Surat News : સુરતની ફેમિલી કોર્ટે પત્ની અને બે સગીર સંતાનોના ભરણપોષણ (Maintenance)ની રકમ ચૂકવવામાં સતત ઉદાસીનતા દાખવનાર પતિ સામે કડક કાર્યવાહી કરી છે. કોર્ટના આદેશ છતાં બાકી રહેલી રકમ ન ચૂકવતા અને કોર્ટ સમક્ષ પણ સ્પષ્ટ ઇનકાર કરતા આરોપી પતિને વધુ 120 દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વર્ષ 2019માં પત્નીએ ભરણપોષણ (Maintenance)મેળવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કેસની સુનાવણી બાદ કોર્ટે પતિને પત્ની અને બે સંતાનો માટે કુલ રૂ. 8 હજાર માસિક ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જોકે, લાંબા સમય સુધી નિયમિત ચુકવણી ન થતાં મોટી રકમ બાકી રહી ગઈ હતી.
ભરણપોષણ (Maintenance)ની રકમ વસૂલ કરવા માટે પત્નીએ કોર્ટમાં અલગ-અલગ અરજીઓ દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન જાણવા મળ્યું કે પતિ અન્ય ગુનામાં જેલમાં બંધ છે અને હાલમાં લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો છે. તેને ખાસ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
કોર્ટમાં રજૂઆત દરમિયાન પતિએ બાકી રહેલી રકમ ચૂકવવાનો ઇનકાર કરતા ન્યાયાલયે કડક વલણ અપનાવ્યું હતું. ફેમિલી કોર્ટે બંને અરજીઓમાં 60-60 દિવસની સાદી કેદની સજા ફટકારી, જે કુલ 120 દિવસ થાય છે.
કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે જો આરોપી બાકી રહેલી ભરણપોષણ (Maintenance)ની સંપૂર્ણ રકમ જમા કરાવશે તો તેને સજામાંથી રાહત મળી શકે છે. નોંધનીય છે કે આરોપી અગાઉ પણ ભરણપોષણ ન ચૂકવવાના કેસમાં 610 દિવસની જેલ સજા ભોગવી રહ્યો છે.
આ ચુકાદા દ્વારા કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પત્ની અને સંતાનોના ભરણપોષણ સંબંધિત કોર્ટના આદેશોની અવગણના કરનારાઓ સામે કાયદો કડક કાર્યવાહી કરશે.
