Illegal Financiers/ સરકાર શોધી કાઢેઃ વ્યાજખોરો પાસે બેફામ નાણા આવે છે ક્યાંથી?

વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિકોને વ્યાજના કળણમાંથી બહાર કાઢવા અને વ્યાજખોરોની કાતિલ ધમકીઓ સામે રક્ષણ આપવાની અત્યંત પ્રશંસનીય ઝુંબેશ સરકારે હાથ ધરી છે.

Mantavya Exclusive
illegal Financiers

વ્યાજખોરોનું કળણ બહુ પોચુ અને લપસણું હોય છે, તેમા ફસાયેલ દેવાદાર વ્યક્તિ જેમ જેમ બહાર નીકળવા તરફડિયા મારે છે તેમ તેમ તે ઉંડેને ઉંડે ઉતરતો જાય છે. સરકારે આ દિશામાં હવે સંનિષ્ઠ અને આકરા પગલાં લેવાનું ચાલુ કર્યુ છે. પરંતુ આ નાગચૂડનો અંત તો જ આવી શકે જો વ્યાજખોર પાસે જે ધીરવા માટે બેફામ નાણા આવે છે ક્યાંથી તેના મૂળ સુધી પહોંચવામાં આવે. અન્યથા આ ઉપરછલ્લી ઝુંબેશનું મહિનામાં જ સૂરસૂરિયું થઈ જશે.

એસોસિયેટ એડિટર પ્રફુલ ત્રિવેદી

illegal Financiers વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિકોને વ્યાજના કળણમાંથી બહાર કાઢવા અને વ્યાજખોરોની કાતિલ ધમકીઓ સામે રક્ષણ આપવાની અત્યંત પ્રશંસનીય ઝુંબેશ સરકારે હાથ ધરી છે. આ માટે જુદા-જુદા વિસ્તારોના પોલીસના ઉચ્ચ અધિકારીઓએ 1,650થી વધુ દરબારો યોજ્યા છે, જેમા વ્યાજખોરોની illegal Financiers દાદાગીરીની ફરિયાદો સાંભળી સ્થળ પર જ નિકાલની અને પીડિતને રક્ષણ આપવાની ખાતરી અપાય છે. અત્યાર સુધીમાં 1,209 આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. અને 698 સામે ગુના દાખલ કરાયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં વર્ષો બાદ પ્રજાને પીડતા આ પ્રશ્ન સામે ઝુંબેશ ચલાવવા પોલીસ તંત્રને કડક સૂચનાઓ આપી છે, જેના ઘણા સારા પરિણામો પણ દેખાવવા લાગ્યા છે.

કલોલ જેવા નાના ટાઉનમાં આજે વ્યાજખોરોની લુખ્ખાખોરીથી ત્રાસીને નાના ધંધાદારી યુવકે કેનાલમાં ઝંપલાવ્યુ હતુ. આમ વ્યાજખોરોથી ત્રાસીને આત્મહત્યાના બનાવ illegal Financiers ચાલુ જ છે. આ પ્રકારની કુપ્રવૃત્તિ વર્ષોથી ચાલે જ છે. વગર લાઇસન્સે બે નંબરનો વ્યાજવટાવનો ધંધો કરનારથી ત્રાસી ગયેલી વ્યક્તિ પોલીસમાં ફરિયાદ કરવા જાય તો પણ કોઈ એફઆઇઆર લખતું ના હતુ. તેના લીધે વ્યાજખોરોની હિંમત વધતી જતી હતી. દેવાદાર ભાંગી પડીને ઘર કે ખેતર વેચી નાણા ભરતો રહેતો હતો કે આત્મહત્યા તરફ વળી જતો હતો. વ્યાજખોરને કેટલાક અધિકારીઓ અને રાજકારણીઓ પીઠબળ આપતા હોવાથી વ્યાજખોર પોતે અને તેણે ઉઘરાણી કરવા રાખેલા લુખ્ખા જેવા યુવકો દાદાગીરી કરતા ફરતા હતા.

સરકારે હવે જ્યારે આ દિશામાં પગલા લેવાનું ચાલુ કર્યુ જ છે ત્યારે પોલીસતંત્રએ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી વધુ ઊંડા ઉતરવાની જરૂર છે,  કેમકે વ્યાજખોર સમાજનો જ નહીં, સરકારનો પણ શત્રુ છે, કેમકે આ આખો ધંધો બે નંબરનો છે. અને કાળા નાણાના નેટવર્કને ભરપૂર પ્રોત્સાહન પૂરુ પાડનારો છે. હવે પોલીસ જે વ્યાજખોરને પકડે છે તે નાણા વ્યાજે આપવા માટે તગડી રકમ લાવે છે ક્યાંથી? તેની આવકનો સ્ત્રોત કયો છે?  ત્યાં સુધી પહોંચવું જોઈએ કેમકે ત્રણ વ્યક્તિની ફરિયાદ જે વ્યાજખોર સામે આવી હોય તો તેણે ધિરાણ તો ત્રણ હજાર વ્યક્તિને કર્યુ હોય છે.

આ ‘મીની બેંક’ જેટલા બે નંબરના નાણા તેની પાસે આવે છે ક્યાંથી? કેમકે ચેકથી ક્યાંય વ્યવહાર થતો જ નથી. સરકારના તમામેતમામ કાયદાઓનો છડેચોક ભંગ થાય છે. આ બાબતને કેન્દ્રમાં રાખીને પોલીસે ઇન્કમ ટેક્સ સહિત લાગતા વળગતા તમામ ખાતોને જાણ કરવી જોઈએ. કેમકે બે નંબરનું ટર્નઓવર ઇન્કમ ટેક્સ રિટર્નમાં ક્યાંય દેખાતું હોતું નથી. એક મીથ-વાયકા એવી પણ છે કે કેટલાક અધિકારીઓના ભ્રષ્ટાચારના બ્લેકના નાણા કે કોઈ રાજકારણીના રોકડ વ્યવહારોના નાણા વ્યાજખોરો ફેરવતા હોય છે અને એટલે જ અત્યાર સુધી તેમની ખુલ્લી દાદાગીરી ચાલતી હતી. એટલે એ બાબત સ્પષ્ટ છે કે જ્યાં સુધી પૂરેપૂરા નેટવર્કને છિન્નભિન્ન કરવામાં નહી આવે ત્યાં સુધી ઉપરછલ્લી ઝુંબેશનું કોઈ નક્કર પરિણામ આવવાનું નથી. તો જ ઝેરી વેલાઓની નાગચૂડનો અંત આવશે.

આ પણ વાંચોઃ

વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી હવે આ સ્થાન પર,મુકેશ અંબાણી ટોપ ટેનમાંથી બહાર

AK એન્ટોનીના પુત્ર અનિલે કોંગ્રેસ છોડી, BBCની ડોક્યુમેન્ટ્રીમાં ભાજપને સમર્થન આપ્યું

 સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં મોબાઇલ પર પ્રતિબંધ, ફોટોગ્રાફી કરતા પકડાશે તો કાર્યવાહી થશે