સંજય મહંત, સુરત@ મંતવ્ય ન્યૂઝ
સોશ્યલ મીડિયામાં છવાઈ જવા અને ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં યુવાનો પોતાના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. આ ઉપરાંત શોર્ટ વિડીયો બનાવવા માટે લોકો નીયમની પણ ધજીયા ઉડાવી રહ્યા છે. ત્યારે સુરતમાં હવે ખાખી વર્દીને પણ આ પ્રકારનું ઘેલું લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં એક હોમગાર્ડ મહિલાનો વિડીયો વાયરલ થયો છે. અને આ વિડીયો વાયરલ થતા તેઓને નોટીસ આપવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
વર્દીમાં મહિલા હોમગાર્ડ વિડીયો બનાવ્યો
સુરતમાં ભૂતકાળમાં જીવના જોખમે બાઈક પર સ્ટંટ કરતા, હથીયારો લઈને વિડીયો બનાવતા લોકો સામે વિડીયો વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયામાં છવાઈ જવા અને ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં નિયમો અને કાયદાઓનો છડે ચોક ભંગ થઇ રહ્યો છે. પરંતુ હવે ખાખી વર્દીને પણ આ પ્રકારનું ઘેલું લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરતના શોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં હોમગાર્ડ મહિલા જવાને બોલીવુડના એક ડાયલોગ પર વર્દીમાં એક શોર્ટ વિડીયો બનાવી શોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. એટલું નહિ પણ હોમગાર્ડ કચેરીના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર મહિલા હોમગાર્ડ સામે તાત્કાલિક પગલાં ભરવા માગ કરાઈ રહી છે. અગાઉ આવા કેસોમાં બે જવાન સામે શિક્ષાત્મક પગલાં ભરાયા હોય તો મહિલા હોમગાર્ડ સામે કેમ નહિ એવા પ્રશ્નો ઉભા થયા હતાં.
તપાસ સોપવામાં આવી
હોમગાર્ડ ઓફિસર એસ. કે. પટેલએ જણાવ્યું હતું કે, વાયરલ થયેલો વિડીયો મારા ધ્યાને આવ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. વીડિયો કયા સ્થળ પર બનાવવામાં આવ્યો છે એ હજી ખબર નથી પણ વર્દીનું અપમાન ચલાવી નહિ લેવાય. સી ઝોનના કમાન્ડિંગ ઓફિસર કિરીટ પટેલને તપાસ સોંપવામાં આવી છે. વીડિયો બનાવનાર બહેનને નોટિસ આપવાના આદેશ કર્યા છે.