સુરતઃ સુરતના જ નહી સમગ્ર ગુજરાતના બહુચર્ચિત એવા 155 કરોડના બિટકોઈન (Bitcoin) કેસમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે આ ત્રણેય આરોપીઓને લાજપોર જેલ મોકલી આપવા માટેનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ પોલીસ દ્વારા મંગળવારે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
રાજ્યના બહુચર્ચિત એવા સુરતના 155 કરોડના બિટકોઈન કેસમાં આરોપી એવા જિગ્નેશ મોરડિયા, મનોજ ક્યાડા અને ઉમેશ ગોસ્વામીના ચાર દિવસના રિમાન્ડની મુદત આજે મંગળવારે પૂરા થયા હતા. આથી પોલીસ દ્વારા આ ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
આ અગાઉ પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેમની વધુ પૂછપરછ કરવા માટે સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, તે સમયે કોર્ટ દ્વારા આરોપીઓના સાતના બદલે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ચાર દિવસના રિમાન્ડની મુદત આજ રોજ પૂર્ણ થતા તેમને ફરીથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે આજે આ ત્રણેય આરોપીઓને લાજપોર જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટેનો હુકમ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ બહુચર્ચિત બીટકોઈન કેસના મુખ્ય આરોપી એવો શૈલેષ ભટ્ટ હજુ સુધી પોલીસની પકડથી ઘણો દૂર છે. પોલીસ દ્વારા તેને ઝડપી લેવા માટે આકાશ પાતાળ એક કરવાનો પ્રયાસ કરી રહી છે.