ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્ર સહિત ગુજરાત તેમજ દેશના નાગરિકોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી સર્વે નાગરિકોની સુખાકારીની મંગલ કામના વ્યક્ત કરી હતી. શાહ આવતીકાલે ૧૪ નવેમ્બરના રોજ તેમના નિવાસસ્થાન 16 રોયલ ક્રેસ્ટા, જલસા પાર્ટી પ્લોટની પાછળ, એસ.જી.હાઈવે, થલતેજ, અમદાવાદ ખાતે સવારે ૯:૦૦ થી ૧૦:૩૦ દરમ્યાન શુભેચ્છકો અને નાગરિકોને રૂબરૂ મળી શુભેચ્છાઓનું આદાન-પ્રદાન પણ કરશે.
શાહે તેમના શુભેચ્છા સંદેશમાં સૌ નાગરિકોના સુખ, સમૃદ્ધિ, અને નિરોગી સ્વાસ્થ્યની કામના કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ અને દેશવાસીઓના સક્રિય સહયોગના પરિણામે “ભારત” આજે વિશ્વમાં તમામ ક્ષેત્રે અગ્રીમ હરોળમાં પહોંચ્યું છે. છેલ્લા નવ વર્ષમાં દેશની વૈશ્વિક છબી મજબૂત અને નાગરિકોના જીવન ધોરણ બહેતર બન્યા છે. શાહે ઉમેર્યું હતું કે આદરણીય મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રની અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્યની ભાજપા સરકારે ચોમુખી વિકાસની સાથે સાથે પર્યાવરણીય, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક વિકાસની એક નવી પરિભાષા વ્યાખ્યાયિત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી માત્ર ભૌતિક નહિ પરંતુ સંપોષિત વિકાસના અભિગમ સાથે ગરીબોના જીવનમાં ઉજાસ રેલાય તેવા નિર્ધારથી કામ કરી રહ્યા છે.
શાહે જણાવ્યું હતું કે મજબૂત અને સ્પષ્ટ જનાધાર સાથે દેશની જનતાએ આદરણીય મોદીજીને દેશનું સુકાન સોંપ્યું. આજે તેના પરિણામે “મીનીમમ ગવરમેન્ટ – મેકસિમમ ગવર્નન્સ” ની સંકલ્પના સાથે સરકારની પ્રત્યેક યોજનાઓ સેચ્યુરેશન પોઈન્ટ સુધી લઈ જવા કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર પ્રતિબદ્ધ છે. આદરણીય મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રની સરકારે “સાફ નિયત સહી વિકાસ” ની સંકલ્પના સિદ્ધ કરી છે. સમાજના દરેક વર્ગ અને અંતિમ વ્યક્તિ સુધી તેમને મળતા લાભો પહોંચે તેની કાળજી ભાજપા સરકાર અને સંગઠન સંયુક્તપણે લઈ રહ્યા છે. ભાજપા સંગઠને પણ ” સેવા એ જ સંગઠન” ના મૂળમંત્ર સાથે જનકલ્યાણ ને જ પ્રાથમિકતા આપી છે.
શાહે અંતમાં નૂતન વર્ષ, નૂતન સંકલ્પના સાથે “દેશ પ્રથમ” ના ભાવને આગળ રાખી સૌ દેશવાસીઓ દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ બને તેવી અપીલ પણ કરી હતી. તેઓએ કહ્યું હતું કે દેશ બદલાઈ રહ્યો છે. શ્રી શાહે અનુરોધ કર્યો હતો કે આ નવા વર્ષે દેશ હિતમાં નાનો પણ એક સંકલ્પ જરૂરથી લઈએ જેના પરિણામ દેશ ૧૩૫ કરોડ ડગલાં આગળ વધશે.