Politics/ નીતિશ કુમારની પાર્ટીને મોટો ફટકો, જેડીયુના 5 ધારાસભ્યો બીજેપીમાં જોડાયા

બિહારના સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુને હવે મણિપુરમાં મોટો ઝટકો લાગ્યો છે. મણિપુરમાં જેડીયુના પાંચ ધારાસભ્યો સત્તાધારી ભાજપમાં જોડાયા છે

Top Stories India
10 5 નીતિશ કુમારની પાર્ટીને મોટો ફટકો, જેડીયુના 5 ધારાસભ્યો બીજેપીમાં જોડાયા

બિહારના સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુને હવે મણિપુરમાં મોટો ઝટકો લાગ્યો છે. મણિપુરમાં જેડીયુના પાંચ ધારાસભ્યો સત્તાધારી ભાજપમાં જોડાયા છે. જેડીયુના ધારાસભ્યો જેઓ ભાજપમાં જોડાયા છે તેમાં કેએચ જોયકિશન, એન સનેટે, મોહમ્મદ અછાબુદ્દીન, ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક એએમ ખુટે અને થંગજામ અરુણ કુમારનો સમાવેશ થાય છે. એએમ ખુટે અને થંજામ અરુણ કુમારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પાસેથી ટિકિટની માંગણી કરી હતી, પરંતુ સફળતા ન મળતાં બંને જેડીયુમાં જોડાઈ ગયા હતા.

મણિપુર વિધાનસભાના સચિવ કે મેઘજીત સિંહે એક નિવેદન જારી કરીને કહ્યું કે સ્પીકરે બંધારણની દસમી અનુસૂચિ હેઠળ જેડીયુના પાંચ ધારાસભ્યોના ભાજપ સાથે વિલીનીકરણને સ્વીકાર્યું છે. જેડીયુએ આ વર્ષે માર્ચમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 38 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી તેણે છ બેઠકો જીતી હતી. તેમાંથી હવે 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. એક ધારાસભ્ય હજુ પણ જેડીયુમાં છે.

જો કે એક તરફ નીતિશ કુમાર રાષ્ટ્રીય રાજનીતિમાં જવાની ચર્ચા છે. બીજી તરફ, ભાજપ સતત તેમની પાર્ટીમાં ખળભળાટ મચાવી રહ્યો છે. છેલ્લા નવ દિવસમાં જેડીયુને આ બીજો ફટકો છે. અગાઉ 25 ઓગસ્ટે અરુણાચલ પ્રદેશમાં જેડીયુના એકમાત્ર ધારાસભ્ય ટેકી કાસો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે જેડીયુએ 2019માં અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સાત સીટો જીતી હતી. ચૂંટણી પરિણામોમાં ભાજપ પછી જેડીયુ રાજ્યની બીજી સૌથી મોટી પાર્ટી હતી. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 41 બેઠકો જીતી હતી. જોકે, જેડીયુના 6 ધારાસભ્યો બાદમાં ભાજપમાં જોડાયા હતા.

નોંધનીય છે કે નીતીશ કુમારે ગયા મહિને જ બિહારમાં ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા હતા. નીતીશ કુમારે ભાજપ પર તેમને અપમાનિત કરવા અને જેડીયુને તોડવાનો આરોપ લગાવીને એનડીએથી પોતાને દૂર કર્યા. આ પછી નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ આરજેડીના નેતૃત્વવાળા મહાગઠબંધન સાથે હાથ મિલાવ્યા. મહાગઠબંધનની નવી સરકારમાં નીતિશ કુમાર ફરી એકવાર સીએમ બન્યા અને આરજેડી નેતા તેજસ્વી યાદવે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.