અમદાવાદ: વડોદરામાં 31 ડિસેમ્બરને લઈને વડોદરા પોલીસ કમિશનર અનુપમ ગહેલોત દ્વારા એક વિચિત્ર પ્રકારનો નવો ફતવો (પરિપત્ર) બહાર પાડવામાં આવ્યો છે. જેના લીધે ભારે વિવાદ સર્જાયો હતો, જો કે પોલીસ કમિશનરે ફેરવી તોળ્યું હતું.
અંગ્રેજી નવ વર્ષને વધાવવા માટે 31મી ડિસેમ્બરના રોજ ઠેર ઠેર પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે 31 ડિસેમ્બરને લઈને વડોદરા પોલીસ દ્વારા પણ ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જેના અંતર્ગત આ વખતે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા મહિલા અને યુવતીઓ માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાં અંતર્ગત તા. 31મી ડિસેમ્બરના રોજ રાત્રે વડોદરાની મહિલાઓ અને યુવતીઓ ટૂંકા વસ્ત્રો પહેરી શકશે નહીં. જો કે આ મામલે પોલીસ કમિશનર ગહેલોતે ફેરવી તોળ્યું હતું.
વડોદરા પોલીસ કમિશનરના આવા વિચિત્ર ફતવાથી વડોદરા શહેરમાં હોબાળો મચી જવા પામ્યો હતો. આ મામલે વધુ વિવાદ વકરતાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. મેં ગહેલોત દ્વારા જણાવાયું હતું કે, ટૂંકા વસ્ત્રોમાં નહીં, પરંતુ કઢંગી હાલતમાં જે કોઈ યુવક-યુવતીઓ જોવા મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તા. 31મી ડિસેમ્બરને લઈને વડોદરા શહેરમાં એક હજારથી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. આ પોલીસ કર્મચારીઓ દ્વારા વડોદરા શહેરના 40 જેટલાં સ્થળોની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત બ્રેથ એનેલાઈઝરથી દરેક શકમંદ વ્યક્તિનું ચેકિંગ કરવામાં આવશે.
વડોદરા પોલીસના આવા ટૂંકા વસ્ત્રો અંગેના જાહેરનામાંથી વિવાદ વકરતાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે, 31 ડિસેમ્બરને લઇને યુવક અને યુવતીઓ જો કઢંગી હાલતમાં હશે તો કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે યુવતી અને મહિલાઓના ટૂંકા વસ્ત્રો અંગે પૂછતા તેમણે પોતાના નિવેદનને ફેરવી તોળ્યું હતું અને તેમણે કઢંગી હાલત અંગેની સ્પષ્ટતા કરી હતી.
કમિશનરના આવા પ્રકારના વિચિત્ર જાહેરનામાંને લઈને વડોદરાવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસ કમિશનરના આ વિચિત્ર પ્રકારના જાહેરનામામાં મહિલાઓને ટૂકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લાદવા અંગેની વાત કરવામાં આવી છે જેના કારણે હવે વડોદરાવાસીઓને એવું લાગી રહ્યું છે કે, હવે વડોદરાની મહિલાઓએ કેવા કપડાં પહેરવાનું એ પણ પોલીસ શીખવાડશે એવું શહેરભરમાં ચર્ચાઈ રહ્યું હતું.