વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી સીરીઝનાં પ્રારંભ પૂર્વે જ વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં રાજ્યકક્ષાએ MoU કરવાનો ઉપક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વેગવંતો બન્યો છે.રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ આવા MoU વિવિધ ઉદ્યોગો સાથે કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં ૪૭ MoU રૂ. ૨૫,૯૪પ કરોડના સંભવિત રોકાણો માટેના થયા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ શૃંખલાને આગળ ધપાવતા ગુરુવાર તારીખ ૨ નવેમ્બરે વધુ ૮ એમ.ઓ.યુ. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે કર્યા હતા.આ અંતર્ગત ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં મેડિકલ ડિવાઈસીસ એન્ડ બાયોલોજીકલ મેન્યુફેક્ચરિંગ, દવાઓ અને ઇન્જેક્શન, ટેબલેટ, કેપ્સ્યુલ, બલ્ક ડ્રગ ઉત્પાદન માટેના કુલ રૂ. ૧૭૭૦ કરોડના રોકાણોના એમઓયુ કરવામાં આવ્યા હતા.આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, ઊદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત અને ઊદ્યોગરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થયેલા આ એમ.ઓ.યુ. અન્વયેના ઊદ્યોગો પોતાના એકમો સંભવતઃ ૨૦૨૪ અને ૨૦૨૫માં શરૂ કરશે. વાપી, વાઘોડિયા, સાવલી, વાલીયા, પાનોલી, બાવળામાં આ ઊદ્યોગો શરૂ થવાના છે.
ફાર્માસ્યુટિકલ સેક્ટર ઉપરાંત એન્જિનિયરિંગ, ઓટો એન્ડ ઓટો કમ્પોનન્ટ્સ સેક્ટરમાં રૂપિયા ૩ હજાર કરોડના રોકાણો તથા લોજિસ્ટિક્સ પાર્ક માટે રૂપિયા ૨૦૫ કરોડ અને મેન મેઈડ સ્પિનિંગ યાર્નના ફેબ્રિક ઉત્પાદન માટે ૧૪૦ કરોડના રોકાણો માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા.આ એમ.ઓ.યુ. કરનારા ઉદ્યોગ સાહસિકોએ રાજ્ય સરકારના તેમને મળેલા પ્રોત્સાહક અને પ્રોએક્ટીવ અભિગમની સરાહના કરી હતી.મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, ઊદ્યોગના અધિક મુખ્ય સચિવશ્રી હૈદર તેમ જ વરિષ્ઠ સચિવો આ એમ.ઓ.યુ. સાઈનિંગ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.