિને વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની સંભાવના છે. બીજી તરફ મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદની સાથે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન પણ તેજ રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે પવનની ઝડપ 15થી 20 નોટ રહી શકે છે અને કેટલીક વખત 25 નોટ સુધી પહોંચી શકે છે.દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પણ આગામી 12 કલાક દરમિયાન દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન ફૂંકાવાની શક્યતા છે. અહીં પણ પવનની ઝડપ 15થી 20 નોટ અને મહત્તમ 25 નોટ સુધી રહેવાની આગાહી છે.
વરસાદી સિસ્ટમો સક્રિય
હાલ ગંગાના પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, ઝારખંડ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી આસપાસ લો-પ્રેશર એરિયા સક્રિય છે. આ ઉપરાંત ચોમાસુ ટ્રફ જમ્મુ, ચંદીગઢ અને શાહજહાનપુર તરફથી પસાર થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતથી મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સુધી વિસ્તરેલી ટ્રફ સિસ્ટમ પણ સક્રિય હોવાથી ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમી પવનોનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમોના કારણે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે.
હાલની આગાહી પ્રમાણે 1થી 7 સપ્ટેમ્બર (September Rain Gujarat) દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની કોઈ મોટી ચેતવણી આપવામાં આવી નથી. જોકે, સ્થાનિક હવામાન પરિસ્થિતિ પ્રમાણે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે અચાનક વરસાદ પડી શકે છે. તેથી ખાસ કરીને દરિયાકાંઠા અને વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં લોકોને હવામાન વિભાગની તાજી આગાહી પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં વરસાદની અછત વચ્ચે કોંગ્રેસનો અનોખો વિરોધ, 50 સ્થળે ખેતરમાં યજ્ઞ; દુષ્કાળ જાહેર કરવાની માંગ
આ પણ વાંચો: ગુજરાતમાં હળવા વરસાદની આગાહી વચ્ચે દુષ્કાળ જાહેર કરવાની માગ તેજ, ઉત્તર ગુજરાત માટે CMને પત્ર
આ પણ વાંચો: વરસાદ બંધ થયાને મહિનો થયો, છતાં 500 એકર ખેતરોમાં પાણી! લુવારાના ખેડૂતોની મુશ્કેલી વધી
