તમારા પ્રાઇવેટ કોલ અને તમારી ખાનગી વાતો રેકોર્ડિંગ મારફતે ગમે ત્યારે જાહેર થઇ શકે છે. ગુજરાત સહિત દેશ અને દુનિયામાં તેના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. અને અનેક મોટા નેતાઓ, ઉધોગપતિઓથી લઇને અધિકારીઓ તેમાં ફસાઇ ચૂક્યા છે. ફોન ટેપિંગ હિસ્ટ્રી ચકાસીએ તો ઘણા સમયથી અનેક ખાનગી વાતચીતના અંશો વાયરલ થતાં સાંભળવા મળે છે. તેનો સૌથી વધારે ડર મોટા નેતાઓ અને મોટા સરકારી અધિકારીઓ તેમજ ઉધોગપતિઓમાં જોવા મળી રહ્યો છે.
મોટાભાગે સામાન્ય વ્યક્તિઓ વાતચીત માટે મોબાઇલનો ઉપયોગ કરે છે. અને સામાન્ય કોલથી વાતચીતને પતાવી લે છે. પણ ઉપરના ક્લાસમાં આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલું થયો છે. આ ટ્રેન્ડ મુજબ કોઇ મોટા અધિકારી કે કોઇ મોટા નેતા તમારી સાથે સીધી ફોન પણ વાતચીત નહી કરે. જ્યારે વાત ખાનગી હોય ત્યારે એવા માધ્યમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના પર કોઇ સીધી રીતે તમારી વાતચિતને રેકોર્ડ કરી શકે નહી. એટલે કે વાયરલ થવાનો કોઇ સવાલ જ નહી. જો કે હમણાં થોડા સમય પહેલાં જ દેશમાં પેગાસીસ કાંડથી દેશ અને દુનિયા હચમચી ગઇ હતી. આ કાંડમાં અનેક મોટા લોકોના ફોન ટેપ થયા હતા. દેશભરમાં પેગાસીસનો મામલો ખુબ ચગ્યો હતો. અને તેના પડઘા સંસદ સુધી સંભળાયા હતા. તે વખતે આક્ષેપ એવો પણ થયો હતો કે ફોનટેપિંગની શરૂઆત ગુજરાતથી થઇ હતી. તે પછી ગુજરાતના મોટા અધિકારીઓ કહો કે નેતાઓ ફોનટેપિંગનો ડર એવો મનમાં બેસી ગયો છે કે તે નિકળતો નથી.
સૌથી પહેલા આવા લોકોમાં જ્યારે ફોનટેપિંગનો ભય આવ્યો ત્યારે વ્હોટ્સઅપ કોલિંગનું ચલણ વધ્યુ હતું. તમે જો કોઇ અધિકારી કે નેતા સાથે વાત કરવાનો પ્રયાસ કરો તો તમને સામેથી વ્હોટ્સઅપ કોલ આવે અને તેના પર તમારી વાતચીત થાય. અથવા તમને વ્હોટ્સઅપ કોલ કરવાનું કહેવામાં આવે. પણ સમયજતાં હવે વ્હોટ્સઅપ કોલના રેકોર્ડિંગનો પણ તોડ શોધી કઢાયો છે. એટલે કે વ્હોટ્સઅપ કોલિંગ પર થતી વાતચિત પણ કોઇ ઇચ્છે ત્યારે ખાસ સોફ્ટવેરની મદદથી તેને રેકોર્ડ કરીને જાહેર કરી શકે છે. એટલે હવે નેતાઓ અને અધિકારીઓએ વાતચીતના આ માધ્યમનો ઉપયોગ ઓછો કરી દીધો છે. હવે આવા લોકો ફેસટાઇમ, સિગ્નલ અને ફેસબુક મેસેન્જરના માધ્યમ તરફ વળ્યા છે. જેના પર એવી શક્યતાઓ ઘણી ઓછી છે કે તમારી વાતચીતના અંશો રેકોર્ડ થઇ શકે. એટલે કે તમારી વાતચીત સંપુર્ણ સલામતિની કેટેગરીમાં આવી જાય છે. આ માધ્યમો કેવી રીતે કામ કરે છે તે પણ જાણી લો.
ફેસટાઇમઃ ફેસ ટાઇમ એક મફત ડિયો અને કોલિંગ સેવા છે. જે આઇફોન-૪ પછીના તમામ વર્જનમાં સમાવિષ્ટ છે. તેને આઇપેડ, આઇપોડ ટચ કે કોમ્પ્યુટર સાથે જોડીને તેનો ઉપયોગ કરી શકાય છે. તે ઉપરાંત એપલ વોચમાં પણ તેની ફેસીલીટી હોય છે. તેમાં વપરાશ કર્તાને કોઇ ખાસ ગોઠવણીની જરૂરીયાત રહેતી નથી. અને તેના ફાયદા ઘણા છે. અને જટીલતાઓ ઓછી છે. આ સેવામાં તમારી વાતચીત રેકોર્ડ થવાની કોઇ શક્યતા નથી.
ફેસબુક મેસેન્જરઃ સોશ્યલ સાઇટ ફેસબુકનું મેસેન્જર એપ પણ મફત વિડીયો અને કોલિંગ માટેનું માધ્યમ છે. જે એન્ડ્રોઇડ અને આઇફોનમાં પણ ઉપયોગ થઇ શકે છે. વાતચીત માટે આ માધ્યમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યાં જે તે વ્યક્તિને સ્વતંત્ર રીતે મેસેજ, વિડીયો ફોટોગ્રાક્સ મોકલવા સાથે કોલિંગની પણ સુવિધા મળી રહે છે. આજકાલ મોટા નેતાઓ કે અધિકારીઓમાં મેસેન્જર પર વાતચીતનું ચલણ પણ વધ્યુ છે. જ્યાં ટેપિંગનો ડર નહીવત છે.
સિગ્નલઃ આ પણ એક એવું માધ્યમ છે જે એન્ડ્રોઇડ અને એપલના ફોનમાં સરળતાથી વાપરી શકાય છે. આ માધ્યમ પર થતી તમામ વાતચીતની ગોપનિયતા જળવાઇ રહે છે. આ માધ્યમ દ્વારા થતી વાતચિત તદ્દન સુરક્ષિત હોવાનો આ એપ્લીકેશન દાવો કરે છે. આ એપ્લીકેશન પર તમારા મેસેજ બીજું કોઇ વાંચી શકતું નથી કે તમારા ફોન કોલ્સ કોઇ સાંભળી શકતું.
એટલે કે, મુળ વાતચિત પર પરત આવીએ તો આજકાલ અનેક નેતાઓ, ઉધોગપતિઓ અને સરકારી અધિકારીઓમાં ઇન્ટરનેટ કોલિંગનું ચલણ વધી રહ્યુ છે અને તેની પાછળ છે કોલ ટેપિંગનો ડર. કારણ કે ભૂતકાળમાં ગુજરાતમાં ફોનટેપિંગ કાંડ ખુબ ચર્ચામાં આવ્યો હતો. અને તેના આફ્ટરશોક હજુ પણ જોવા મળે છે.