રાજપીપળા,
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હવે મુલાકાતીઓના ખિસ્સાઓ વધુ હળવા થશે.આમેય સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓએ ત્રણથી ચાર હજારનો ખર્ચ કરવો પડે છે,ત્યાં હવે વાહન ચાલકોએ હવે ટોલ ટેકસ પણ ભરવો પડશે.
ભાદરવા ગામ નજીક ટોલ પ્લાઝાનું નિર્માણ કામ ચાલી રહ્યું છે અને આગામી 6 મહિનામાં તેને કાર્યરત કરી દેવામાં આવશે. ટોલ પ્લાઝા પર કારના 105, બસ અને ટ્રકના 205 અને હેવી વાહનો 260 રૂપિયા સુધીના ટોલના દર નકકી કરવામાં આવે તેવી શક્યતા છે.
અમદાવાદ અને વડોદરા તરફથી આવતાં વાહન ચાલકોએ હવે ભાદરવા ખાતે ટોલ ભરવાનો રહેશે. બીજી બાજુ મહારાષ્ટ્રથી વાયા બોડેલી થઇ મધ્યપ્રદેશ જતાં વાહનોને પણ આ ટોલ પ્લાઝા માં ટેક્સ ભરીને જવું પડશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ 380 અને 1,000 રૂપિયાની ટીકીટ ખરીદતા હોય છે અને હવે તેમના માથે ટોલનું વધારાનું ભારણ આવશે.
ડભોઇથી ગરુડેશ્વર અને ગરુડેશ્વરથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ચાર લેનનો રસ્તો બનાવ્યો છે. આ ઉપરાંત અંકલેશ્વરથી ગરુડેશ્વર થઇ કેવડિયા સુધીના નવા રસ્તાનું નિર્માણ કરાયું છે.
રસ્તાઓ બની ગયા બાદ હવે સરકારે ટોલ વસૂલવાની કવાયત હાથ ધરી છે. બંને રસ્તાઓ પાછળ અંદાજીત 450 કરોડનો ખર્ચ થયો છે. ડભોઇ અને ગરૂડેશ્વર વચ્ચે ભાદરવા ગામ પાસે ટોલ પ્લાઝા બની રહ્યું છે. આવું જ ટોલ પ્લાઝા અંકલેશ્વર-કેવડીયા રોડ પર પણ બનાવવામાં આવે તેવી સંભાવના છે.