ગુજરાત/ સરકારનું સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેસ્ટ મેનેજમેન્ટ નબળું છે ત્યારે અમલ કેટલો અને કેવી રીતે થશે વેપારીનો મોટો પ્રશ્ન

કોઇપણ પ્લાસ્ટિક ક્યારેય સિંગલ યુઝ હોતુ નથી. 25 માઇક્રોન જાડાઇ ધરાવતી વસ્તુનું પણ રિ-સાઇકલીંગ થાય છે. પ્રતિબંધને બદલે લોક જાગૃતિની જરૂર છે. પ્રતિંબધ કાયમી રસ્તો નથી.

Mantavya Exclusive Business
પ્લાસ્ટિક

કેન્દ્ર સરકારે આજથી એટલેકે તા.1 જુલાઇથી 75 માઇક્રોનથી ઓછી જાડાઇ ધરાવતા સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રોડક્ટ પર પ્રતિબંધ મુક્યો છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટનાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 જુલાઇથી સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો એકવાર ઉપીયોગ કર્યા બાદ ફેંકી દેવાથી પર્યાવરણને પારાવાર નુક્શાન થાય છે. પ્રતિબંધનો ભંગ કરનારને 7 વર્ષ સુધી જેલ અને રૂ.1 લાખ દંડની જોગવાઇ છે. બલુન સ્ટીક, સિગારેટ બોક્સ, થર્મોકોલ, આઇસક્રીમ સ્ટીક્સ, પ્લાસ્ટિકના ઝંડા, પ્લેટ, કપ, ગ્લાસ, ફોર્ક્સ, ચમચી, છરીકાંટા, ટ્રે, મીઠાઇ બોક્સ, કાર્ડ, કોથળી, ઝબલા થેલી, ફુડ પેકેટ વગેરે પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. સરકારનાં આ નિર્ણયથી ગુજરાતનાં પ્લાસ્ટિક ઉદ્યોગ પર વિપરીત અસર પડશે. સેંકડો લોકોની રોજગારી છીનવાઇ જવાની સંભાવના છે. જોકે પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ કેટલો અમલી બને છે તે એક મોટો પ્રશ્ન છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા સબંધિ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્લાસ્ટિક ટાસ્કનાં ચેરમેન અને પ્લાસ્ટિકનાં વેપારીઓ સાથે વાત કરીને વાસ્તવિકતા જાણવામાં આવી હતી.

પ્લાસ્ટિક

3 થી 4 હજાર યુનિટ સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવનારને ફટકો પડશે : શૈલેષ પટેલ

પ્લાસ્ટિકનાં પ્રતિબંધને લઈને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં પ્લાસ્ટિક ટાસ્કનાં ચેરમેન શૈલેષ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 10 થી 12 હજાર પ્લાસ્ટિક યુનિટ પૈકી 3 થી 4 હજાર યુનિટ સિંગલ યુઝ પ્લાસ્ટિકની આઇટમોનું ઉત્પાદન કરે છે. સરકારનાં નિર્ણયની આ યુનિટો પર વિપરીત અસર પડશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદકોએ મશીનરી બદલવી પડશે. કેટલાક કામદારો બેરોજગાર થશે અને કેટલાક યુનીટ બંધ થઇ જશે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકારના નિણર્યનો અને વિરોધ નથી કરતા. અમે પર્યાવરણને બચાવવા સરકારની સાથે છીએ. પરંતુ, આ નિર્ણયને હજી થોડા સમય માટે લંબાવવો જોઇએ. સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ થવાથી કેટલીક વસ્તુની કિંમતો વધી જશે. કાચ અને સ્ટીલની પ્લેટ, ચમચી, ગ્લાસ, કપ વગેરે ધોવા માટે પાણીનો ઉપીયોગ વધશે. દુષીત પાણીમાં ધોવાથી હાઇજીનનો પ્રશ્ન ઉપસ્થિત થશે.

સરકારનું સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેસ્ટ મેનેજમેન્ટ નબળું : વેપારીઓ 

એઓમસી ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન ગાડીઓ મારફતે કચરો એકત્ર કરે છે. તેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને અન્ય કચરાને યોગ્ય રીતે વર્ગીકૃત કરવામાં આવતો નથી. ડમ્પીંગ સાઇડો પર પ્લાસ્ટિક અને કચરો એક સાથે જોવા મળે છે. ડમ્પીંગ સાઇડો પર સિંગલ યુઝ પ્લાસ્ટિક અલગ કરવામાં આવે તો તેના વેચાણથી કોર્પોરેશનને વધારાની આવક મળી શકો છે. સરકારના આ નિર્ણયથી પ્લાસ્ટિક ઉદ્યોગને નુક્શાન થશે.

પ્રતિબંધને બદલે લોક જાગૃતિની જરૂર : ભરત પટેલ

ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક એસોસીએશનના સેક્રેટરી ભરત પટેલે જણાવ્યું કે પ્લાસ્ટિક ઉત્પાદકો સરકારના પર્યાવરણ બચાવવાના નિણર્યની સાથે છે. કોઇપણ પ્લાસ્ટિક ક્યારેય સિંગલ યુઝ હોતુ નથી. 25 માઇક્રોન જાડાઇ ધરાવતી વસ્તુનુ પણ રિ-સાઇકલીંગ થાય છે. પ્રતિબંધને બદલે લોક જાગૃતિની જરૂર છે. પ્રતિંબધ કાયમી રસ્તો નથી. લોકો જાગૃત થશે તો પ્લાસ્ટિક વેસ્ટની સમસ્યાનો અંત આવશે. એસોસીએશને કોરોના મહામારી પહેલા શાળ, કોલેજ અને સોસાયટીઓમાં પ્લાસ્ટિક જાગૃતિ કાર્યક્રમ ચલાવ્યો હતો. લોકોને સુકો અને ભીનો કચરો એલગ એકત્ર કરવા સમજાવવામાં આવ્યા હતાં.  મનપાની ગાર્બેજ કલેક્શન વાહનોમાં થેલાઓ લટકાવ્યા હોય છે. આ થેલાઓમાં પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવે છે. આ પ્લાસ્ટિક મજુરો અને કોન્ટ્રાક્ટર બારોબાર વેચી નાખે છે. મનપા આ પ્લાસ્ટિક એકત્ર કરીને ફેક્ટરીને વેચે તો વધારાની આવક ઉભી થઇ શકે છે. એકલા અમદાવાદમાં 25 થી 30 હજાર લોકો પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન, સેગ્રીગેશન અને રિસાઇચલીંગ સાથે સંકળાયેલા છે. તેઓની રોજગારી પર સીધી અસર થશે. અનેક ફેરીયાઓ શાક માર્કેટ, દુકાન, લારીમાં ઝબલા-થેલી વેચીને પરિવારનું ગુજરાન કરે છે. પ્રતિબંધથી ફેરીયા બેકાર થશે. ભારતમાં 60 ટકાથી વધુ પ્લાસ્ટિકની વસ્તુઓ ગુજરાતમાં બને છે. ગુજરાતનો પ્લાસ્ટિક ઉદ્યોગ દેશમાં પ્રથમ ક્રમે છે.

આ પણ વાંચો : મહાવિમાસણ:મહારાષ્ટ્રમાં કોનું સમીકરણ સાચું પડશે!