સાવલી,
સાવલી તાલુકાના લાછનપુર મહિસાગર નદીમાં એમ.એસ. યુનિવર્સિટી અને બાબરીયા ઇન્સ્ટટ્યિૂટના વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત નિપજ્યા હતાં. ગુરુવારે ૪ મિત્રો બર્થ ડે પાર્ટી મનાવવા માટે ગયા હતાં. જો કે આ ઘટના બાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા મહી નદીમાં ડૂબી ગયેલા યુવાનોની શોધખોળ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં બીએસસીમાં અભ્યાસ કરતો નીતિન વાળા, વડોદરા નજીક આવેલી બાબરીયા ઇન્સ્ટટ્યિૂટમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હાર્દિક કલસરીયા સહિત ૪ યુવાનો સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીના કિનારે મિત્રની બર્થ ડે પાર્ટી મનાવવા માટે ગયા હતાં.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નદી કિનારે પાર્ટી મનાવ્યા બાદ ચારેય મિત્રો મહિ નદીમાં નાહવા ગયા હતાં. જેમાં નીતિન વાળા અને હાર્દિક કલસરીયા મહિ નદીમાં આવેલા નવા ધસમસતા પાણીમાં તણાઇ ગયા હતાં. બે મિત્રો તણાતા સાથી મિત્રોએ તેઓને બચાવવા માટે બૂમરાણ મચાવી મૂકી હતી. યુવાનોની બૂમો સાંભળીને સ્થાનિક તરવૈયાઓ નદીમાં કૂદી પડ્યા હતાં અને તેઓને બચાવવા માટે પ્રયાસ શરૂ કર્યા હતાં. પરંતુ મહિ નદીમાં આવેલા વરસાદના નવા પાણીના વહેણમાં બન્ને તણાઇ ગયા હતાં.
