વડોદરા,
વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના અગ્રણી અને ભારતીય મુસ્લિમ રાષ્ટ્રીય મંચના મહામંત્રી ઝહીર કુરેશીએ થોડા દિવસ પહેલા આયોધ્યા ખાતે રામમંદિરના નિર્માણને લઈ યોજાયેલી ધર્મ સભામાં હાજરી આપવા ગયા હતા.
આ દરમિયાન રામ મંદિરના નિર્માણમાં સંમતિ દર્શાવતા મુસ્લિમ અગ્રણીઓ સાથે તેઓ ઉભા હતા અને જેઓ પાસે “રામ મંદિર વહી બનાયેંગે”ના સૂત્રો લખેલા હતા.
જો કે ત્યારબાદ ઝહીર કુરેશીના રથયાત્રા અને પાલખીઓના સન્માન કર્યા હોય તે સહિતના ફોટો મુસ્લિમ સમાજના વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ થયા હતાં. આ ફોટાઓને લઈ મુસ્લિમ સમાજના કેટલાંક લોકોમાં ઝહીર કુરેશી પર રોષ વ્યાપ્યો હતો અને તેના પડઘા સ્વરૂપે યાકુત પુરાની મિનારા મસ્જિદ ખાતે ઝહીર કુરેશીના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતું બોર્ડ મારી દેવાયું હતું.
આ કારણે નવો વિવાદ વકર્યો હતો, પરંતુ બાદમાં સમાધાન થઈ જતા અને મીડિયા સુધી વાત પહોંચે અને વાત નું વતેસર ન થાય તે માટે આજે બોર્ડ હટાવી લેવાયુ હતું. પરંતુ ભાજપમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઝહીર કુરેશી માટે પોતાના જ મુસ્લિમ સમાજમાં છૂપો રોષ કેટલું ખતરા રૂપ પુરવાર થાય છે તે જોવું રહ્યું.