Halvad News : મોરબી જિલ્લામાં ચોમાસાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હળવદ તાલુકાના સુસવાવ નજીક આવેલા બ્રાહ્મણી-2 ડેમ (Brahmani 2 Dam)ની મુલાકાત લઈ જળાશયની સ્થિતિ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.કલેક્ટરે ડેમ પર પહોંચીને પાણીની સ્થિતિ, સુરક્ષા વ્યવસ્થા અને કટોકટીના સમયે કરવામાં આવનારી કામગીરી અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.
ડેમમાં પાણીની આવક અને અસરગ્રસ્ત ગામોની માહિતી મેળવી
મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે બ્રાહ્મણી-2 ડેમ (Brahmani 2 Dam)ના કેચમેન્ટ વિસ્તારમાં થયેલા વરસાદ, ડેમમાં થઈ રહેલી પાણીની આવક તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા સંભવિત અસરગ્રસ્ત ગામોની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.તેમણે ચોમાસા દરમિયાન ડેમની સ્થિતિ પર સતત નજર રાખવા અને કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક પગલાં લેવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

Brahmani 2 Damના દરવાજા અને સાધનોનું નિરીક્ષણ
જિલ્લા કલેક્ટરે ડેમના દરવાજાઓની કાર્યક્ષમતા, સ્થળ પર ફરજ બજાવતા કર્મચારીઓની હાજરી, ઈમરજન્સી સમયે ઉપયોગમાં લેવાતા ડીઝલના જથ્થાની ઉપલબ્ધતા સહિતની વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી.આ ઉપરાંત ડેમ પર આવેલા પંપિંગ સ્ટેશનની કામગીરીનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરે સંબંધિત અધિકારીઓને ચોમાસા દરમિયાન સંપૂર્ણ સતર્કતા જાળવવા અને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે જરૂરી સાધનો અને ટીમો સાથે તૈયાર રહેવા સૂચના આપી હતી.

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
બ્રાહ્મણી-2 ડેમ (Brahmani 2 Dam)ની મુલાકાત દરમિયાન મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર, સિંચાઈ વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર હરદીપ છૈયા, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર મહેશ દામા તેમજ હળવદ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડેમ અને આસપાસના વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:ઉતાવળી નદીના ધસમસતા પ્રવાહમાં રિક્ષા તણાઈ: ચાલકને શોધવા તંત્રએ નદી ખંગાળી
આ પણ વાંચો:અમદાવાદના ગુરુકુળમાં વરસાદ બાદ પણ જળસંકટ યથાવત્, સુભાષચોકની દુકાનોમાં ભરાયું પાણી
