Gujarat Weather/ Gujarat Rain Live: જૂનાગઢમાં તંત્રએ આપ્યું એલર્ટ; પોરબંદર, દ્વારકામાં વરસાદે વિનાશ વેર્યો

રાજ્યમાં જુદા જુદા જીલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather: આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં 9 જીલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, આણંદ, વડોદરામાં પડી શકે છે ભારે વરસાદ. પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 19 થી 22 જુલાઈ સુધી ગુજરાતના અનેક જીલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે. અગમચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ અત્યંત ભારે વરસાદની પણ શક્યતા છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સવારે 6 થી 2 વાગ્યા સુધી 81 તાલુકામાં મેઘરાજા વરસ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં સાડા દસ ઇંચ વરસાદ, પોરબંદરના રાણાવાવમાં સાડા નવ ઇંચ વરસાદ ખાબક્યો, ગીર સોમનાથના વેરાવળમાં આઠ ઈંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના કેશોદ અને વંથલીમાં પણ સાત સાત ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના સુત્રાપાડા અને માણાવદરમાં સાડા પાંચ ઇંચ વરસાદ, કુતિયાણા અને જામજોધપુરમાં પણ પાંચ- પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.

Gujarat Rain Live Update

જૂનાગઢ – કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાબલી ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. માણેકવાડા માલબાપા મંદિરમાં પણ પાણી ભરાયાં છે.

જામનગરના જામજોધપુરમાં ઉમિયાસાગર જળાશયના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હવે તેમાં વધારો કરી 4 દરવાજા 1.2 મીટર ખોલી દેવાયા છે. જળાશયનું હાલનું લેવલ 69.5 મીટર છે. સીદસર ગામ, ઉપલેટા તાલુકાના હરિયાસન, ચરેલીયા, ખરચીયા, રાજપરા તથા રબારિકા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

જવાનોએ ભારે જહેમત બાદ રેસ્કયુ કર્યુ

પોરબંદરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારમાં તંત્રએ રેસ્કયુ કર્યુ છે. અંતરિયાળ વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્કયુ કરાયું છે. એસડીઆરએફના જવાનોએ ભારે જહેમત બાદ રેસ્કયુ કર્યુ છે.

ભાખરવડ ડેમ ફરી વખત ઓવરફ્લો

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભાખરવડ ડેમ ફરી વખત ઓવરફ્લો થયો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા ચેતવણી અપાઈ છે. 15 થી વધારે ગામોને એલર્ટ રહેવા ચેતવણી આપી દેવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોનાં ગામો વડાળા, અવાણીયા, ભાખરવડ, માળીયાહાટીના, જાનડી, ઘુમટી, આંબેચા, નાની ધણેજ, મોટી ધણેજ, ગડુ શેરબાગ, ભંડુરી સહિતના વિસ્તારોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જરૂર પડે તો પોલીસ, વહીવટીતંત્રનો સંપર્ક કરવા જણાવાયું છે.

જૂનાગઢમાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત

વંથલી,માણાવદર, કેશોદ, માંગરોળમાં વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લાના 75 રસ્તા અસરગ્રસ્ત થયા છે. ઓવરટોપિંગને લીધે 65 ગામડા સંપર્ક વિહોણા બન્યા છે. જિલ્લામાં એસટીના 14 રૂટ કરાયા બંધ. જિલ્લાના 19માંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે. નદીકાંઠાના 53 ગામડાઓને એલર્ટ કરાયા છે. માંગરોળમાં એક કાચું મકાન ધરાશાઈ થયું છે. માળીયાહાટીનાનાં કાત્રાસા ગામે કાર તણાઇ છે. ઇકો ગાડી ડ્રાઈવર સાથે તણાઈ, જાનહાનિ નહિ. તાલુકામાં 40 એગ્રી ફિડર અસરગ્રસ્ત થયા  છે.
ત્રણ જ્યોતિગ્રામ ફીડર થયા અસરગ્રસ્ત. પાણી ઓસરતાં વીજ પુરવઠો પૂર્વવત કરાશે. કંટ્રોલ રૂમમાં 18 ફરિયાદ નોંધાઈ જેનો નિકાલ આવ્યો છે. હજુ જિલ્લામાં ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિ છે. લોકોને બિનજરૂરી અવર-જવર ન કરવા અપીલ કરવામાં આવી છે. શહેરમાં SDRF અને કેશોદમાં NDRF તૈનાત કરાઈ છે. કોઈપણ વન્યપ્રાણીને જાનહાનિના સમાચાર નહીં. દોલતપરા નજીક વરસાદી પાણી ફરી વળ્યા છે, વરસાદી પાણી દુકાનોમાં ઘૂસતા માલસામાન બગડ્યો છે.

માળીયાહાટીના તાલુકાની લાઠોદરિયો નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વાળી વિસ્તારમાં રહેતા લોકોનો ગામ સાથે સંપર્ક તૂટ્યો છે. રસ્તો ધોવાઈ જતા લોકોની અવર જવરમાં મુશ્કેલી વધી છે. વીજપોલ ધરાસાઈ થતા વીજ પુરવઠો ખોરવાયો છે.

આજે સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં રાજ્યના આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
જુનાગઢ કેશોદ 6.34
જુનાગઢ વંથલી 5.87
વલસાડ ઉમરગામ 5.51
પોરબંદર પોરબંદર 4.72
વલસાડ વલસાડ 3.54
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 3.43
જુનાગઢ મેંદરડા 3.07
જુનાગઢ જુનાગઢ 3.03
જુનાગઢ માળીયા હાટીના 3.03
જુનાગઢ જૂનાગઢ શહેર 3.03
રાજકોટ ઉપલેટા 2.56
જુનાગઢ ભેસાણ 2.48
દેવભૂમિ દ્વારકા ભાણવડ 2.36
રાજકોટ જામકંડોરણા 2.32
વલસાડ પારડી 2.09
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 2.01
પોરબંદર રાણાવાવ 1.93
વલસાડ વાપી 1.89
જામનગર કાલાવડ 1.81
જુનાગઢ માંગરોળ (જૂનાગઢ) 1.69
ગીર સોમનાથ તાલાલા 1.61
ગીર સોમનાથ પાટણ-વેરાવળ 1.54
જામનગર જોડીયા 1.30
જામનગર લાલપુર 1.26
નવસારી નવસારી 1.10

પોરબંદર હાઈએલર્ટ

પોરબંદરમાં વરસાદને લઇ તંત્ર એકશનમાં આવી ગયું છે. પોરબંદર તંત્ર દ્રારા તાકીદે બેઠક બોલાવવામાં આવી છે. તંત્રએ તમામ વિભાગોની બેઠક બોલાવી છે. આરોગ્ય, પોલીસ, પાલિકાના અધિકારીઓ હાજર રહ્યા છે. જિલ્લામાં અનેક લોકોનાં રેસ્ક્યુ કરાયાનું જાણવા મળ્યું છે.

વલસાડ શહેરમાં ભારે વરસાદ પડ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરતા લોકોને હાલાકી વેઠવી પડી છે. RMVM દેસાઈ સ્કૂલ પરિસરમાં પાણી ભરાયા છે. શાળાના બાળકો, શિક્ષકો પણ અટવાયા છે.

દ્વારકામાં ભારે વર્ષાથી વાહન ચાલકો હેરાન

દ્વારકામાં નવી મસ્જિદ પાસે પાણી ભરાયા છે. રૂપેણ બંદરમાં નવી મસ્જિદ પાસે પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. કલ્યાણપુરમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.

જામકંડોરણામાં ભારે વરસાદથી ગામમાં નદીઓ વહી

રાજકોટના જામકંડોરણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુદાસરી ગામે વરસાદ વરસતા પાદરમાં પાણી ફરી વળ્યા છે. ગામના પાદરમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

નીચાણવાળા મકાનો અને દુકાનોમાં ભરાયા વરસાદી પાણી. ચાર ઈંચથી વધુ વરસાદ પડતા પંથક પાણી પાણી થઈ ગયું છે. બે દિવસથી વરસતા વરસાદથી અનેક નદીઓમાં પૂર આવ્યું છે. ફોફળ ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 3 ફૂટ બાકી રહ્યું છે.

વલસાડના ઉમરગામમાં ધોધમાર વરસાદ

વલસાડના ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે પાણીનો ભરાવો થયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. તો રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ભારે પવન સાથે વરસાદ ખાબકતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

દ્વારકામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ

દ્વારકાના ભાણવડમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. બરડા ડુંગર અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ વરસાદ છે, ભાણવડની ફલકું અને નકટી નદી બે કાંઠે વહી રહી છે. નકટી નદીમાં પૂર આવતા વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. નગરપાલિકાની બેદરકારીને કારણે વાહન વ્યવહાર બંધ થયો છે.

આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં રાજ્યના આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
જુનાગઢ વંથલી 5.79
જુનાગઢ કેશોદ 5.00
પોરબંદર પોરબંદર 3.74
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 3.27
જુનાગઢ જુનાગઢ 3.03
જુનાગઢ મેંદરડા 3.03
જુનાગઢ જૂનાગઢ શહેર 3.03
વલસાડ ઉમ્બરગાંવ 2.64
રાજકોટ ઉપલેટા 2.56
જુનાગઢ માળીયા હાટીના 2.56
જુનાગઢ ભેસાણ 2.48
રાજકોટ જામકંડોરણા 2.32
દેવભૂમિ દ્વારકા ભાણવડ 2.20
જુનાગઢ માંગરોળ (જૂનાગઢ) 1.69
વલસાડ વલસાડ 1.69
ગીર સોમનાથ પાટણ-વેરાવળ 1.54
વલસાડ વાપી 1.42
પોરબંદર રાણાવાવ 1.38
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 1.38
જામનગર જોડીયા 1.30
ગીર સોમનાથ તાલાલા 1.26
જામનગર લાલપુર 1.22

વલસાડમાં વરસાદની જમાવટ

વરસાદે વહેલી સવારથી વરસાદની જમાવટ બોલાવી છે. વલસાડનો તિથલ રોડ પર ભારે વરસાદથી પાણી રોડ પર આવી ગયા છે.

માણાવદર તાલુકાના અનેક ગામ સંપર્ક વિહોણાં

માણાવદરના તાલુકાના 20 ગામો પાજોદ, લીંબુડા, ઇંદ્રા, માંડોદરા અને કોયલાણા, કોડવાવ, થાપલા, સમેગા, દેશિંગા, ચિખલોદ્રા, મરમઠ, મટીયાણા, પાદરડી, આંબલીયા, ભીંડોરા, ગણા, વડા, વેકરી, પીપલાણા, બોડકા અતિ ભારે વરસાદથી સંપર્ક વિહોણાં બન્યા છે.

વંથલીમાં ઓઝત વિયર ડેમ ઓવરફ્લો

જૂનાગઢના વંથલી તાલુકામાં ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. સોરઠમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થયો છે. ખેડૂતોનો જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થતા હાલ ડેમ પર 10,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. વંથલી, આખા, ટીકર સહિતના ગામોને એલર્ટ કરાયા છે. નદીના પટમાં લોકોને ન જવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.

ધોરાજીમાં વરસાદ મન મૂકીને વરસ્યો

રાજકોટમાં ધોરાજી ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હદમટિયાળા, ભાડેર, ચિચોડ સહિતમાં વરસાદથી ખેતરો પાણી પાણી થયા છે. ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

ધોરાજીના છત્રાસા, વડોદરમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. બે દિવસથી અવિરત વરસાદ વરસ્યો છે. ગામમાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ગ્રામજનો તેમજ ખેડૂતોને હાલાકી પડી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ધોરાજીના જેતપુર રોડ, જૂનાગઢ રોડ, જમનાવડ રોડ સ્ટેશન, રોડ મેઈન બજાર, શાકમાર્કેટ રોડ પાણીમાં જોવા મળ્યા છે. ગ્રામ્ય વિસ્તારના ભાડેર હડમતીયા ચિચોડ નાની મારડ ભાડા જાળીયા જેવા ગામડાઓ પાણી પાણી થયા છે. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતો ચિંતિત થયા છે.

આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
જુનાગઢ વંથલી 5.24
જુનાગઢ કેશોદ 4.69
પોરબંદર પોરબંદર 3.74
જુનાગઢ મેંદરડા 2.91
જુનાગઢ જુનાગઢ 2.76
જુનાગઢ જૂનાગઢ શહેર 2.76
જુનાગઢ ભેસાણ 2.48
દેવભૂમિ દ્વારકા ભાણવડ 2.17
જુનાગઢ માળીયા હાટીના 2.09
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 1.77
પોરબંદર રાણાવાવ 1.34
જામનગર જોડીયા 1.30
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 1.26
જુનાગઢ માંગરોળ (જૂનાગઢ) 1.18
ગીર સોમનાથ તાલાલા 1.06

જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું

ગીર સોમનાથમાં ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. શિંગોડા નદી પર આવેલો જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા લોકો ઉમટી પડ્યા છે. પુષ્કળ પ્રમાણમાં ધોધ પર પાણી વહ્યું હોવાથી ધોધની ગર્જના અને ખોફનાક દ્ર્શ્યો જોવા મળ્યા છે.

રાજકોટમાં ડેમમાં પાણીની આવક થઈ

રાજકોટના જેતપુરના ભાદર ડેમમાં વરસાદના કારણે ડેમમાં 1.75 ફૂટ નવા નીરની આવક થઈ છે. ડેમમાં પોણા બે ફૂટ પાણીની આવક નોંધાઈ છે. ભાદર ડેમમાં 5733 ક્યુસેક પાણીની આવક ચાલુ થતા ભાદર ડેમની સપાટી 19.20ફૂટ પહોંચી છે.

અંદાજીત 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પડે છે આ ભાદર ડેમ. ભાદર ડેમમાંથી ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે, સૌરાષ્ટ્રના બીજા નંબરના ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભાદર ડેમની 34 ફૂટની કુલ સપાટી છે.

વલસાડમાં વરસાદ

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે. વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. વાપી,પારડીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ધરમપુર, કપરાડા, વલસાડ અને ઉમરગામ તાલુકામાં પણ આજે ભારે વરસાદ પડશે. વલસાડ શહેર અને ખેરગામ રોડ ઉપર આવેલ 44 ગામોને જોડતા મુખ્ય રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

પોરબંદરમાં 3 ટ્રેન રદ

પોરબંદર-કાનાલુસમાં પાણી ભરાતા 3 ટ્રેન આંશિક રદ કરવામાં આવી છે.  2 ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. રાજકોટ – પોરબંદર એકસપ્રેસ જેતલસર સુધી જ પહોંચી શકી છે. જેથી રેલ વ્યવહારને અસર થતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ

જૂનાગઢના કેશોદ તાલુકાનું મઘરવાડા ગામનો સંપર્ક ખોરવાયો છે. સાબલી નદીના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે. માહિતી મુજબ ચાર ખેડૂતો ફસાઈ જતાં ગામ લોકોએ ખેડૂતોનું રેસ્ક્યુ કર્યું છે.

જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. કેશોદમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. વંથલી અને મેંદરડામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી ઝાંઝરડા અંડર બ્રિજમાં પાણી ભરાયા છે. અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. બેરીકેટ રાખી અંડર બ્રિજ બંધ કરાયો છે. નરસિંહ મહેતા સરોવરનું પાણી અંડર બ્રિજમાં ભરાયું છે. વંથલીમાં અઢી ઇંચ, જૂનાગઢ, ભેંસાણમાં અડધો ઇંચ, મેંદરડામાં અઢી ઇંચ, કેશોદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા બે કલાકમાં એક થી ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે.

વહેલી સવારથી કેશોદમાં મેઘમહેર થઈ છે. કેશોદના ગ્રામ્ય વિસ્તારના અનેક રસ્તાઓ બંધ કરાયા છે. નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવથયા છે. સાંબલી નદી, ડેમના 7 દરવાજા 2 ફુટ ખોલાયા છે. નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે. ઓઝત, સાંબલી નદી બે કાંઠે વહેતાં ઘેડ પંથક જળબંબાકાર બન્યું છે.

ઉના મછુન્દ્રી નદી આવ્યું પૂર

ગીર સોમનાથમાં ઉના મછુન્દ્રી નદી આવ્યું પૂર આવતા કોઝવે બંધ કરાયો છે. કોઝવે નજીક જીવ જોખમે સેલ્ફી લેતા શહેરીજનોને તંત્રએ દૂર રહેવા સૂચના આપી છે.
પૂર આવતા કોઝવે ધરસમસતા પ્રવાહમાં ગરકાવ થયો છે. તંત્ર દ્વારા લોકોને નદીના પટથી દૂર રહેવા સૂચના આપીલ છે્. મછુન્દ્રી નદીમાં પૂર આવતા ઉના થી કોઠારી અંજાર જેવા ગામોને જોડતો કોઝવે બંધ કરવામાં આવ્યો છે.

જૂનાગઢમાં સર્જાયા નયનરમ્ય દ્રશ્યો

જૂનાગઢમાં ગિરનાર અને દાતાર પર્વત ઉપર ધોધમાર વરસાદ વરસ્યો છે. વિલીંગ્ડન ડેમ સતત ઓવરફ્લો થતાં સોનરખ અને કાળવા નદીમાં પૂર આવ્યું છે. લોલ નદીમાં પણ પાણીની આવક થઈ છે. વરસાદ વરસતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.

પોરબંદર જળબંબાકાર

પોરબંદર-કાનાલુસ સેક્શનમાં પાણી ભરાયા છે. જેના કારણે 3 ટ્રેન આંશિક રદ કરવામાં આવી છે. જ્યારે 2 ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. રાજકોટ – પોરબંદર એકસપ્રેસ જેતલસર સુધી જ પહોંચી શકી છે. જેથી રેલ વ્યવહારને અસર થતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પોરબંદરમાં 14 ઇંચ વરસાદ નોંધાયો છે. જનજીવન હાલ થંભી ગયું છે. પોરબંદરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. રાણાવાવમાં 9 ઇંચ, કુતિયાણામાં 6 ઇંચ વરસાદ નોંધાતા વાહનવ્યવહાર ખોરવાયો છે.

જૂનાગઢમાં વરસાદ

જુનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે કેશોદ અને વંથલીમાં 3.5 ઇંચ, મેંદરડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. માળીયા, માંગરોળ, વિસાવદરમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે.

જુનાગઢમાં 0.5 ઈંચ, વંથલીમાં 3.5 ઇંચ, ભેંસાણમાં 0.5 ઇંચ, મેંદરડામાં 2.5ઇંચ, કેશોદમાં 3.5 ઇંચ પડ્યો છે. માંગરોળની નોળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ચાર ગામો તાલુકાથી સંપર્ક વિહોણા થયા છે. સેખપુર, લંબોરા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે. નોળી નદીમાં પુરની સ્થિતિ સર્જાતા ગામોમાં તંત્ર દ્વારા ટેલીફોનિક સંપર્ક કરાયો છે.

માંગરોળથી કામનાથ જવાનો રસ્તો બંધ થયો છે. રોડ ઉપર વડલાઓની ડાળીઓ પડતાં રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તંત્રએ વડલાઓની ડાળી હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં રાજ્યના આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
પોરબંદર પોરબંદર 13.78
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 10.28
પોરબંદર રાણાવાવ 9.41
ગીર સોમનાથ પાટણ-વેરાવળ 7.52
જુનાગઢ કેશોદ 7.44
જુનાગઢ વંથલી 6.85
ગીર સોમનાથ સુત્રાપાડા 6.57
જુનાગઢ માણાવદર 6.42
પોરબંદર કુતિયાણા 5.67
જામનગર જામજોધપુર 5.67
જુનાગઢ વિસાવદર 4.69
જુનાગઢ માંગરોળ (જૂનાગઢ) 4.65
રાજકોટ ઉપલેટા 4.61
જુનાગઢ માળીયા હાટીના 4.49
રાજકોટ ધોરાજી 4.13
ગીર સોમનાથ તાલાલા 3.98
જામનગર કાલાવડ 3.54
જુનાગઢ જુનાગઢ 3.43
જુનાગઢ જૂનાગઢ શહેર 3.43
અમરેલી ખાંભા 3.07
ગીર સોમનાથ ગીર ગઢડા 3.03
અમરેલી કુંકાવાવ વડિયા 2.95
ગીર સોમનાથ કોડીનાર 2.95
જુનાગઢ મેંદરડા 2.83
દેવભૂમિ દ્વારકા ભાણવડ 2.64
વલસાડ વલસાડ 2.64
ભાવનગર શિહોર 2.52
અમરેલી બગસરા 2.40
ગીર સોમનાથ ઉના 2.40
જામનગર ધ્રોલ 2.36

અમદાવાદમાં છુટોછવાયો વરસાદ

અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. નારણપુરા, નવરંગપુરા, સી.જી રોડ, મેમનગરમાં વહેલી સવારે છુટોછવાયો વરસાદ પડયો છે. વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત થઈ છે.

દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ

દ્વારકા ખંભાળિયા અને ભાણવડમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. આકાશી વીજળીના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે. ભાણવડના ઉમિયાજીમાં રહેણાંક મકાન પર વીજળી પડી છે. સદનસીબે ઘરમાં રહેતા પરિવારનો ચમત્કારી બચાવ થયો છે.

પોરબંદરમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ

પોરબંદરમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પોરબંદર શહેરમાં જળ તાંડવ જોવા મળ્યું છે. એમ.જી.રોડ, એસવીપી રોડમાં ગોઠણસમા પાણી ભરાયા હતા. છાયા ચોકી રોડ સહિતના માર્ગો પર પાણી ભરાયા છે. વીજ ગર્જના અને ભારે પવન સાથે વરસાદ પજતા પોરબંદર શહેરમાં 20 થી 25 વૃક્ષો ધરાશાઇ થયા છે. શહેરના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થતાં પોરબંદરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

અમરેલીમાં વરસાદ

અમરેલીના વડીયામાં મેઘ મહેર યથાવત જોવા મળી છે. મેઘાપીપળીયા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વડીયા સહિત આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના 14 જીલ્લામાં 33 કેસ નોંધાયા, સ્ક્રીનિંગ-સર્વેલન્સ વધારાયું

આ પણ વાંચો:વાયુવેગે ફેલાતા ચાંદીપુરા વાયરસે 19નો ભોગ લીધો, આરોગ્ય વિભાગ સતર્ક

આ પણ વાંચો:હવામાન વિભાગે આપી અત્યંત ભારે વરસાદની ચેતવણી

આ પણ વાંચો:કેબલ ના વાયરો નાખતો ઈસમ વ્યાજખોરી માં કરોડપતિ બન્યો