અમરેલીઃ અમરેલીના રાજુલા પંથકમાં સિંહણ રક્તપિપાસુ બનતા સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. તેના લીધે સમગ્ર રાજુલા વિસ્તાર આતંકિત થઈ ગયો છે અને ડરના વાતાવરણમાં જીવી રહ્યો છે. રાજુલાના બાવેરા ગામની બે વ્યક્તિઓ પર સિંહણે હુમલો કરતાં ગામમાં હાહાકાર મચી ગયો છે અને લોકોમાં ડરની લાગણી ફેલાઈ ગઈ છે.
સિંહણના બે જણ પર હુમલાના પગલે રાજુલા અને જાફરાબાદ બંને રેન્જનો વનવિભાગ સાબદો બની ગયો છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખતા અને આગળ સિંહણ વધુ હુમલા ન કરે અને લોકોના ગુસ્સાનો ભોગ બનતા લોકો તેને ખતમ કરી ન નાખે તે માટે જાફરાબાદ અને વનવિભાગે પોલીસની મદદથી સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દીધો છે. તેની સાથે સિંહણને પકડવા માટેનું ઓપરેશન શરૂ કર્યુ છે. આ માટે લાઇન એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી છે.
રાજુલા-જાફરાબાદ રેન્જના વનવિભાગે સમગ્ર સીમ વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યુ છે. આ વિસ્તારમાં સિંહણ માનવ લોહી ચાખી ગઈ હોવાથી તે ગમે ત્યારે જંગલમાં રહેતા ગામવાસી કે વટેમાર્ગુ પર હુમલો કરે તેવી પ્રબળ સંભાવના છે. તેના લીધે અહીંના ગામવાસીઓમાં ભયનું વાતાવરણ સર્જાયુ છે. તેઓ માટે રાત્રે ગામમાં એકલા બહાર નીકળવું પણ અઘરું બન્યું છે.
રાજુલા પંથકમાં આમ પણ જંગલી પ્રાણીઓની વારંવાર તકલીફ જોવા મળે છે. તેમા કેટલીય વખત સિંહ અને સિંહણ તેમના જૂથમાં ગામડાઓમાં ચોકમાં આંટા મારતા જોવા મળ્યા છે, પરંતુ તેઓએ અત્યાર સુધી કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું. હાલમાં સિંહણે આ રીતે હુમલો કર્યો તેવું પ્રથમ વખત જોવા મળ્યું છે. તેને લઈને આગામી સમયમાં તે જોવામાં આવશે કે સિંહણે હુમલો કઈ રીતે કર્યો, શા માટે કર્યો, કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને કર્યો.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે સૌરાષ્ટ્રમાં પ્રાણીઓ માટેના અભયારણ્યનો વ્યાપ વધારવાનો નિર્ણય લીધો છે તેનો ફાયદો આગામી સમયમાં મળશે. તેના લીધે પ્રાણીઓને વધુ પ્રમાણમાં વન આવતા તે નાના ટાઉન અને ગ્રામીણ વિસ્તારમાં આવતા અટકશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ