અમદાવાદ/ મરવા જાવ છું, એવી રીતે મરીશ કે તમને મળીશ પણ નહીં- કહી ASIની દીકરી થઇ ગુમ

સોનલબેને ઓડિયો ક્લીપમાં જણાવ્યું હતું કે, “હું હવે આ માનસિક ત્રાસ સહન નહિ કરી શકું, મેં મારાથી બનતું હતું ત્યાં સુધી બહુ સહન કર્યું….

Ahmedabad Gujarat
A 291 મરવા જાવ છું, એવી રીતે મરીશ કે તમને મળીશ પણ નહીં- કહી ASIની દીકરી થઇ ગુમ

આજકાલ આત્મહત્યાના કિસ્સામાં સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે સાબરમતીમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈની પુત્રી ગુરુવારે ‘મરવા માટે જઉં છું’ એવી ચિઠ્ઠી છોડીને ગુમ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. જણાવીએ કે, પિતાને અંતિમ ઓડિયો-ક્લિપ મોકલીને મરવાની વાત કરનારી દીકરીનું છેલ્લું લોકેશન સુરેન્દ્રનગરની નર્મદા કેનાલનું મળ્યું છે. ફાયર વિભાગની ટીમે આઠ કલાક શોધખોળ કર્યા છતાં હજું તેનો પતો ન મળતાં રહસ્ય ઘેરાયું છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા ગિરીશદાન ગઢવીનાં દીકરી સોનલબેનના લગ્ન હાલ ભરૂચમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા પી. એસ. ગઢવીના દીકરા ધર્મેન્દ્રદાન સાથે થયા હતા. તેમને 14 વર્ષના લગ્નજીવન બાદ સંતાનમાં એક દીકરો અને એક દીકરીનો જન્મ થયો હતો. પરંતુ, સાસરિયાંમાં તેમને ત્રાસ મળતો હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી પિયરમાં રહેતાં હતાં અને ત્યાં પણ તેમના પતિ ‘ઘરે આવી જા, નહિતર હું મરી જઈશ’ એવા ફોન કરતા હતા. જેનાથી કંટાળીને ગુરુવારે સોનલબેન ચિઠ્ઠી મૂકીને ઘર છોડી ગયાં હતાં. તેમણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘હું મરવા જઉં છું.’ગુરુવારે બપોરે 1:53 વાગ્યે પિતાને ઓડિયો-ક્લિપ પણ મોકલી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, ‘તે મને વારંવાર મરવાની બીક બતાવતો હતો, તે શું મરવાનો હતો, હું જ તેને મરીને બતાવી દઈશ.’

આ પણ વાંચો : ધોરણ 12 સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર, માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં

આ ઉપરાંત તેમણે ઓડિયો-ક્લિપમાં એમ પણ કહ્યું હતું કે, ‘હું એવી રીતે મરીશ કે તમને કદાચ મળીશ પણ નહિ.’ આવી ઓડિયો-ક્લિપ મોકલીને મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો હતો. જાણવા મળ્યું છે કે, તેમનું છેલ્લું લોકેશન સુરેન્દ્રનગરના દૂધરેજની નર્મદા કેનાલનું આવતું હતું, આથી તેમનાં પરિવારજનો સુરેન્દ્રનગર દોડી આવ્યાં હતાં અને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતાં સતત 8 કલાક સુધી કેનાલમાં શોધખોળ પણ કરી હતી. પરંતુ, સોનલબેનની કોઈ ભાળ મળી ન હતી. જોકે, આ કેનાલમાં જો કોઈ મૃતદેહ હોય તો ફસાઈ જાય તેવી સ્થિતિ નથી, આથી સોનલબેન ક્યાં ગયાં એ અંગે રહસ્ય હજુ ઘેરાયેલુ છે.

સોનલબેને ઓડિયો ક્લીપમાં જણાવ્યું હતું કે, “હું હવે આ માનસિક ત્રાસ સહન નહિ કરી શકું, મેં મારાથી બનતું હતું ત્યાં સુધી બહુ સહન કર્યું, પણ હવે નથી થતું. તે મને વારંવાર મરી જવાની બીક બતાવતો હતો, એ શું મરતો હતો, હું જ તેને મરીને બતાવી દઉં છું. હું મોતને વહાલું કરવા જઈ રહી છું, એટલે આ ઓડિયો-ક્લિપ તમને મોકલું છું. મારા દીકરા અને દીકરીનું ધ્યાન રાખજો. પપ્પા, ભાઇલા બધાય હિંમત રાખજો. આ ઓડિયો-ક્લિપ મળે તો મને ગોતવાની તકલીફ ન કરતાં, હું નહીં મળું તમને. હું એવી રીતે મરીશ કે કદાચ તમને મળીશ પણ નહિ. આ ઓડિયો તમને મળશે ત્યાં સુધીમાં હું આ દુનિયામાં નહીં રહી હોય.”

આ પણ વાંચો :સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, આજથી મંદિરના દર્શનના સમયમાં થયો ફેરફાર

મહત્વનું છે કે, દુધરેજ પાસેની કેનાલમાં સતત શોધખોળ બાદ પણ તેમની ભાળ ન મળતા હાલ સોનલબેન ક્યાં છે તે એક રહસ્ય બની ગયું છે. હાલ પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી છે.

આ પણ વાંચો :ધોરાજીમાં લવ જેહાદનો કિસ્સો,યુવતીને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ