Lifestyle News : છેલ્લા કેટલાક સમયથી જીમમાં ભારે વર્કઆઉટ કરતી વખતે, ગરબા કે ડાન્સ કરતી વખતે અથવા તો સામાન્ય દૈનિક કામગીરી દરમિયાન યુવાનોમાં અચાનક કાર્ડિયાક એરેસ્ટ (Heart Attack Study) થવાને કારણે જીવ ગુમાવવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. નાની વયે થતા આ અચાનક મૃત્યુ પાછળના વાસ્તવિક કારણો જાણવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના સંશોધકો દ્વારા એક વિશેષ અને વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં અનેક મહત્વના ખુલાસા થયા છે.
Heart Attack Study : નાની ઉંમરે હાર્ટ અટેક આવવા પાછળના મુખ્ય પરિબળો
ICMRના અહેવાલ મુજબ, આનુવંશિક કારણો (Family History), પહેલાથી રહેલી શારીરિક બીમારીઓ અને સ્મોકિંગ (Smoking) જેવી લાઈફસ્ટાઈલ નાની ઉંમરે હૃદયરોગના હુમલા અને ધમનીઓમાં લોહી ગંઠાવા (Blood Clotting) માટે સૌથી વધુ જવાબદાર છે. જે વ્યક્તિઓમાં આ પ્રકારના જોખમી પરિબળો પહેલાથી જ હોય, તેઓ જ્યારે અચાનક અતિશય કે ભારે કસરત કરે છે ત્યારે શરીરમાં હોર્મોન્સનું અસંતુલન સર્જાય છે, જે આખરે કાર્ડિયાક એરેસ્ટનું નિમિત્ત બને છે.
કેવી રીતે કરવામાં આવ્યો આ અભ્યાસ?
ICMR સંચાલિત ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી’ ના તબીબો અને સંશોધકોએ દેશની 25 થી વધુ જાણીતી હોસ્પિટલોમાં આ રિસર્ચ કર્યું હતું. જેમાં 18 થી 45 વર્ષની વયજૂથના 767 એવા દર્દીઓનો ડેટા એનાલાઈઝ કરાયો, જેઓ સમયસર તબીબી સારવાર મળવાના લીધે ઉગરી ગયા હતા.
કયા પરિબળો જોખમ અનેકગણું વધારી દે છે?
જૂનો ક્લોટિંગ હિસ્ટ્રી: ભૂતકાળમાં લોહી ગંઠાવાની સમસ્યા રહી હોય તેવા લોકોમાં હાર્ટ અટેકનું જોખમ સામાન્ય લોકો કરતા 60 ગણું વધારે જોવા મળ્યું.
અન્ય બીમારીઓ: પહેલાથી રહેલી બીમારી ધરાવતા લોકોમાં 4.6 ગણું જોખમ રહેલું છે.
ધૂમ્રપાન (Smoking): સ્મોકિંગ કરતા યુવાનોમાં હાર્ટ અટેકની શક્યતા 3.5 ગણી વધારે માલૂમ પડી.
આનુવંશિકતા: પરિવારમાં બ્લડ ક્લોટિંગની સમસ્યા રહી હોય તો 3.3 ગણું વધારે જોખમ રહે છે.
કોરોના સંક્રમણ અને રસીકરણ (Vaccines) અંગે સ્પષ્ટતા
અભ્યાસમાં નોંધાયું છે કે જે દર્દીઓ ભૂતકાળમાં કોવિડ-19 થી ગંભીર રીતે પીડાઈને હોસ્પિટલમાં ભરતી થયા હતા, તેમનામાં પાછળથી પણ લોહી ગંઠાવાની સમસ્યા જોવા મળી હતી. જોકે, સંશોધનમાં સૌથી મોટી રાહતની બાબત એ સામે આવી છે કે કોરોનાની વેક્સિન લેવાને કારણે હાર્ટ અટેક કે ક્લોટિંગનું કોઈ વધારાનું જોખમ ઊભું થયું નથી.
આ પણ વાંચો :કિચનમાં ફરતા વંદા અને માખીઓ પહોંચાડી શકે છે હોસ્પિટલ! FSSAI એ આપી મોટી ચેતવણી
આ પણ વાંચો :તમારા વાળ પણ થઈ જાય છે ફ્રીઝી…રુખા-સૂખા..! આ ટિપ્સ અજમાવો…સ્મૂધ અને શાઈની લાગશે!
આ પણ વાંચો :ક્યાંક ડાયેટમાં ભૂલ તો નથી થતી ને? જમ્યા બાદ વારંવાર ઓડકાર આવે છે કે પછી પેટ ફૂલી જાય છે? આ રહી ટિપ્સ…
