Gujarat Weather: ગુજરાત રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. એર સાઈક્લોનિક સર્ક્યુલેશન ઓફ શોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 241 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગઈકાલે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ઉમરપાડામાં આભ ફાટ્યું હતું. 14 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે ડાંગનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો.
Gujarat Rain Update Live
રાજકોટ શહેરમાં મુશળધાર વરસાદ
મેટોડા GIDC વિસ્તારમાં પાણી ભરાયાતા નિચાણવાળા કોમ્પલેક્ષની દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા તેમજ મવડી ચોકડી, આનંદ બંગલા ચોકમાં વરસાદ વરસ્યો હતો આ સિવાય સ્વામિનારાયણ ચોક, ઓમનગર પાણીપાણી થયા હતા,150 ફૂટ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ પડશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. માહિતી અનુસાર ઉત્તર ગુજરાત ,દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ભાવનગર પડશે, તેમજ જામનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે.તથા 19 જુલાઈ પછી વરસાદનું જોર ઘટશે 22 થી 24 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ફરી વરસાદ પડશે તેમજ આગામી 24 જુલાઈ આસપાસ ચોમાસુ ફરી સક્રિય થશે.
રાજકોટ વરસાદ
રાજકોટના જામકંડોરણા પંથકમા ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથક મા ભારે વરસાદ પડ્યો હતો.તેમજ જામકંડોરણા પંથક મા પણ વરસાદ શરૂ થયો હતો.ત્યારે વરસાદ શરૂ થતા વાતાવરણ મા ઠંડક પ્રસરી હતી.
જુનાગઢ વરસાદ
જુનાગઢના વંથલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ભારે ઉકળાટ થી લોકો હેરાન પરેશાન થયા હતા.વંથલી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા વોકડાનું પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે.તેમજ વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
અમરેલી વરસાદ
અમરેલીના બગસરામાં વરસાદની જમાવટ જોવા મળી હતી ત્યારે બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા સાપર, સુડાવડ, હળીયાદ સહિતના ગામોમાં વરસાદજોવા મળ્યો હતો.વરસાદ પડતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા તેમજ વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
અમરેલીના વડીયા સહિત પંથકમાં વરસાદ પડ્યો હતો તથા બપોર બાદ કાળા ડિબાંગ વાદળો થતા વરસાદ પડ્યો હતો.વડીયા, તોરી, રામપુર સહિતના ગામોમાં મેઘમહેર થઇ હતી માહિતી અનુસાર વડીયામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.
ગીરસોમનાથ બગસરા
ગીરસોમનાથના વેરાવળ માં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે.સટ્ટા બજાર, સુભાષ રોડમાં પાણી ભરાયા છે તેમજ તપેશ્વર મહાદેવના મંદિરમાં પાણી ઘૂસી ગયા છે ત્યારે તંત્રની પ્રિ-મોનસુન કામગીરી પણ પાણીમાં વહી ગયુ હોય તેમ લાગી રહ્યું છે.
બગસરા બગસરા
અમરેલીનાં બગસરા પંથકમાં મેઘાની મહેર જોવા મળી હતી ત્યારે બગસરામાં વરસાદી માહોલ સર્જાયો હતો.શહેરમાં ધીમી ગતિએ વરસાદ વર્ષી રહ્યો છે. ત્યારે
વરસાદી માહોલ જામતા ખેડૂતો ખુશ ખુશાલ થયા હતા તેમજ વરસાદનાં પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
અમરેલી વરસાદ
અમરેલીના ખાંભા ગીરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે નાનુડી ઉમરિયા તાતણીયા સહિત ગામોમાં વરસાદ જોવા મળ્યો છે. તાતણીયા ગામમાં રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે.તેમજ ગીર પંથક માં વરસાદી માહોલ જામતા ખેડુતોમા હરખ જોવા મળ્યો હતો.
અમરેલીમાં વર્ષા
અમરેલીના વડીયામાં ધોધમાર વરસાદ પડ્યો છે. રોડ રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા છે. મેઘાવી માહોલ વચ્ચે વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે. આસપાસના ગામોમાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છેય માહોલ ઠંડો બની ગયો છે.
હવામાન ખાતાએ કરી નવી આગાહી
હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના દરિયાકાંઠા ખંભાતના અખાત અને તેની આસપાસના ભાગોમાં શિયર ઝોન સક્રિય થવાને કારણે ગુજરાતના દક્ષિણ ભાગમાં તથા મહારાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી પાંચ દિવસ માટે એટલે કે 16 થી 20 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. 18 જુલાઈના દિવસે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પવનની ગતિ 65 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેવાની સંભાવના છે.
જસદણ પાણી પાણી
રાજકોટના જસદણમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. આટકોટ, જંગવડ, વીરનગરમાં વરસાદ ખાબક્યો છે. ગુંદાળા, જસાપર, સાણથલી, જીવાપરમાં વરસાદ પડ્યો છે. પાંચવડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે.
જૂનાગઢમાં વરસાદ યથાવત
જૂનાગઢ જીલ્લામાં વરસાદી માહોલ યથાવત છે, માણાવદરમાં બે કલાકમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતાં થયા છે. વંથલી અને જૂનાગઢમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. માળીયા હાટીના તાલુકામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
પોરબંદરમાં 3 કલાકમાં 4 ઈંચ વરસાદ
પોરબંદર જિલ્લામાં આજે મેઘરાજાની શાનદાર બેટિંગ જોવા મળી છે. માધવપુરમાં આજે વહેલી સવારે ત્રણ કલાક ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ બરડા પંથકના વિસાવાડા, મોઢવાડા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે.
દ્વારકામાં વરસ્યો મુશળધાર
દ્વારકાના કલ્યાણપુરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. મોટા આસોટા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો છે. મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી થઇ છે. માર્ગો પર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી છે.
ગીર સોમનાથમાં મેઘો આવ્યો
ગીર સોમનાથના ઉનામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બે -ત્રણ દિવસના વિરામ બાદ ઊનામાં વરસાદ પડ્યો છે. અસહ્ય ગરમી બાદ સવારથી કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા છે.
જામ ખંભાળીયા પંથકમાં 1 ઈંચ વરસાદ
જામ ખંભાળિયા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે. જામ ખંભાળિયા, સલાયા સહિતના ગામોમાં વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. વરસાદના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. ક્યારેક ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
વલસાડમાં વરસાદ
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વલસાડ તાલુકામાં વરસાદી ઝાપટું પડતા ઉમરગામમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. ખેતીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી ગયો છે.
સુરતના ઉમરપાડામાં માર્ગ ધોવાયો
સુરતના ઉમરપાડામાં રસ્તો ધોવાતાં માટી ધસી પડતા પુલ પરની એંગલ તૂટીને નીચે પડી જતા જાનહાનિ ન સર્જાય તે માટે સ્થાનિકોએ એક તરફનો રસ્તો બંધ કર્યો છે. ગઈકાલે ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ વરસ્યો હતો, પરિણામે પુલ અને રસ્તાના નિર્માણને હજુ 1 વર્ષ પણ પૂર્ણ નથી થયું ત્યાં જ ધોવાણ થયું હતું. વહીવટીતંત્રની કામગીરી શંકાના દાયરામાં છે.
ભરૂચના નેત્રંગમાં ઓવરફ્લો
ભરૂચના નેત્રંગમાં ભારે વરસાદ ખાબક્યો છે. ધાણીખૂટ ગામમાં રોમપોલ ઓવરફલો સોળેકળાએ ખીલી ઉઠ્યો છે. ઓવરફ્લો જોવા સહેલાણીઓ દૂર દૂરથી પહોંચ્યા છે.
આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં 20 તાલુકામાં સૌથી વધુ વરસાદ
| જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
| સુરત | ઉમરપાડા | 13.94 |
| ભરૂચ | નેત્રંગ | 7.44 |
| નર્મદા | ગરુડેશ્વર | 5.75 |
| નર્મદા | નાંદોદ | 5.16 |
| નર્મદા | તિલકવાડા | 4.17 |
| નવસારી | ચીખલી | 3.98 |
| અમરેલી | લીલીયા | 3.62 |
| સુરત | મહુવા | 3.58 |
| સાબરકાંઠા | વિજયનગર | 3.27 |
| અમરેલી | સાવર કુંડલા | 2.99 |
| પંચમહાલ | ગોધરા | 2.91 |
| સુરત | પલસાણા | 2.76 |
| વડોદરા | સિનોર | 2.64 |
| અમરેલી | અમરેલી | 2.52 |
| રાજકોટ | ગોંડલ | 2.52 |
| પાટણ | રાધનપુર | 2.52 |
| આણંદ | આણંદ | 2.48 |
| જુનાગઢ | મેંદરડા | 2.40 |
| અરવલ્લી | ભિલોડા | 2.36 |
| આણંદ | તારાપુર | 2.20 |
ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો
માળિયા હાટીના પાસે આવેલો ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે. સિઝનમાં પ્રથમ વખત ડેમ ઓવરફ્લો થયો છે. જેથી ડેમ નીચેના ગામોને એલર્ટ કરાયા છે. તેમજ નદિના પટમા અવરજવર ન કરવા તંત્ર દ્વારા સુચના અપાઈ છે. બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
જૂનાગઢ માળીયા હાટીનામાં દોઢ ઈંચ વરસાદ
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારે બે કલાકમાં માળીયા હાટીના તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. માંગરોળ તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
જ્યારે કેશોદમાં ૪ MM વરસાદ નોંધાયો છે. સવારે ધોધમાર વરસાદ વરસતા નદીઓ બે કાંઠે થઈ છે. માળીયાની મેધલ, લાઠોદરિયોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. પાત્રા, પાણકવા, જાનુડાના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે કાલિન્દ્રી નદીમાં ઘોડાપુર આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 241 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 241 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 14 ઈંચ, નેત્રંગમાં સાડા સાત ઈંચ, ગુરૂડેશ્વરમાં 6 ઈંચ, નાદોદમાં સવા પાંચ ઈંચ, તિલકવાડામાં સવા ચાર ઈંચ, ચિખલીમાં ચાર ઈંચ, લિલિયા અને મહુવામાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના અન્ય તાલુકામાં પણ હળવાથી ધોધમાર વરસાદ વરસ્યો હતો.
આજે ક્યા ક્યા જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે હવામાન વિભાગે આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યુ છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, છોટાઉદેપુર જિલ્લામાં આજે રેડ એલર્ટ છે. જ્યારે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વૈભવી ગણાતો પશ્ચિમ વિસ્તાર સામાન્ય વરસાદથી પાણીમાં ગરકાવ
આ પણ વાંચો: આગામી 48 કલાક ગુજરાત માટે ભારે! હવામાન વિભાગનું પૂર્વાનુમાન
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં
