Junagadh News : જૂનાગઢમાં કરોડો રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડ (Cyber Fraud)નેટવર્કનો પર્દાફાશ થયો છે. ગુજરાત સરકારના ‘ઓપરેશન મ્યુલ હન્ટ-2’ અંતર્ગત જૂનાગઢ SOG અને બી-ડિવિઝન પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ₹39.53 કરોડની ઓનલાઈન છેતરપિંડી સાથે જોડાયેલા ગેંગના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કુલ 18 લોકો સામે ગુનો નોંધાયો છે.
પોલીસ તપાસ મુજબ, આરોપીઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પૈસાની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. ત્યારબાદ તે ખાતાઓની પાસબુક, ચેકબુક, ATM કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો પોતાના કબજામાં રાખીને દેશભરમાંથી સાયબર ફ્રોડના નાણાં તેમાં ટ્રાન્સફર કરાવતા હતા.
આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કેવિન ડેકીવાડિયા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે કેવિન અગાઉ પણ સમાન પ્રકારના ગુનામાં સંડોવાયેલો હોવાથી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં બંધ હતો. પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને તેની કસ્ટડી મેળવી વધુ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં સમગ્ર નેટવર્કની મહત્વપૂર્ણ વિગતો બહાર આવી હતી.
તપાસ દરમિયાન સમીર વૈષ્ણાણી (Samir Vaishnani) નામના અન્ય એક વ્યક્તિની સંડોવણી પણ સામે આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, સમીરે અલગ-અલગ લોકોને નેટવર્ક સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સાયબર ફ્રોડ (Cyber Fraud) માટે ઉપયોગમાં લેવાતા આ ‘મ્યુલ એકાઉન્ટ્સ’ મારફતે દેશના વિવિધ રાજ્યોમાં ઠગાઈનો ભોગ બનેલા લોકોના નાણાં એકત્ર કરવામાં આવતા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ 18 જેટલા બેંક ખાતાઓનો ઉપયોગ કરીને કુલ 66 લોકો સાથે ₹39.53 કરોડની છેતરપિંડી આચરી હતી.
પોલીસ અનુસાર, ફ્રોડથી મળેલા નાણાંનો ટ્રેક મુશ્કેલ બનાવવા માટે રકમને અલગ-અલગ બેંક ખાતાઓમાં વહેંચી દેવામાં આવતી હતી. ત્યારબાદ રોકડ ઉપાડવા અથવા ક્રિપ્ટોકરન્સી (USDT)માં રૂપાંતરિત કરીને નાણાંને વધુ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
આ કેસના તાર જૂનાગઢ ઉપરાંત અમદાવાદ, વડોદરા, જામનગર, ભાવનગર અને મહારાષ્ટ્રના રત્નાગિરી સુધી પહોંચતા હોવાનું સામે આવ્યું છે. પોલીસને પૂછપરછ દરમિયાન અન્ય કેટલાક શંકાસ્પદ લોકોના નામ પણ મળ્યા છે, જેના આધારે વધુ તપાસ ચાલુ છે.
જૂનાગઢ પોલીસ હાલમાં આ સમગ્ર નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવા અને છેતરપિંડીના નાણાંની હેરફેર અંગે વધુ વિગતો મેળવવા માટે સઘન તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : આઇફોન યુઝર એલર્ટ, ખોવાયેલા આઇફોનના નામે થઈ રહી છે નવી હાઇબ્રિડ સાયબર ફ્રોડ, I4Cની મોટી ચેતવણી
આ પણ વાંચો : ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0: ગુજરાતમાં ₹2,289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 638 આરોપીઓ ઝડપાયા
આ પણ વાંચો : સાયબર ફ્રોડથી બચવા ગૃહ મંત્રાલયનો મફત કોર્સ, મળશે ફ્રી સર્ટિફિકેટ
