સુરતના ગોપીપુરાના શિતલવાડી વિસ્તારમાં આવેલા જૈન ઉપાશ્રયમાં અડધી રાત્રે ઘૂસીને સાધ્વીની છેડતી કરવાની ઘટનામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો શખ્સ ઉપાશ્રયના પૂજારીના પૂત્ર અક્ષય રાઠોડ હોવાનું બહાર આવ્યું છે.
સાધ્વી સાથે આવા ગેરવર્તનને લઇને જૈન સમાજ રોષે ભરાયો હતો. આ ઘટનામાં પોલીસે તપાસ કરતા પૂજારીના પુત્રએ જ આવી હરકત કરી હોવાની માહિતી બહાર આવી હતી.
આરોપી અક્ષયે નવા વર્ષની રાત્રે ઉપાશ્રયમાં ઘૂસી સાધ્વી મહારાજ સાહેબની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાધ્વીએ બૂમાબૂમ કરી મૂકતા અક્ષય ત્યાંથી નાસી ગયો હતો.
પોલીસે ભરૂચ ખાતેથી અક્ષયને દબોચી લીધો હતો. ધરપકડ કરવામાં આવેલો અક્ષય હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરે છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે પકડાયેલા યુવાનના પિતા ઉપાશ્રયમાં પુજારી તરીકે ફરજ બજાવે છે. 8મી નવેમ્બરના રોજ આ બનાવ બન્યા બાદ આશિત ગાંધીએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત છેડતી કરનારને પકડી પાડવા માટે જૈન સમાજ તરફથી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.